વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (10 ઓગસ્ટ, 2023) લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ રજૂ કર્યો. આ દરમિયાન અમુક હળવાશની પળો પણ જોવા મળી. PM મોદીએ હળવા મૂડમાં વિપક્ષી સાંસદોને કહ્યું કે, તેમને તેમણે પાંચ વર્ષ આપ્યાં હતાં તેમ છતાં પૂરતી તૈયારી કરીને ન આવ્યા અને સરકારને રમવા માટે મેદાન આપી દીધું.
વાસ્તવમાં, 2018માં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ લોકસભામાં બોલતાં કહ્યું હતું કે, મારી શુભકામનાઓ છે કે 5 વર્ષ પહચી 2013માં પણ તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવો. સંજોગોવશ બન્યું પણ એવું કે તાજેતરમાં વિપક્ષોએ મણિપુર મુદ્દે ચર્ચા કરવાનું કહીને અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું, આ અવિશ્વાસ પ્રસ્તાવ પર તમે કેવી ચર્ચા કરી? હું તો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું, તમારા દરબારી પણ બહુ દુઃખી છે. આ ચર્ચાની મજા જુઓ, ફિલ્ડિંગ વિપક્ષે ગોઠવી પણ ચોક્કા-છગ્ગા અહીંથી (સત્તાપક્ષ) લાગ્યા. વિપક્ષ નો કોન્ફિડન્સ મોશન પર નો-બૉલ, નો-બૉલ… કરી રહ્યો છે. અહીંથી સેન્ચ્યુરી થાય છે, ત્યાંથી નો બોલ થઇ રહ્યા છે.
"You came together for what? You are not even prepared for the no-confidence motion. I gave you five years. At least you should have come prepared."#ModiInParliament pic.twitter.com/fiEf9s9YqZ
— OpIndia.com (@OpIndia_com) August 10, 2023
પીએમ મોદીએ કહ્યું, “હું વિપક્ષના સાથીઓને એમ જ કહીશ, તમે તૈયારી કરીને કેમ નથી આવતા? થોડી મહેનત કરો. મહેનત કરવા માટે 5 વર્ષ આપ્યાં. પાંચ વર્ષમાં પણ તમે ન કરી શક્યા?”
કટાક્ષ કરતાં વડાપ્રધાને કહ્યું કે, “હું વિપક્ષના સાથીઓનાં એક બાબતે વખાણ કરવા માગું છું. તેઓ ગૃહના નેતાને નેતા માનવા તૈયાર નથી. તેમણે મારુ એકેય ભાષણ સરખું થવા દીધું નથી. પણ મારામાં ધૈર્ય પણ છે, સહનશક્તિ પણ છે, અને સહન પણ કરી લઉં છું અને તેઓ થાકી પણ જાય છે. પણ એક વાત માટે વખાણ કરું છું. ગૃહના નેતા તરીકે મેં 2018માં તેમને કામ આપ્યું હતું કે 2023માં તમે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવજો અને તેમણે મારી વાત માની. પણ મને દુઃખ એ વાતનું છે, પાંચ વર્ષમાં થોડું સારું કરી શક્યા હોત, તૈયારી બિલકુલ ન હતી. કોઈ નવી વાત ન હતી. ન મુદ્દા શોધી શક્યા…દેશને તેમણે ખૂબ નિરાશ કર્યો.”
આગળ તેમણે કહ્યું કે, 2028માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવજો અને ત્યારે પૂરતી તૈયારી પણ કરજો. જેથી જનતાને થોડો પણ વિશ્વાસ બેસે કે તમે વિપક્ષમાં પણ યોગ્ય છો.