સુરતમ આવેલ લિંબાયતની રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા મુસ્લિમ પતિએ પોતાની પત્નીને છરીના ઘા માર્યાની ઘટના સામે આવી હતી. પતિ પોતાની દીકરીને માર મારીને ઘરેથી ભાગી ગયો હતો, ત્યારબાદ તેની પત્નીએ તેનો પીછો કરીને તેને જાહેરમાં ઠપકો આપતા પતિએ પોતાની પાસે રહેલી છરી કાઢી અને પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગળાના ભાગ પર છરી વડે ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિણીતાને ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિણીતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ શકીલ હુસૈન સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયત્નનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના લિંબાયત વિસ્તારના રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સાબેરા શકીલ હુસૈન સૈયદે તેના પતિ શકીલ હુસૈન સૈયદ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. તેનો પતિ શકીલ છેલ્લા પાંચેક મહિનાથી કોઈ કામ ધંધો કરતો નથી. તેને લઈને બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. આ દરમિયાન શકીલ પોતાની પત્નીને વારંવાર ધમકી આપતો હતો કે, “તુંમ ઘર સે બહાર તો નીકલો, તુમકો ઔર બચ્ચો કો માર દુગા.”
દીકરીને માર મારી ભાગી ગયો હતો શકીલ
ગત તારીખ 4 ઓગસ્ટ, 2023 ના રોજ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં લિંબાયતની રૂસ્તમ પાર્ક સોસાયટીમાં રહેતો શકીલ પોતાના ઘરે આવી ઘરની બહાર ઊભા રહીને જ “તુમ લોગ મેરે કો સાથ કયું નહીં રખતે, મેરે કો નહીં રખોગે તો તુમ લોગ ઘર કે બહાર નિકલોગે તો માર દુગા” તેવી ધમકી આપી ઘરની બહાર ઊભેલી તેની દીકરી અરબીનાને ગાલ પર જોરથી થપ્પડ મારી ભાગી ગયો હતો.
જેથી સાબેરાએ તેની પાછળ દોડી સરદાર નગર પ્લોટ નં- 110 ની આગળ ગલી નં-4 ના જાહેર રોડ પર પહોંચી “બચ્ચે કો માર કે કયું ભાગ રહા હૈ”. તેવું કહેતા શકીલે “ચલી જા નહીં તો તેરે કો ભી માર દુગા” તેમ કહી તેના ખિસ્સામાં રહેલી ધારદાર છરી કાઢી પોતાની પત્ની પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
શકીલે ગળાના ભાગે પહોંચાડી ગંભીર ઈજા
શકીલે તેની પત્નીને મારી નાખવાના ઈરાદે ધારદાર છરી વડે ગળાના ડાબી બાજુના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ શકીલ ફરાર થઈ ગયો હતો. સાબેરા લોહીલુહાણ હાલતમાં રોડ પર ઈજાગ્રસ્ત થતાં સ્થાનિકોએ 108 બોલાવી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતાં આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પણ તપાસ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી સાબેરાએ પોતાના પતિ શકીલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.