જે જગ્યાએથી આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પગપેસારો કર્યો હતો એ સુરતમાં આજે AAPને વિરોધનો સામનો કરવો પડ્યો છે. આજે સવારે સુરતના અમરોલી વિસ્તારમાં દલિત સમાજના લોકોએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન કર્યું હતું.
સુરતમાં AAPનો વિરોધ : અમરોલીમાં ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન, જય ભીમ-બિરસા મુંડા મોરચાની રચના કરતા દલિત સમાજના લોકોમાં રોષ#Gujarat | #Surat | #Amroli | #AAP | #GopalItaliahttps://t.co/Eq1KuJoi3t
— Divya Bhaskar (@Divya_Bhaskar) June 16, 2022
આ સમગ્ર કિસ્સો આજે સવારના અરસામાં સુરતના અમરોલી વિસ્તારમાં સામે આવ્યો હતો. આમ આદમી પાર્ટી જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરી રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આપના સંગઠન દ્વારા કરવામાં આવેલા નિર્ણયનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા દલિત સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરાયું હતું.
આરોપ છે કે આમ આદમી પાર્ટીએ દલિત અને આદિવાસી સમાજના વોટ ખાંટવા જય ભીમ મોરચા તથા બિરસા મુંડા મોરચાની રચના કરી હતી. પરંતુ આપનો આ દાવ સાવ ઊંધો પડતો જોવા મળી રહ્યો છે કેમ કે સ્થાનિક દલિત સમાજના લોકો દ્વારા જ તેમનો વિરોધ કરવાં આવી રહ્યો છે.
લોકોનું માનવું છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચુંટણીમાં દલિત સમાજના વોટ અંકે કરવા માટે આમ આદમી પાર્ટીએ આ કારસો ઘડ્યો છે. કોઈ પણ સમાજના મહાન લોકોના નામે આમ રાજકીય લાભ લેવો એ સારું નહીં અને તેના વિરોધમાં જ દલિત સમાજના લોકોએ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન કર્યું હતું.
સ્થળ પર વિરોધ કરવા આવેલ વિવિધ દલિત સંગઠનોમાંથી એકના આગેવાન ભાનુ ચૌહાણએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવી કમિટી બનાવવામાં આવી છે. જેમાં માત્ર બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે તે અન્ય સંગઠનની કોઈ કમિટીને કોઈ મહાપુરૂષને વિભૂતિના નામથી રચના કરવામાં આવી નથી. જેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી.”
“માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ નોંધાવ્યો છે અને આ બાબતની ગંભીરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ લેવી જોઈએ.” દલિત આગેવાને આગળ જણાવ્યુ હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. એમાં પણ આમ આદમી પાર્ટી હાલ ખૂબ ચર્ચામાં છે. પહેલા તો આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સિવાયનું આપ સંગઠનનું પૂરું માળખું વિખેરી દીધું હતું અને બાદમાં નવા સંગઠનની જાહેરાત કરી હતી. નવા સંગઠનની જાહેરાત બાદ પણ આપ કાર્યકર્તાઓમાં ભડકો જોવા મળ્યો હતો.
જોવા જઈએ તો હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દિવસો સારા નથી ચાલી રહ્યા. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના જેતપુરના અધ્યક્ષને 20 લાખની ખંડણીના આરોપમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ સહિત 4 ની ધરપકડ કરાઇ છે સ્થાનિક લોકો પર જાનલેવા હુમલો કરવા બદલ. અને હવે સુરતમાં ખુદ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું પૂતળાદહન થવું એ પાર્ટી માટે ખૂબ ચિંતાજનક ભાસી રહ્યું છે.