કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ નકલી હોવાનું સામે આવ્યા બાદ કેનેડા સરકારે વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારત સરકારની દરમિયાનગીરી વિદ્યાર્થીઓને ફળી છે અને તેમને હાલ ડિપોર્ટ નહીં કરાય તેવી જાહેરાત કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ કરી છે. બોગસ ડોક્યુમેન્ટના કેસમાં દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે અને ફક્ત દોષિતોને પાછા મોકલવામાં આવશે.
કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો હતો જ્યારે સરકારે તેમને ઈમિગ્રેશન નોટિસ જારી કરીને હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના હતા. કેનેડા સરકારે ગેરકાયદે પ્રવેશેલા વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરતા ભારત સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દો તેમના કેનેડિયન સમકક્ષ સામે ઉઠાવ્યો હતો. તો વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ)એ પણ તેમની કેનેડા મુલાકાત દરમિયાન આ મામલે ધ્યાન દોર્યું હતું.
બોગસ ડોક્યુમેન્ટના આધારે કેનેડા ગયેલા 700 વિદ્યાર્થીઓને હાલ ડિપોર્ટ નહીં કરાય, ભારત સરકારની દરમિયાનગીરી બાદ કેનેડિયન ઈમિગ્રેશન મંત્રીની જાહેરાત
— NavGujarat Samay (@navgujaratsamay) June 15, 2023
#canadavisa #student #bogusdocument #Alert #news #newspaper #navgujaratsamaysamay #breakingnews #ahmedabad #gujarat #india pic.twitter.com/E88ulw7CWn
કેનેડા સરકાર હવે બોગસ ડોક્યુમેન્ટવાળા તમામ કિસ્સામાં કેસ ટુ કેસ તપાસ કરશે જેથી કેનેડામાં ખરેખર ભણવા આવેલા નિર્દોષ વિદ્યાર્થીઓ દેશનિકાલનો ભોગ ન બને. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી શૉન ફ્રેઝરે જણાવ્યું હતું કે, “જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ખરેખર અભ્યાસ કરવા આવ્યા છે અને છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમને કેનેડામાં રહેવાની પરવાનગી આપવામાં આવશે. આ મામલે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગુનેગારોને ઓળખીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
કેનેડા સરકારે શા માટે ભારતીય વિદ્યાર્થીઓ પર સકંજો કસ્યો હતો?
માર્ચ 2023માં જ્યારે 700 ભારતીય વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલની નોટિસ મળી ત્યારે તેમના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે, ટોરન્ટોની પ્રખ્યાત હમ્બર કોલેજમાં તેમણે સબમિટ કરેલો એડમિશન ઓફર લેટર નકલી હતો. કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને ડિગ્રી પૂર્ણ કરી ચૂક્યા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓએ એક વર્ષ પહેલાં જ 12મા ધોરણની પરીક્ષા આપી હતી.
આ વિદ્યાર્થીઓ પર આરોપ હતો કે તેઓ નકલી કોલેજ પ્રવેશપત્ર અને ડોક્યુમેન્ટના આધારે ભારતથી કેનેડા આવ્યા હતા. જ્યારે તેમણે કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે તેમને આ છેતરપિંડીની ખબર પડી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાં એક વસ્તુ સામાન્ય હતી કે તેમણે પંજાબના જલંધરથી બ્રિજેશ મિશ્રા નામના એજન્ટ મારફતે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી હતી. આ વિદ્યાર્થીઓ અનધિકૃત એજન્ટની જાળમાં ફસાઈ ગયા હતા અને એને લીધે સ્થિતિ દેશનિકાલ સુધી પહોંચી ગઈ હતી.
બોગસ એજન્ટોની જાળમાં ફસાયો હતો તાલાલાનો યુવાન
થોડા સમય પહેલાં ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના એક યુવાન સાથે થાઈલેન્ડમાં નોકરી અપાવવાના બહાને ફ્રોડ થયો હતો. નીરવ બામરોટીયા એજન્ટ મારફતે દુબઈ પહોંચ્યો હતો. ત્રણ મહિના ત્યાં નોકરી કર્યા બાદ નવા એજન્ટે તેને થાઈલેન્ડમાં જોબ આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ તેને થાઈલેન્ડને બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યો હતો અને ઓરડામાં પૂરી દેવામાં આવ્યો હતો. એક વખત મોબાઈલ ફોનથી તેણે પોતાના પિતાને સમગ્ર ઘટના કહી અને પોલીસ તંત્ર તેમજ સરકારની મદદથી તે ભારત પરત આવી શક્યો હતો.