આગામી સમયમાં રજૂ થનારી ફિલ્મ ‘72 હૂરેં’ હાલ ચર્ચામાં છે. એક-બે દિવસ પહેલાં આ ફિલ્મને સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી ન મળી હોવાની વાત બહાર આવી હતી, જેને લઈને બોર્ડે સ્પષ્ટતા કરી છે. CBFC તરફથી કહેવામાં આવ્યું કે, હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને આ બાબતોમાં કોઈ તથ્ય નથી.
એક અખબારી યાદીમાં CBFC દ્વારા જણાવવામાં આવ્યું કે, ફિલ્મ ‘72 હૂરેં’ અને તેના ટ્રેલરને સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા મંજૂરી ન અપાઈ હોવાના રિપોર્ટ્સ વહેતા થયા છે, જે ભ્રામક છે. આ રિપોર્ટ્સથી વિપરીત તથ્ય એ છે કે આ ફિલ્મને ‘A’ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે અને તે 4 ઓક્ટોબર 2019ના રોજ જ ઈસ્યૂ કરી દેવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું ટ્રેલર પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે અને જે માટે 19 જૂન, 2023ના રોજ અરજી કરવામાં આવી હતી.
Misleading reports are being circulated that a film and its trailer titled "Bahattar Hoorain (72 Hoorain)" has been refused certification by Central Board of Film Certification (CBFC). Contrary to the reports, CBFC states that the film was granted 'A' certification. Now, the… pic.twitter.com/6k2cw4zKbX
— ANI (@ANI) June 29, 2023
બોર્ડે જણાવ્યું કે, ટ્રેલરને સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ના સેક્શન 5B(2) હેઠળ ચકાસીને ફિલ્મ નિર્માતાઓને અમુક દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને અમુક સુધારા કરવાની શરતે સર્ટિફિકેશન મંજૂર કરાયું હતું. જોકે, ટ્રેલર કોઈ સુધારા વગર રજૂ કરવામાં આવ્યું હોવાના કારણે CBFCએ નિર્માતાઓને એક કારણદર્શક નોટિસ રજૂ કરીને જરૂરી સુધારા કરવા માટે જણાવ્યું છે.
મંગળવારે (27 જૂન, 2023) બોર્ડ દ્વારા ફિલ્મના ટ્રેલરમાં સુધારા કરવા માટે એક યાદી આપી હતી, પરંતુ બુધવારે આ ટ્રેલર સુધારા વગર જ રિલીઝ કરી દેવાયું હતું. જેને લઈને નિર્માતા અશોક પંડિતે કહ્યું કે, અંતિમ ક્ષણે સુધારા કરવા માટે કહેવામાં આવ્યું હતું અને અમે પહેલેથી જ ટ્રેલરના લૉન્ચિંગની તૈયારી કરી રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રેલરમાં જે કટ્સ છે તે ફિલ્મમાંથી જ લેવામાં આવ્યા છે અને ફિલ્મને પહેલેથી જ સર્ટિફિકેટ મળી ગયું છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો છે અને ટ્રેલર ફિલ્મના જ કટથી બનાવાયું છે. તો ક્યાં નેશનલ એવોર્ડ ખોટો છે અથવા તો સેન્સર સર્ટિફિકેટ માટે કરવામાં આવેલી મનાઈ. હું એ જાણવા માંગું છું કે કયા આધારે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ નથી અપાયું. તેમણે બોર્ડ ડાયરેક્ટર પ્રસૂન જોશી અને માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી.
ફિલ્મ 72 હૂરેં ઇસ્લામિક આતંકવાદ પર પ્રકાશ પાડે છે, જે રિલીઝ પહેલાં જ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તેનું ટ્રેલર લૉન્ચ થઇ ગયું છે, જ્યારે ફિલ્મ 7 જુલાઈના રોજ દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.