સમાજમાં એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અનૈતિક સબંધો દ્વારા જન્મેલા બાળકોને મારી નાખવામાં આવે છે અથવા તો અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવે છે. સમાજથી બચવા માટે વધતાં જતાં આવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. એવો જ એક કિસ્સો ડીસામાં જોવા મળ્યો હતો. જેમાં 17 વર્ષની સગીર કિશોરીએ બાળકીને જન્મ આપી તેને મારવાને કે તરછોડવાને બદલે હિંદુ યુવા સંગઠનને જાણ કરી હતી. આ હિંદુ સંગઠન વ્હારે આવતા નવજાત બાળકીને બાલગૃહમાં મોકલવામાં આવી હતી.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ડીસામાં એક 17 વર્ષની સગીર કિશોરીએ બાળકને જન્મ આપ્યા પછી કહ્યું હતું કે, “મારે દીકરીને મારવી નથી.” આ ઘટનાની જાણ હિંદુ યુવા સંગઠનને કરવામાં આવતા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ નવજાત બાળકીને બાલગૃહમાં મોકલી આપી હતી.
જાણો સમગ્ર ઘટના
ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે એક બહેનનો ફોન તેમના પર આવ્યો હતો અને તાત્કાલિક તેઓને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા ફોન કરનારી મહિલાએ જણાવ્યું હતું કે, ખેતરમાં છુટા છવાયા ઝુંપડા બનાવી રહેતા પરિવારની 17 વર્ષની કુંવારી કિશોરીને કોઈ સાથે અનૈતિક સબંધ હોવાથી ગર્ભ રહી ગયો હતો. જેની તેની માતા અને પરિવારને જાણ થઈ હતી. જો કે સમાજમાં કોઈને માલૂમ ન પડે તે માટે તેને તાત્કાલિક ડીસા ખાતે હોસ્પિટલમાં લવાઈ હતી. જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો.
નવજાત બાળકીને બાલગૃહમાં મોકલાઈ
જન્મ આપનાર સગીર યુવતી કહી રહી હતી કે, “મારે દીકરીને મારવી નથી.” તેમ જ જો દીકરીને સાથે રાખી ઘરે લઈ જવામાં આવે તો સમાજ દ્વારા અપમાનિત થવાનો વારો આવે. હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીને સગીર યુવતીએ કહ્યું હતું કે, “જો આ બાળકીને ઘોડિયાઘરમાં સ્વીકારવામાં નહીં આવે તો રસ્તામાં ક્યાંક ફેંકી દઈશું. માટે મદદ કરો.”
આવી વાત સાંભળ્યા પછી નિતીનભાઈ સોનીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, “જો રસ્તામાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી હોત તો પણ તેનો જીવ બચાવવો મારી પ્રથમ ફરજ બનતી.” જે બાદ ડીસામાં અનૈતિક સબંધો દ્વારા જન્મેલી નવજાત બાળકીને પાલનપુર બાલગૃહમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સરકારના નિયમ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી બાળકીને ત્યાં સોંપવામાં આવી છે.