સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટના બાદથી ઈસ્લામિક દેશો આ ઉત્તર યુરોપીય દેશની સામે પડ્યા છે. હવે ઇરાકમાં હજારો મુસ્લિમોએ સ્વીડનના દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે (20 જુલાઈ, 2023) સ્વીડનના દૂતાવાસ પરિસરમાં ઘૂસીને આગચંપી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન શિયા ધ્વજ પણ ત્યાં ફરકાવવામાં આવ્યો હતો. દેખાવકારો ઇરાકી નેતા મુકતદા અલ-સદ્રના પોસ્ટરો પણ લહેરાવતા હતા.
આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. ગયા મહિને સ્વીડનમાં કુરાન બાળનાર વ્યક્તિ ઈરાકનો જ શરણાર્થી હતો. હવે તેણે ફરી એકવાર કુરાન બાળવાની મંજૂરી માંગી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હજારો મુસ્લિમો સ્વીડિશ દૂતાવાસના કમ્પાઉન્ડની બાઉન્ડ્રી પર ચડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ કટ્ટરપંથીઓ તેમના શર્ટ ખોલીને દૂતાવાસની અંદર પ્રવેશ્યા હતા. બેકગ્રાઉન્ડમાં વાગતા એલાર્મનો અવાજ પણ સાંભળી શકાય છે.
મળતી માહિતી અનુસાર, પ્રદર્શનકારીઓએ ઇરાકમાં સ્વીડનના દૂતાવાસ પરિસરમાં નમાજ પણ પઢી હતી. આ પ્રદર્શનકારીઓ વહેલી સવારે ત્યાં પહોંચી ગયા હતા. જાણ થતાં જ સુરક્ષાબળો તેમને હટાવવા માટે પહોંચ્યાં હતાં. ત્યાંથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો. એક ફાયર ફાઇટર ફાયર ટ્રકના પગથિયાં ચઢીને આગ ઓલવતા જોવા મળ્યા હતા. સ્વીડને માહિતી આપી છે કે દૂતાવાસના કર્મચારીઓ સુરક્ષિત છે. સ્વીડનના વિદેશ મંત્રાલયે પણ પોતાના કર્મચારીઓ પર થયેલા હુમલાની નિંદા કરી છે.
Hundreds of Iraqi protesters stormed the Swedish embassy in Baghdad, scaling its walls and setting it on fire in protest against a planned burning of a Koran in Sweden https://t.co/vGvx5Z5twO pic.twitter.com/UHiL1ZYQ8F
— Reuters (@Reuters) July 20, 2023
સ્વીડને તેને ‘વિયેના કન્વેન્શન’નું ઉલ્લંઘન ગણાવ્યું છે. એમ પણ કહ્યું કે ત્યાં રહેતા વિદેશી કામદારોની સુરક્ષા કરવાની જવાબદારી પણ ઇરાકના વહીવટીતંત્રની હોય છે. ઇરાકમાં ફિનલેન્ડ દૂતાવાસ સ્વીડન દૂતાવાસની બાજુમાં જ છે. ત્યાંથી પણ કર્મચારીઓને બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ઇરાકના વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી હતી, પરંતુ તે કેવી રીતે થયું તે બાબતે કંઈ ઉલ્લેખ કરાયો નથી. ઇરાકની પોલીસ પર આ ઘટનામાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.