Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ'અવિશ્વાસ પ્રસ્તાવ અવળો પડ્યો, PM મોદીનું ભાષણ સૌથી વધુ અસરદાર…': સરવેમાં બહુમતી લોકોએ...

    ‘અવિશ્વાસ પ્રસ્તાવ અવળો પડ્યો, PM મોદીનું ભાષણ સૌથી વધુ અસરદાર…’: સરવેમાં બહુમતી લોકોએ કહ્યું- આનાથી વિપક્ષને ઓછો અને સરકારને વધુ ફાયદો થયો

    સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર કોને વધુ ફાયદો થયો? જેમાં 40 ટકા લોકોએ સત્તાધારી ગઠબંધન NDAનું નામ લીધું, તો માત્ર 13 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી વિપક્ષોને ફાયદો થયો છે.

    - Advertisement -

    20 જુલાઈ, 2023ના રોજ શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્ણ થયું હતું. આ દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચ્યું વિપક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાએ. લોકસભામાં લગભગ ત્રણ દિવસ સુધી આ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી. આંકડાઓ ન હોવા છતાં પ્રસ્તાવ લાવીને વિપક્ષો મોદી સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ ચર્ચા બાદ તે અવળી પડી હોય તેમ લાગે છે. તાજેતરના એક સરવેમાં પણ આ જ બાબત સામે આવી છે. 

    ABP ન્યૂઝ C-વોટર સાથે મળીને એક સરવે કર્યો હતો અને તાજેતરના અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા પર તેમનો મત લીધો હતો. જેમાં બહુમતી લોકોએ કહ્યું કે આનાથી વિપક્ષને ઓછો અને NDAને વધુ ફાયદો થયો. જ્યારે 51 ટકા લોકોએ કહ્યું કે, વિપક્ષે આ પ્રસ્તાવ જ લાવવો જોઈતો ન હતો. પ્રસ્તાવ પર અપાયેલાં ભાષણની વાત કરવામાં આવે તો બહુમતી લોકોએ સ્વીકાર્યું હતું કે વડાપ્રધાન મોદીનું ભાષણ શ્રેષ્ઠ હતું. જ્યારે રાહુલ ગાંધીના ‘ભારત માતા’વાળા નિવેદનને ઘણા લોકોએ વખોડ્યું. 

    સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર કોને વધુ ફાયદો થયો? જેમાં 40 ટકા લોકોએ સત્તાધારી ગઠબંધન NDAનું નામ લીધું, તો માત્ર 13 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી વિપક્ષોને ફાયદો થયો છે. 48 ટકા લોકોએ જણાવ્યું કે, આ પ્રસ્તાવથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફાયદો થયો. જ્યારે માત્ર 20 ટકાએ રાહુલ ગાંધીનું નામ લીધું. 6 ટકા લોકોએ અમિત શાહ વિશે કહ્યું કે, આ પ્રસ્તાવથી તેમને પણ ફાયદો મળ્યો છે. 

    - Advertisement -

    PM મોદી-ગૃહમંત્રી શાહનાં ભાષણો સૌથી વધુ અસરદાર: સરવે

    અવિશ્વાસ પ્રસ્તાવ પર કયા નેતાનું ભાષણ સૌથી વધુ અસરદાર રહ્યું? તેમ પૂછવામાં આવતાં 46 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 14 ટકા લોકોએ ગૃહપ્રધાન અમિત શાહનું નામ લીધું. 22 ટકા લોકોને રાહુલ ગાંધીનું ભાષણ અસરકારક લાગ્યું. ઉલ્લેખનીય છે કે પ્રસ્તાવ પર જવાબ આપતી વખતે ગૃહમંત્રી અને વડાપ્રધાન બંનેએ 2-2 કલાકનાં ભાષણ આપ્યાં હતાં. આ બંને ભાષણોથી સત્તાપક્ષને ઘણો ફાયદો મળ્યો. 

    સરવે દરમિયાન લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ મણિપુર પર સરકારના જવાબથી સંતુષ્ટ છે? જેના જવાબમાં 51 ટકા લોકોએ હકારાત્મક જવાબ આપ્યો. જ્યારે 38 ટકા લોકોએ કહ્યું કે, તેઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ રજૂ કરતાં મણિપુર હિંસા અને સરકારે લીધેલાં પગલાં અંગે વિસ્તૃત જવાબ આપ્યો હતો. 

    સરવેનાં પરિણામો પરથી જણાઈ આવે છે કે વિપક્ષે જે આશયથી સરકારને ઘેરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તેમાં તેઓ સફળ થઇ શક્યા નહીં અને મોદી-શાહની જોડીએ આ તક ઝડપી લઈને સરકારની છબી વધુ ચમકાવી દીધી, જેની સંસદમાં તો ખરી જ પણ જનતા પર પણ અસર પડી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં