NCP નેતા અજિત પવારે મહારાષ્ટ્રમાં મોટો ખેલ કરી દીધો છે. ભાજપ-શિવસેના સરકારને સમર્થન આપીને પવાર ડેપ્યુટી સીએમ બની ગયા છે. એટલું જ નહીં અન્ય આઠ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે. એકાએક રાજકીય ભૂકંપ સર્જ્યા બાદ અજિત પવારે હવે પાર્ટી NCP પર પણ દાવો માંડ્યો છે. તેમણે કહ્યું કે, તેમની પાસે તમામ ધારાસભ્યોનું સમર્થન છે તેમજ આગામી ચૂંટણી તેઓ NCPના નામ અને ચિહ્ન પર જ લડશે.
અજિત પવારે કહ્યું કે, “તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે અહીં એક પાર્ટી તરીકે જ ઉભા છીએ. અમે તમામ વરિષ્ઠ નેતાઓને પણ જાણ કરી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષ જૂની પાર્ટી થઇ ગઈ છે અને હવે યુવા નેતૃત્વને તક મળવી જોઈએ.” તેમણે કહ્યું કે, અમુક ધારાસભ્યો વિદેશ હોવાના કારણે સંપર્ક થઇ શક્યો નથી પરંતુ મેં બધા સાથે ચર્ચા કરી છે અને તેમણે અમારા નિર્ણય પર સહમતી વ્યક્ત કરી છે.
We have all the numbers, all MLAs are with me. We are here as a party. We have informed all seniors also. The majority is given importance in a democracy. Our party is 24 years old and young leadership should come forward: Maharashtra Deputy CM Ajit Pawar pic.twitter.com/oDmp8aQjmk
— ANI (@ANI) July 2, 2023
તેમણે ઉમેર્યું કે, “અમુક લોકો હવે ટીકા પણ કરશે, પરંતુ તેમને મહત્વ આપવાનું રહેતું નથી. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરતા રહીશું અને એટલે જ આ નિર્ણય લીધો છે. મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે અને અમે આ સરકારને NCP પાર્ટી તરીકે જ સમર્થન આપ્યું છે. આવનારી દરેક ચૂંટણી અમે NCPના નામ પર જ લડીશું.”
‘મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે દેશ, અમે પણ તેમનો સાથ આપીશું’
અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. વિદેશમાં પણ તેમને એટલું જ સન્માન મળ્યું છે. સૌ તેમને સમર્થન આપે છે અને તેમના નેતૃત્વની કદર કરે છે. આવનારી લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી અમે તેમની સાથે (ભાજપ) રહીને લડીશું અને એ માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
The country is progressing under the leadership of PM Modi. He is also popular in other countries. Everyone supports him and appreciates his leadership. We will fight the upcoming Lok Sabha and Assembly elections with them (BJP) and that is why we have taken this decision:… pic.twitter.com/UwmQrON7sL
— ANI (@ANI) July 2, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિત પવાર પાસે હાલ NCPના 40 ધારાસભ્યો અને 6 વિધાન પરિષદના સભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં NCPના સંખ્યાબળની વાત કરવામાં આવે તો હાલ તેમના કુલ 53 ધારાસભ્યો છે. એટલે કે મોટાભાગના MLAનું સમર્થન અજિત પવાર પાસે છે. જે શરદ પવાર માટે ચિંતાની વાત છે.