ગુરૂવારે (10 ઓગસ્ટ, 2023) લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી હતી. દરમ્યાન ભાજપ તરફથી રાજસ્થાનથી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ જવાબ રજૂ કર્યો. ભાજપ સાંસદે રાજસ્થાનની લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ટિપ્પણી કરી તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓને પણ આડેહાથ લીધી હતી.
રાજયવર્ધનસિંહ રાઠોડે સંબોધનમાં રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના શાસન હેઠળ કથળતાં કાયદો-વ્યવસ્થાની વાત કરતાં ઇસ્લામીઓ દ્વારા માર્યા ગયેલા હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલનો પણ ઉલ્લેખ કર્યો. “ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા થઇ. કોણ જાણે કેટલા કન્હૈયા માર્યા ગયા હશે પણ તેમનો વિડીયો ન બન્યો. આ રાજસ્થાનની વાસ્તવિકતા છે. પરંતુ તેમણે (કોંગ્રેસ સરકાર) કોઈ કાર્યવાહી ન કરી.”
"Na jane kitne kanhaiya mare gaye, jinka video nahi bana"
— Mr Sinha (@MrSinha_) August 10, 2023
This was really touching… pic.twitter.com/jUrEMxVyuP
તેમણે ઉમેર્યું કે, રાજસ્થાનમાં મોટાપાયે તુષ્ટિકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં ચાર વર્ષની અંદર 10 પૂજારીઓની હત્યા કરવામાં આવી. ધાર્મિક સ્થળો બચાવવા માટે સંતોએ આત્મદાહ કરવાના કિસ્સા બન્યા. 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડવામાં આવે છે. સાલાસર દરબાર પર બુલડોઝર ફેરવી દેવાય છે. એવો પણ આદેશ કરવામાં આવે છે કે સમુદાય વિશેષ માટે વીજળીમાં કાપ મૂકવામાં નહીં આવે કારણ કે તેમનો તહેવાર આવી રહ્યો છે. પરંતુ ત્યારે જ હિંદુઓની રામનવમી હતી તો ડીજે અને યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.”
આગળ તેમણે ઉમેર્યું કે, PFIને આખા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે પરંતુ રાજસ્થાનમાં પોલીસ સુરક્ષામાં માર્ચ કરે છે. આ કોંગ્રેસનું સત્ય છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ક્યાંકને ક્યાંક કોંગ્રેસ બહારની કોઈ એજન્સી સાથે મળેલી છે અને ભારતને તોડવાની સોપારી લઇ રાખી છે.
લોકસભામાં બોલતી વખતે રાજયવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલે પોતાના ભાષણમાં મણિપુરનો ઉલ્લેખ કર્યો પરંતુ રાજસ્થાન પર કંઈ ન કહ્યું, જ્યાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. તેમણે તાજેતરમાં ભીલવાડામાં 14 વર્ષીય સગીરાના દુષ્કર્મ અને હત્યાના કેસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસ નેતાઓ ત્યાં મૌન ધારણ કરી લે છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “તેઓ અવારનવાર દેશને તોડવાની અને જોડવાની વાતો કરે છે. તેમણે ભારત જોડો યાત્રા નામની યાત્રા પણ કાઢી હતી. 2008માં હું બેઇજિંગ ઓલમ્પિક્સ વખતે ત્યાં હતો અને જાણવા મળ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવી રહ્યાં છે. તેઓ અમને મળવા નહતાં આવ્યાં, ન કોઈ મુલાકાત થઇ, કારણ કે તેમના માટે તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાએ થાળી સજાવી રાખી હતી. તેમની મુલાકાત કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈના સાથે થઇ.” તેમણે ઉમેર્યું કે, “કોઈ સૈનિક આમ કરે તો તેની સામે કેસ ચાલે છે, આ લોકો તે સમયે સરકાર ચલાવી રહ્યા હતા. તેમની ઉપર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ.”