કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના 10 દિવસીય પ્રવાસે છે. ભારતમાં અટપટાં નિવેદનો આપવા માટે જાણીતા રાહુલ ગાંધીનો વિદેશમાં પણ એ જ પ્રકારનો વ્યવહાર જોવા મળી રહ્યો છે. 1 જૂનના રોજ વોશિંગ્ટન ખાતે નેશનલ પ્રેસ ક્લબમાં તેમણે એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. ઇન્ટરવ્યૂઅરે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ‘સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક’ કહી હતી. મુસ્લિમ લીગ એ રાજકીય પાર્ટી હતી જેણે ભારતના વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઇન્ટરવ્યૂઅરે રાહુલ ગાંધીને કહ્યું કે, “તમે હિંદુ પક્ષ ભાજપનો વિરોધ કરતી વખતે બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીની વાત કરી. પરંતુ જ્યાંના તમે સાંસદ હતા એ કેરળમાં કોંગ્રેસ ‘મુસ્લિમ લીગ’ સાથે ગઠબંધન કરી રહી છે.” આના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સંપૂર્ણપણે સેક્યુલર પાર્ટી કહી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “મુસ્લિમ લીગ સંપૂર્ણ સેક્યુલર પાર્ટી છે. મુસ્લિમ લીગમાં નોન-સેક્યુલર કંઈ નથી. જો કોઈ આવા આરોપ લગાવે તો હું માનું છું કે વ્યક્તિએ મુસ્લિમ લીગનો અભ્યાસ કર્યો નથી.”
આ રહ્યો રાહુલ ગાંધીના એ ઇન્ટરવ્યૂનો અંશ, જેમાં તેઓ મુસ્લિમ લીગ વિશે વાત કરે છે:
આમ તો રાહુલ ગાંધી વિવાદાસ્પદ નિવેદન આપવા માટે જાણીતા છે પરંતુ ભારતના ઇતિહાસને જોતાં તાજેતરનું નિવેદન અત્યંત ઘૃણાસ્પદ ગણી શકાય.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની સ્થાપના ભારતની આઝાદી બાદ 1948માં થઈ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનના સ્થાપક અને ઇસ્લામવાદી મોહમ્મદ અલી ઝીણાની ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ (AIML)ની જ એક શાખા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ અને ભારતમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની અનુગામી બની હતી. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) તેની વેબસાઈટ પર દાવો કરે છે કે તેનું સૂત્ર ધર્મનિરપેક્ષતા અને સાંપ્રદાયિક સૌહાર્દ છે પરંતુ, આ લીગ ઘણી વખત ખુલ્લેઆમ એવાં કામ કરે છે જે તેમના આ સૂત્રથી તદ્દન વિપરીત હોય.
મુસ્લિમ લીગે એક અલગ મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યની સ્થાપના માટે ભારપૂર્વક હિમાયત કરી હતી, જે બાદ 1947માં બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવતા ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાન બન્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર 1947માં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)નો ઉદ્ભવ ઓલ-ઇન્ડિયા મુસ્લિમ લીગના ઉદ્દેશોને આગળ લઈ જવાના હેતુથી થયો હતો.
ઝીણાની મુસ્લિમ લીગમાંથી અલગ થયા બાદ બનેલી IUMLના પ્રથમ પ્રમુખ મુહમ્મદ ઈસ્માઈલ, જેઓ પાકિસ્તાનની રચનાના પ્રમુખ સમર્થક હતા, તેમણે દેશના વિભાજનની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. રસપ્રદ વાત એ છે કે, IUML એક બિન-સાંપ્રદાયિક સંગઠન હોવાનો દાવો કરનાર મુહમ્મદ ઇસ્માઇલે ભારતની સ્વતંત્રતા બાદ બંધારણ સભામાં ભારતીય મુસ્લિમો માટે શરિયા કાયદાને જાળવી રાખવા માટે સમર્થન કર્યું હતું.
