ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ઇસ્લામના પયગંબર મોહમ્મદને લઈને કરેલ કથિત વિવાદિત ટિપ્પણીને લઈને દેશ-દુનિયામાં ભારે હોબાળો થયો હતો. તેમના નિવેદનને પયગંબરનું અપમાન ગણાવીને આરબ દેશો પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા તો દેશમાં પણ ઠેરઠેર પ્રદર્શનો થયા હતા. પરંતુ નૂપુર શર્માએ પયગંબર અંગે જે નિવેદન આપ્યું હતું તેને સાઉદી અરબના એક મૌલાના દ્વારા સત્ય ઠેરવવામાં આવ્યું છે.
સાઉદી અરેબિયાના મૌલાના અસીમ અલ હકીમને મૌલાના ફયાઝ નામના યુઝરે ટ્વિટર પર પૂછ્યું હતું કે, “ભારતમાં એવું કહેવાય છે કે પયગંબર મોહમ્મદે 6 વર્ષની ઉંમરે આયશા સાથે લગ્ન કર્યાં હતાં, શું તે સાચું છે? કૃપા કરીને સ્પષ્ટતા કરશો.”
મૌલાના અસીમ અલ-હકીમે આનો જવાબ હામાં આપ્યો હતો. મૌલાના ફયાઝ નામના યુઝરના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ વાત સો ટકા સાચી છે.
This is 100% true https://t.co/TFZY6lhpxk
— Assim Alhakeem (@Assimalhakeem) June 19, 2022
આ ઉપરાંત એક વિદેશી પત્રકારે પણ અગાઉ મૌલાના અલ-હકીમને પૂછ્યું હતું કે, આયેશા જયારે પયગંબર પાસે આવી હતી ત્યારે નવ વર્ષની હતી એ શું સાચું છે? હું અન્ય સાહિત્ય વાંચી રહી છું તેમાં જણાવવામાં આવ્યું છે કે તે ત્યારે 17 વર્ષની હતી.”
જે મામલે મૌલાના અલ-હકીમે કહ્યું, “આ બધું જુઠ્ઠું છે! આયેશાએ પોતે અમને (મુસ્લિમોને) કહ્યું હતું કે તે નવ વર્ષની હતી! જે શાહી બુખારી અને અન્ય હદીસોમાં પણ છે.”
These are all lies! Aisha herself told us that she was nine years of age! This is in Saheeh Bukhari and others. https://t.co/cBYDZushce
— Assim Alhakeem (@Assimalhakeem) August 1, 2016
શું છે હદીસ-અલ-બુખારી?
હદીસ અલ-બુખારી એ કુરાન પછી ઇસ્લામની બે સૌથી વિશ્વસનીય હદીસોમાંની એક છે. તેનું સંકલન મૌલાના બુખારી (પૂરું નામ- અબુ અબ્દુલ્લા મુહમ્મદ બિન ઇસ્માઇલ બિન ઇબ્રાહિમ બિન અલ-મુગીરા અલ-જાફા) દ્વારા પયગંબરના મૃત્યુના 200 વર્ષ બાદ સન 846 માં કરવામાં આવ્યું હતું.
તેનું સંકલન કરવામાં 16 વર્ષ લાગ્યાં હોવાનું કહેવાય છે. તેમજ તેના સંકલન માટે તેમણે અનેક યાત્રાઓ કરી હતી. બુખારીનો જન્મ ઈરાનમાં (ત્યારના પર્શિયા) થયો હતો. મુસ્લિમોને અલ-બુખારીની આયતો પર પૂર્ણ વિશ્વાસ હોય છે.
નૂપુર શર્માના નિવેદન પર વિવાદ
ઇસ્લામના જ મૌલાના સત્ય કહી રહ્યા છે ત્યારે બીજી તરફ નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન આ વાત કહી હતી ત્યારે સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઈરાન જેવા ઘણા મુસ્લિમ દેશોએ ભારતને નિશાન બનાવીને બેવડાં ધોરણો દર્શાવ્યાં હતાં. આ દેશોએ નૂપુરના નિવેદનને પયગંબરનું અપમાન ગણાવ્યું હતું. જે બાદ સરકારે નુપુર શર્મા અને નવીન જિંદાલને પાર્ટીમાંથી બરતરફ કર્યાં હતાં.
એટલું જ નહીં, પયગંબરના આ કથિત અપમાનને લઈને દેશભરમાં તોફાનો પણ થયાં હતાં. કાનપુરથી હૈદરાબાદ અને બિહાર સુધી મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો, આગચંપી, હિંસા અને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત આયોજન સાથે આ ઘટનાઓ બની હતી.
નૂપુર શર્માએ શું કહ્યું હતું?
26 મેના રોજ ટીવી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉની એક ડિબેટ દરમિયાન શિવલિંગ પર ઉડાવવામાં આવતી મજાક મામલે નૂપુર શર્માએ કહ્યું હતું કે જેવી રીતે હિંદુઓની મજાક ઉડાવવામાં આવી રહી છે તેવી રીતે અન્ય લોકો પણ તેમના મજહબની મજાક ઉડાવી શકે છે. જે બાદ તેમણે પયગંબરના નિકાહનો ઉલ્લેખ કર્યો હતો.
નૂપુર શર્માના આ નિવેદન બાદ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર દ્વારા તેની ક્લિપ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા બાદ ઇસ્લામીઓ તરફથી નૂપુર શર્માને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. જોકે, નૂપુર શર્માએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ સ્થાપિત ઇસ્લામી જાણકાર તેમને ખોટાં ઠેરવે તો તેઓ નિવેદન પરત ખેંચી લેવા માટે પણ તૈયાર છે.
કોણ છે મૌલાના અલ હકીમ?
અલ હકીમ એ જ મૌલાના છે જેમણે વર્ષ 2020માં કહ્યું હતું કે ઇસ્લામમાં વિરોધ પ્રદર્શન અને ધરણાં કરવાની મંજૂરી નથી. તે હરામ છે. અલ હકીમે લોકશાહીને ઈસ્લામ વિરોધી પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે લોકશાહી ઈસ્લામિક શરિયા વિરુદ્ધ છે.
આ જ મૌલાનાએ વર્ષ 2021માં નવરાત્રિને કુફર (કાફિરો દ્વારા થતું કાર્ય) ગણાવીને કહ્યું હતું કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિની પત્ની તેમાં ભાગ લે કે ઉપવાસ રાખે તો તેને તુરંત તલાક આપી દેવા જોઈએ. મૌલાના બીટકોઈનને પણ હરામ ગણાવી ચુક્યા છે.
મૌલાના આસિમ અલ હકીમ સાઉદી અરેબિયામાં જાણીતું નામ છે અને તેઓ ટીવી અને રેડિયો દ્વારા ઇસ્લામ વિશે અંગ્રેજી અને અરબીમાં અવારનવાર વાતો કરતા જોવા મળે છે. તે ‘હુડા ટીવી’ અને ઝાકિર નાઈકની ‘પીસ ટીવી’ દ્વારા કુરાન અને હદીસ શીખવે છે. તેણે ‘કિંગ અબ્દુલ અઝીઝ યુનિવર્સિટી’માંથી ‘ભાષાશાસ્ત્ર’માં ગ્રેજ્યુએશન કર્યું છે.