તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં ઇસ્લામીઓ દ્વારા માર્યા ગયેલા હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલ તેલીની પૂણ્યતિથિ ગઈ. 28 જૂન, 2022ના રોજ ગૌસ મોહમ્મદ અને મોહમ્મદ રિયાઝ નામના બે કટ્ટરપંથીઓએ બર્બરતાથી કન્હૈયાલાલનું ગળું કાપીને ધોળા દહાડે તેમની હત્યા કરી નાંખી હતી. ગૃહમંત્રી અમિત શાહે આજે કન્હૈયાલાલને યાદ કર્યા હતા અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
અમિત શાહ આજે ઉદયપુરમાં એક જનસભા સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં કન્હૈયાલાલની હત્યાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, રાજસ્થાનની ગેહલોત સરકાર કેન્દ્ર પર સવાલ ઉઠાવી રહી છે પરંતુ તેમણે જ કન્હૈયાલાલને સુરક્ષા આપી ન હતી અને ઘટના બાદ પણ ઢીલાશ દાખવી રહી છે. બીજી તરફ તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAએ ત્વરિત કાર્યવાહી કરી હતી.
ગૃહમંત્રીએ જનતાને પૂછ્યું કે કન્હૈયાલાલને કોણે સુરક્ષા આપી ન હતી અને કોની પોલીસ તેમના મૃત્યુ બાદ પણ ચૂપ રહી હતી. તેમણે અશોક ગેહલોતને સંબોધીને ઉમેર્યું કે, “તમે તો (હત્યારાઓને) પકડવા પણ માંગતા ન હતા, તેમને NIAએ પકડ્યા હતા. અમિત શાહે કહ્યું કે, અશોક ગેહલોત જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે ચાર્જશીટ દાખલ નથી થઇ. આ મામલે 22 ડિસેમ્બર, 2022ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે પરંતુ હવે સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કામ રાજસ્થાન સરકારનું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, “રાજસ્થાન સરકારે હાઇકોર્ટને વિશ્વાસમાં લઈને સ્પેશિયલ કોર્ટ નથી બનાવી, નહીંતર આજ સુધીમાં દોષીઓને ફાંસીની સજા મળી ચૂકી હોત. તેમને શરમ આવવી જોઈએ. તેઓ વોટબેન્કનું રાજકારણ કરે છે.”
ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, PFI (કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) પર પ્રતિબંધ મૂકવાનું કામ પીએમ મોદીએ કર્યું છે નહીંતર અશોક ગેહલોતના શાસનમાં કોટામાં PFIની રેલી નીકળતી હતી. ચિત્તોડગઢમાં રતન સોનીની હત્યા કરી નાંખવામાં આવી હતી તો કરોલીમાં હિંદુ તહેવાર બંધ કરી દેવામાં આવ્યા હતા. અલવરમાં 300 વર્ષ જૂનું મંદિર ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભગવો ધ્વજ ઉતારી લેવાની હિમાકત ગેહલોત સરકાર જ કરી શકે. વોટબેન્કની લાલચમાં બંધારણ બાજુ પર રાખીને બહુમત સમાજ સાથે જે રીતે અત્યાચાર અને અન્યાય થઇ રહ્યો છે, એ વોટબેન્કનું રાજકારણ કરનારા જ કરી શકે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય આમ કરતી નથી. ભાજપે આતંકવાદ પર લગામ કસવાનું કામ કર્યું છે.