ઓડિશા સ્થિત બાલાસોરમાં શુક્રવારે (2 જૂન, 2023) રાત્રે એકસાથે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાંથી બે ટ્રેન પેસેન્જર ટ્રેન હતી. આ અકસ્માતના કારણે સેંકડો લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી તો લગભગ 270 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવડી મોટી રેલ દુર્ઘટનામાં અનેક પરિવારો ખોરવાયા છે અને કોઈકે પિતા, કોઈકે પુત્ર, કોઈએ પતિ કોઈએ મા, પત્ની બેન ગુમાવ્યાં છે. અનેક બાળકો પણ એવાં છે જેમણે વાલીઓની છત્રછાયા ગુમાવી છે. આવાં બાળકો માટે દેશનું અગ્રણી ઉદ્યોગ જૂથ અદાણી આગળ આવ્યું છે.
અદાણી જૂથ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જે બાળકોએ વાલી ગુમાવ્યા છે તેમના શિક્ષણ માટેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવશે. ગ્રુપના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે આ ઘોષણા કરી હતી.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
ઓડિશાની દુર્ઘટનાને લઈને ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘આ રેલ દુર્ઘટનાથી આપણે સૌ અત્યંત વ્યથિત છીએ. અમે નિર્ણય કર્યો છે કે જે માસૂમોએ આ અકસ્માતમાં પોતાના વાલી હોય છે તેમના શાળાકીય શિક્ષણની જવાબદારી અદાણી સમૂહ ઉઠાવશે.’ આગળ તેમણે ઉમેર્યું કે, પીડિતો અને તેમના પરિજનોને બળ અને બાળકોને વધુ સારું ભવિષ્ય મળે એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.
અહીં ઉલ્લેખનીય છે આ પહેલાં પણ અનેક દુર્ઘટનાઓ વખતે દેશનાં ઉદ્યોગ જૂથો મદદ માટે આગળ આવતાં રહ્યાં છે અને રાહત-બચાવ કાર્યો તેમજ ત્યારબાદ પણ આ પ્રકારનાં સેવાકીય કાર્યો માટે હંમેશા હાથ લંબાવ્યો છે. અદાણી જૂથ પણ તે પૈકીનું એક છે.
શુક્રવારે સાંજે બની હતી દુર્ઘટના
ઓડિશા ટ્રેન દુર્ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના શુક્રવારે સાંજે બની હતી. પહેલાં શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી અને તેના ડબ્બા બાજુની લાઈન પર પડી ગયા હતા, જેની સાથે થોડીવાર બાદ આવી પહોંચેલી હાવડા એક્સપ્રેસ અથડાઈ હતી. આ ઘટનામાં 270 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઇ છે તો અનેક લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
અકસ્માતનું કારણ ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં બદલાવ હોવાનું જાણવા મળ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન ગઈકાલે સાંજે જ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું અને હાલ ટ્રેક રિસ્ટોરેશનનું કાર્ય ચાલી રહ્યું છે. બુધવારે સવાર સુધીમાં ટ્રેક સંપૂર્ણપણે તૈયાર કરીને ટ્રેન માટે ખુલ્લો કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.