પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવામાં ગુજરાત યુનિવર્સીટી પર કરેલી ટિપ્પણી મામલે દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. વડાપ્રધાનની ડિગ્રીનો મુદ્દો ઉછળ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ પોતાની છબી ખરડવાનો આરોપ મૂકતાં AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં AAP નેતાઓ બે સમન્સ પર હાજર ન રહેતાં કોર્ટે નારાજગી દર્શાવીને ટકોર કરી છે.
અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષી મામલે 7 જૂન, 2023 (બુધવાર)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે કોર્ટમાં હાજર રહેવાનું હતું, પરંતુ તેમના વતી વકીલ ઋષિકેશ કુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી. વાસ્તવમાં, બદનક્ષીના કેસમાં દિલ્હીના CM કેજરીવાલે કોર્ટમાં અરજી કરીને કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી રાહત આપવા માંગ કરી હતી. જોકે, આજે પણ કોર્ટમાં હાજર રહેવાને બદલે કેજરીવાલે પોતાના વકીલ દ્વારા લાંબી મુદ્દત માગી હતી, જેથી કોર્ટે આ કેસની આગામી સુનાવણી 13 જુલાઈના રોજ થવાની છે ત્યારે બંનેને ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિવર્સિટીનો બદનક્ષી કેસ : 13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન, કેજરીવાલના વકીલે લાંબી મુદત માંગતા કોર્ટની ટકોર- MP- MLA સામે ઝડપી ટ્રાયલનો પરિપત્ર https://t.co/ECoq9T4zMD #Gujarat | #PMModi | #ArvindKejriwal pic.twitter.com/aokcADo3k7
— Divya Bhaskar (@Divya_Bhaskar) June 8, 2023
ઉલ્લેખનીય છે કે, મેટ્રો કોર્ટે અગાઉ 23 મેના રોજ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. જોકે, તેઓ એ સુનાવણીમાં ઉપસ્થિત ન રહેતાં તેમને ફરી સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તો બીજી વખત પણ તેઓ હાજર ન રહેતાં નારાજ કોર્ટે 13 જુલાઈએ થનારી આગામી સુનાવણીમાં બંનેને ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું હતું
ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચ 2023ના રોજ વડાપ્રધાન મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપતાં પૂર્ણવિરામ મૂક્યું હતું. એ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડિગ્રી મુદ્દે વાંધાનજક નિવેદન આપ્યું હતું. એના બીજા દિવસે એટલે કે 2 જૂન, 2023ના રોજ સંજયસિંહે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. જેના પગલે યુનિવર્સિટી વતી કુલ સચિવ ડૉ. પીયૂષ પટેલે મેટ્રો કોર્ટમાં આઈપીસી 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી.