તાજેતરમાં રેલવે વિભાગે દિલ્હીની બે મોટી મસ્જિદોને નોટિસ પાઠવીને સરકારી જમીનમાંથી અતિક્રમણ ખાલી કરવા માટે કહ્યું હતું. જેની સામે દિલ્હી વક્ફ બોર્ડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
થોડા દિવસ પહેલાં રેલવે વિભાગે ITOના તિલક માર્ગ રેલવે બ્રિજ પાસે આવેલી તકિયા બબ્બર શાહ મસ્જિદ અને બાબર રોડની બંગાળી માર્કેટ મસ્જિદને નોટિસ પાઠવીને કહ્યું હતું કે તેમનાં બાંધકામ રેલવેની અધિકૃત જમીનમાં છે અને જેથી 15 દિવસની અંદર હટાવી લેવામાં આવે. તેમજ જો તેમ ન કરવામાં આવે તો વિભાગ પોતાની રીતે દબાણ હટાવી દેશે તેમ જણાવ્યું હતું.
દિલ્હીની બંને મસ્જિદોને મળેલી આ નોટિસો સામે વક્ફ બોર્ડે દાખલ કરેલી અરજી પર હાઇકોર્ટે 26 જુલાઈ, 2023ના રોજ સુનાવણી હાથ ધરી હતી અને રેલવે દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ પર સ્ટે મૂકી દીધો હતો. કોર્ટે રેલવેને કહ્યું કે, તેઓ પોતાની જમીનમાં બનાવવામાં આવેલા અનધિકૃત બાંધકામો અને અતિક્રમણ હટાવવા માટે મસ્જિદો પર ચોંટાડેલી નોટિસ પર આગળ કોઈ કાર્યવાહી ન કરે. કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે આ બંને મસ્જિદો અનધિકૃત નથી કે ન રેલવેની જમીનમાં બનાવવામાં આવી છે.
કોર્ટે સુનાવણી કરતાં કહ્યું કે નોટિસ પર સહી કરવામાં આવી ન હતી કે એ પણ જણાવવામાં આવ્યું ન હતું કે કયા વિભાગ હેઠળ તે ઈસ્યૂ કરવામાં આવી છે. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, “આ કયા પ્રકારની નોટિસ છે? કોઈ સામાન્ય નોટિસ હોય તેમ લાગી રહી છે…અને શું તે દરેક જગ્યાએ ચોંટાડવામાં આવી રહી છે? વાંચીને લાગી રહ્યું છે કે તેને કોઈ પણ બિલ્ડીંગ પર લગાવી શકાય તેમ છે. તેમાં કોઈ બિલ્ડીંગ, તારીખ કશું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાલ પૂરતી આ નોટિસ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે કોર્ટે રેલવે વિભાગ પાસેથી સ્પષ્ટ જાણકારી મેળવવા માટે સમય આપ્યો હતો અને આગામી સુનાવણીની તારીખ 3 ઓગસ્ટ મુકરર કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 22 જુલાઈના રોજ બે મસ્જિદોને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, મસ્જિદનું બાંધકામ કરીને રેલવેની જમીનને ગેરકાયદેસર રીતે અતિક્રમિત કરવામાં આવી છે. જેથી અનધિકૃત રીતે રેલવેની જમીન પર બનાવવામાં આવેલ મસ્જિદને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર સ્વેચ્છાએ હટાવી લેવામાં આવે અથવા રેલવે વિભાગ રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર મસ્જિદને હટાવી દેશે અને આ પ્રક્રિયામાં થનાર નુકસાન માટે મસ્જિદ સંચાલકો પોતે જ જવાબદાર ગણાશે અને રેલવે વિભાગની કોઈ જવાબદારી રહેશે નહીં.