ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતી દંપતીનું ઈરાનમાં અપહરણ થયા બાદ ગુજરાત સરકારે સક્રિયતા દાખવીને 24 કલાકમાં જ તેમને હેમખેમ છોડાવ્યા હતા. આજે આ દંપતી અમદાવાદ પરત ફર્યું છે ત્યારે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. ઈરાનમાં અમાનુષી ત્રાસનો ભોગ બનેલ પીડિત પંકજ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ચાર મહિનાની ગર્ભવતી નિશા પટેલે હર્ષ સંઘવી અને ક્રાઈમ બ્રાંચ અમદાવાદનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પંકજ અને તેમના પત્ની નિશા પટેલનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હોવાનો મેસેજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યો હતો. એ પછી ગૃહમંત્રીએ Ministry of External Affairs, GOI, Central IB, RA&W, INTERPOLનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને પંકજ અને નિશાને છોડાવવામાં આવ્યા હતા. દંપતી અમદાવાદ પરત ફરતાં જ તેમના પરિજનોની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા.
પીડિત પંકજ અને નિશા પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફરી આભાર માન્યો હતો. નિશા પટેલે કહ્યું હતું કે, “આજે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ અને હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને સુરક્ષિત પહોંચાડ્યા.”
USA જવાની લાલચમાં ઈરાનમાં બંધક બની ગયું દંપતી
નરોડા વિસ્તારમાં રહેતા પંકજ અને નિશા પટેલ બોગસ એજન્ટોના સહારે અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ એ પહેલાં જ આ ગુજરાતી દંપતીનું ઈરાનમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ ખંડણી માંગવા પંકજ પટેલને બાથરૂમમાં ઉંધો સૂવડાવીને તેના પર બ્લેડના ઘા માર્યા હતા અને તેના પરિવારને વિડીયો મોકલી આપ્યો હતો. આ ભયાનક વિડીયો મળતાં જ પંકજના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પંકજ પટેલને અમેરિકા લઈ જવાની લાલચ આપીને પૈસા પડાવનારો એજન્ટ હાલ ફરાર છે. ગાંધીનગરના આ એજન્ટે 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે દંપતીને હૈદરાબાદ, દુબઈ અને ઈરાન થઈને અમેરિકા મોકલવાની વાત કરી હતી. જ્યાં ઈરાન પહોંચતા જ તેમને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
‘ડીયર હર્ષભાઈ સંઘવી, તમે અષાઢી બીજે અમારા માટે કૃષ્ણ બનીને આવ્યા’
પંકજ પટેલ અને તેમના પત્ની નિશાએ અપહરણકર્તાઓની ચુંગલમાંથી છૂટ્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો કે, “ડીયર હર્ષભાઈ સાહેબ, આપનો આભાર માનીએ એટલો ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજે કૃષ્ણ થઈને આવ્યા.” તો સાથે પંકજ પટેલના પરિવારે પણ ગૃહમંત્રીનો આભાર માન્યો હતો અને ગેરકાયદે વિદેશ જનારાઓને પણ ચેતવ્યા હતા.