ભારતની સ્વતંત્રતા બાદ પહેલી મુસ્લિમ રાજકીય પાર્ટી IUMLના સ્થાપક અને પ્રમુખ મુહમ્મદ ઈસ્માઈલે ‘મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લીગને માન્યતા આપવા’ માટે કોંગ્રેસ સાથે સોદો પણ કર્યો હતો. આવી જ નીતિ મોહમ્મદ અલી ઝીણાની હતી જેઓ હંમેશા એવું માનતા કે અવિભાજિત ભારતમાં તેઓ અને તેમની પાર્ટી AIML મુસ્લિમોના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના બહુલવાદના કથિત ‘આદર્શ’ જવાહરલાલ નહેરૂની કોંગ્રેસે એકવાર 1937માં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા માટે ઝીણાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જોકે, એ જ કોંગ્રેસ પાર્ટીએ આઝાદી બાદ કેરળમાં IUML સાથે હાથ મિલાવ્યા હતા. આ જ કોંગ્રેસે IUML જેવા રાજકીય ઇસ્લામવાદીઓને દેશમાં મુસ્લિમોના હિતોના રક્ષણના નામે સાંપ્રદાયિક રાજકારણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કેરળમાં સાંપ્રદાયિક ઘટનાઓને ભડકાવવા માટે કુખ્યાત છે. આ પાર્ટી 2003માં કેરળમાં ઘાતકી મરાડ હત્યાકાંડના આયોજન તેમજ તેને અંજામ આપવામાં સંડોવાયેલી હતી એ ખુદ ઘટનાની તપાસ માટે રચાયેલ ન્યાયમૂર્તિ થોમસ પી જોસેફ કમિશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં આ હત્યાકાંડને ‘સ્પષ્ટ સાંપ્રદાયિક ષડ્યંત્ર’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ‘મુસ્લિમ કટ્ટરપંથી અને આતંકવાદી સંગઠનો’ સામેલ હતાં.
ઉપરાંત, 2017માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) તપાસ મામલે એક નવી FIR નોંધી હતી, જેમાં IUMLના નેતાઓ પી.પી. મોઈદીન કોયા અને મોઈન હાજી પર રમખાણો માટે ભંડોળ પૂરું પાડવા, કાવતરું ઘડવા અને તેને અંજામ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અહીં નોંધનીય છે કે, કોંગ્રેસ નેતાને પૂછવામાં આવેલા પ્રશ્નમાં એ સંદર્ભ હતો કે તેઓ હંમેશા બીજેપીને હિંદુ તરફી, વિભાજનકારી પાર્ટી કહે છે અને તેની ટીકા કરે છે. એના જવાબમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ‘સેક્યુલર’ કહીને વૈશ્વિક મંચ પર બાફી માર્યું હતું. ઊલટું ભાજપે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’નું સૂત્ર આપ્યું હતું જેમાં દેશના તમામ નાગરિકોને સાથે રાખવાની વાત કરવામાં આવી છે. ભાજપ એ રીતે હિંદુ તરફી પક્ષ કહેવાય છે કે, તેમણે ક્યારેય હિંદુઓને બદનામ કરવાની હદ સુધી ક્યારેય તુષ્ટિકરણ કર્યું નથી.
ઉદાહરણ તરીકે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તે કમ્યુનલ વાયોલન્સ બિલ રજૂ કરવા માગતી હતી, જે કોમી ઘટનાની સ્થિતિમાં તથ્યોની તપાસ કર્યા વગર દરેક હિંદુને હિંસાનો ગુનેગાર અને દરેક મુસ્લિમને પીડિત ઘોષિત કરવાની ક્ષમતા ધરાવતું હતું. એ પણ છૂપું નથી કે કોંગ્રેસે ઘણીવાર મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવા માટે આતંકવાદી સંગઠનને રીઝવ્યા છે. બીજી તરફ BJPએ આતંકવાદી સંગઠન PFI પર પ્રતિબંધ મૂક્યો છે. એ સંગઠન, જે કેટલાય હિંદુઓની હત્યામાં સામેલ છે અને અનેક વખત સાંપ્રદાયિક હિંસા ફેલાવવાની યોજના બનાવી ચૂક્યું છે. પીએફઆઈ 2047 સુધીમાં ભારતને શરિયા રાજ્યમાં ફેરવવાના કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતું હતું અને હિંદુઓનો નરસંહાર તેના એજન્ડામાં હતો.
રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને સેક્યુલર કહી છે ત્યારે એ નિવેદન ઉપરોક્ત હકીકતથી તદ્દન વિપરીત છે. રાહુલ ભાજપ પર સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ મૂકે છે પરંતુ સામે કોઈ જ પુરાવા રજૂ નથી કરતા. જ્યારે મુસ્લિમ લીગ વિરુદ્ધ તો કોમી હિંસા ફેલાવવાના અનેક પુરાવા છે. તાજેતરના નિવેદન પરથી એ સ્પષ્ટ થાય છે કે, રાહુલ ગાંધી એવું માને છે કે જે પક્ષ હિંદુઓના સક્રિય વિરોધી નથી તે ‘વિભાજનકારી અને બિનસાંપ્રદાયિક’ છે. જ્યારે જે પક્ષ ઇસ્લામિક રાષ્ટ્રની તરફેણમાં હોય, જેણે કોમી હિંસાનું કાવતરું કર્યું હોય અને શરિયાની હિમાયત કરી હોય તે ‘સાંપ્રદાયિક’ છે અને તેની સાથે ગઠબંધન પણ કરવું જોઈએ.