Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાત‘સૌરાષ્ટ્રને ઉર્જા અને ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું’: રાજકોટમાં PM મોદીએ એરપોર્ટ સહિતના...

    ‘સૌરાષ્ટ્રને ઉર્જા અને ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું’: રાજકોટમાં PM મોદીએ એરપોર્ટ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, કહ્યું- રાજકોટે મને ઘણું શીખવ્યું, તમારું ઋણ ચૂકવતો રહીશ

    હવે રાજકોટથી દેશની સાથે-સાથે દુનિયાનાં અનેક શહેરોની સીધી ફ્લાઈટ્સ મળી  શકશે. આ એરપોર્ટથી યાત્રા તો સરળ થશે જ પરંતુ ઉદ્યોગોને પણ લાભ મળશે: વડાપ્રધાન

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (27 જુલાઈ, 2023) રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત 2 હજાર કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં એરપોર્ટ ઉપરાંત સૌની યોજના લિંક-3ના પેકેજ 8 અને 9 તેમજ રાજકોટના પ્રથમ મલ્ટીલેવલ બ્રિજનો સમાવેશ થાય છે. 

    PM મોદીએ સંબોધનની શરૂઆતમાં પ્રાકૃતિક આપદાઓથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, ગુજરાતના લોકો અને અહીંની સરકાર આપદાઓ સામે લડવા માટે તમામ પૂરતા પ્રયાસો કરી રહ્યાં છે. સાથોસાથ તેમણે એરપોર્ટ અને સૌની યોજનાના લોકાર્પણનો ઉલ્લેખ કરીને તેનાં મહત્વ અંગે પણ વાત કરી અને 9 વર્ષમાં થયેલાં કામોનો ઉલ્લેખ કરીને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. 

    રાજકોટનું મારી ઉપર ઋણ છે, હું ચૂકવતો રહીશ: PM 

    વડાપ્રધાને કહ્યું, “રાજકોટ મને ઘણું શીખવ્યું, મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો. મારી રાજનીતિક યાત્રાને લીલી ઝંડી બતાવવાનું કામ રાજકોટ કર્યું. એટલે મારી ઉપર તમારું ઋણ છે અને એ ચૂકવવા માટે તમામ પ્રયાસો કરતો રહીશ. રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન છે અને આજે આ શહેરને નવું-મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે. હવે રાજકોટથી દેશની સાથે-સાથે દુનિયાનાં અનેક શહેરોની સીધી ફ્લાઈટ્સ મળી  શકશે. આ એરપોર્ટથી યાત્રા તો સરળ થશે જ પરંતુ ઉદ્યોગોને પણ લાભ મળશે.” 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું, “હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે આ તો મીની જાપાન બની રહ્યું છે, ત્યારે ઘણા લોકોએ મજાક ઉડાવી હતી પણ આજે તમે આ શબ્દો સાકાર કરી બતાવ્યા. રાજકોટને માત્ર એક એરપોર્ટ જ નહીં પરંતુ આખા ક્ષેત્રના વિકાસને એક નવી ઉર્જા અને ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું છે.” સૌની યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સના લોકાર્પણને લઈને PM મોદીએ કહ્યું કે, હવે અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. 

    PM મોદીએ લોકાર્પિત કરેલું આ એરપોર્ટ હિરાસર ગામમાં બનાવવામાં આવ્યું છે. આ ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પડતર જમીન પર શૂન્યમાંથી સર્જન કરીને બનાવવામાં આવે છે. આ એરપોર્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારોની આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી પૂરી પાડશે અને જેના કારણે ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને જેના કારણે રોજગારીની નવી તકો પણ સર્જાશે. આ એરપોર્ટના કારણે રાજકોટમાં વ્યવસાયિક વિકાસની તકો પણ ખુલશે. વધુમાં તે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર સ્થિત હોવાના કારણે આ વિસ્તારમાં આવેલા ઉદ્યોગો માટે લોજિસ્ટિક સબંધિત સમય અને ખર્ચમાં પણ ઘટાડો થશે. 

    મોરબીના સીરામીક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે ઘણાખરા રાજકોટ પર નિર્ભર રહે છે. જેથી આ એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લિયરિંગ બિઝનેસ વગેરેને પણ પ્રોત્સાહન આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં