ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન, 2023) ત્રણ ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો જેમાં મૃતકોનો આંકડો 260 સુધી પહોંચ્યો છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેન અકસ્માતનું ચોક્કસ કારણ હાલ સામે નથી આવ્યું, પરંતુ તેની પાછળ સિગ્નલ ફેલ્યોર હોવાનું કહેવાય છે. બાલાસોર પાસે મેઈન લાઈન પર જતી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જઈને બાજુની લૂપ લાઈન પર ઉભેલી ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ત્યારબાદ થોડી જ વારમાં પાછળથી આવતી બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ કોરોમંડલના ડબ્બા સાથે અથડાઈ હતી. ત્રણ ટ્રેન વચ્ચેના આ ભીષણ અકસ્માતે અનેકના જીવ લીધા છે.
આ અકસ્માત બાદ ‘કવચ’ સિસ્ટમ ચર્ચામાં છે. ઘણા પૂછી રહ્યા છે કે જો સરકારે ‘કવચ’ જેવી સિસ્ટમ વિકસાવી હોય તો પછી આ દુર્ઘટના કેમ ઘટી? સોશિયલ મીડિયા પર ઘણા કટાક્ષ કરી રહ્યા છે તો રેલવે મંત્રીને પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. જોકે, ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં ભારતીય રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, આ રૂટ પર કવચ સિસ્ટમ ઉપલબ્ધ ન હતી અને હાલ તે માત્ર મુંબઈ-દિલ્હી અને દિલ્હી હાવડા રૂટ પર જ ઉપલબ્ધ છે. આ ‘કવચ’ શું છે અને કેવી રીતે કામ કરે છે તેના વિશે જાણીએ.
શું છે કવચ સિસ્ટમ?
‘કવચ’ એ ઑટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) છે, જેને RDSO (રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન)એ ત્રણ ભારતીય કંપનીઓ સાથે મળીને વિકસાવી છે. કવચ સિસ્ટમ ભારતીય રેલવેનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે ઝીરો એક્સિડન્ટના લક્ષ્ય સુધી પહોંચવા માટે લૉન્ચ કરવામાં આવ્યો હતો. રેલવેએ 2012માં આ સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેની જાહેરાત 23 માર્ચ, 2022ના રોજ કરવામાં આવી હતી. 2023ની શરૂઆતમાં આ ટેકનોલોજીનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં બે ટ્રેન સામસામે આવી જાય તો આપમેળે ઊભી રહી જાય છે.
Rear-end collision testing is successful.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
Kavach automatically stopped the Loco before 380m of other Loco at the front.#BharatKaKavach pic.twitter.com/GNL7DJZL9F
ટ્રેનની બ્રેક સિસ્ટમ નિયંત્રિત કરે છે ‘કવચ’
ટ્રેનની અથડામણનું એક સામાન્ય કારણ લોકો-પાયલટ દ્વારા સિગ્નલ (સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર અથવા SPAD) જમ્પ કરવાનું છે. જો કવચ સિસ્ટમ લાગેલી હોય તો લોકો પાયલટ કોઈ સિગ્નલ જમ્પ કરે ત્યારે કવચ ઍક્ટિવ થઈ જાય છે અને તે પાયલટને એલર્ટ કરીને ટ્રેનના બ્રેક પર નિયંત્રણ મેળવે છે. કવચ સિસ્ટમ સતત ટ્રેનની મૂવમેન્ટ પર દેખરેખ રાખે છે અને સિગ્નલ મોકલે છે. જો ટ્રૅક પર બીજી ટ્રેન આવતી હોય તો આ સિસ્ટમ જાતે જ નિશ્ચિત અંતરે બંને ટ્રેનને અટકાવી દે છે. તે ગાઢ ધુમ્મસ જેવી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં પણ ટ્રેનના સંચાલનમાં મદદ કરે છે.
સામાન્ય ભાષામાં, જો કોઈક કારણવશ એક જ ટ્રેક ઉપર બે ટ્રેન સામસામી આવી જાય તો આ સિસ્ટમની મદદથી અકસ્માત ટાળી શકાય છે. જો એક જ ટ્રેન પર આગળ-પાછળ ચાલતી ટ્રેન નજીક આવી જવાની સંભાવના હોય તોપણ કવચ કામ કરે છે.
આ સિસ્ટમ અનેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો સેટ હોય છે. જેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસને ટ્રેન, ટ્રેક, રેલવે સિગ્નલ સિસ્ટમ અને દરેક સ્ટેશન પર 1 કિમિ અંતરે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ સિસ્ટમ અન્ય સાધનો દ્વારા રેડિયો ફ્રિક્વન્સી મારફતે કમ્યુનિકેટ કરે છે. જો કોઈ લોકો પાયલટ સિગ્નલ જમ્પ કરે તો આ સિસ્ટમ એક્ટિવેટ થઇ જાય છે અને લોકો પાઇલટને અલર્ટ કરીને ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ પર નિયંત્રણ મેળવી લે છે અને જેવી તેને ખબર પડે કે ટ્રેક પર બીજી ટ્રેન પણ આવી રહી છે તો તે પહેલી ટ્રેનને સલામત અંતરે રોકી દે છે.
દક્ષિણ મધ્ય રેલવેના 250-કિલોમીટર લાંબા લિંગમપલ્લી-વિકરાબાદ-વાડી અને વિકરાબાદ-બિદર ઝોનમાં ‘કવચ’નું ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જે બાદ આગળની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી હતી. આ આધુનિક ટ્રેન સુરક્ષા સિસ્ટમના ડેવલપમેન્ટ પાછળ રૂ. 16.88 કરોડનો ખર્ચ થયો છે. માર્ચ 2024માં નવી દિલ્હી-હાવડા અને નવી દિલ્હી-મુંબઈ સેક્શન પર આ સિસ્ટમ લગાવવાનું કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. બાકીના ઝોનમાં તે વિવિધ તબક્કામાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.
બાલાસોરમાં ત્રણ ટ્રેન વચ્ચે થયો ભીષણ અકસ્માત
ઓડિશાના બાલાસોરમાં ગત 2 જૂને સાંજે સાતેક વાગ્યે શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે તેના 10થી 12 ડબ્બા ખડી પડ્યા હતા. જેમાંથી અમુક ડબ્બા બાજુની લૂપ લાઈન પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. થોડી જ વારમાં એ ટ્રેક પર બેંગલોરથી હાવડા જતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ આવી પહોંચી હતી અને કોરોમંડલ એક્સપ્રેસના ખડી પડેલા ડબ્બા સાથે અથડાતા તેના પણ 3-4 ડબ્બા પડી ગયા હતા.