Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારત યાત્રા’ બાદ વિદેશ યાત્રાએ નીકળ્યા રાહુલ ગાંધી: USAમાં ત્રણ શહેરોની લેશે...

    ‘ભારત યાત્રા’ બાદ વિદેશ યાત્રાએ નીકળ્યા રાહુલ ગાંધી: USAમાં ત્રણ શહેરોની લેશે મુલાકાત, એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહ્યા, કહ્યું- ‘હું હવે સાંસદ નથી’

    રાહુલ ગાંધીએ તેઓ સાંસદ હતા તે સમયનો ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કર્યા બાદ રવિવારે (28 મે, 2023) તેમને સામાન્ય પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ‘ભારત યાત્રા’ બાદ પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હવે વિદેશ યાત્રા પર નીકળ્યા છે. કોંગ્રેસ નેતા હાલ અમેરિકાના 10 દિવસીય પ્રવાસે છે જે અંતર્ગત તેઓ મંગળવારે (30 મે, 2023) સેન ફ્રાન્સિસ્કો પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યુ યોર્ક એમ ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે.

    રાહુલ ગાંધીને એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી

    મંગળવારે રાત્રે રાહુલ ગાંધી અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને આઈઓસીના અન્ય સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. અહેવાલ મુજબ, રાહુલને ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી પડી હતી.

    કોંગ્રેસ નેતાએ કહ્યું- ‘હું હવે સાંસદ નથી’

    મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે રાહુલ ગાંધી ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે લાઈનમાં ઊભા હતા ત્યારે કેટલાક પેસેન્જરોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. આ દરમિયાન જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તેઓ લાઈનમાં શા માટે ઊભા છે, તો રાહુલે જવાબ આપ્યો કે, “હું એક સામાન્ય માણસ છું. મને આ પસંદ છે. હું હવે સાંસદ નથી.”

    - Advertisement -

    રાહુલ ગાંધી 31 મે સુધી સેન ફ્રાન્સિસ્કોમાં રહેવાના છે. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તો એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધવાના છે. સેન ફ્રાન્સિસ્કોમાં રાહુલ અમેરિકાના સાંસદોને પણ મળવાના છે. તો સિલિકોન વેલીમાં ભારતીય ડાયસ્પોરા, વેન્ચર કેપિટાલિસ્ટ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના છે.

    ત્યારબાદ કોંગ્રેસ નેતા 1 અને 2 જૂનના વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે. અહીં તેઓ સાંસદો અને થિંક ટેંક સાથે બેઠક કરવાના છે. તો નેશનલ પ્રેસ ક્લબમાં તેઓ ભારતીય લોકશાહીના ભવિષ્ય, ફ્રીડમ ઓફ સ્પીચ તેમજ આર્થિક વિકાસ મુદ્દે વાતચીત કરવાના છે. એ પછી ન્યુ યોર્કમાં રાહુલ ગાંધી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે અને ચોથી જૂને તેમનો અમેરિકાનો પ્રવાસ એક સાર્વજનિક સભા સાથે પૂર્ણ થશે. આ કાર્યક્રમ શહેરના જેવિટ્સ સેન્ટર ખાતે યોજાવાનો છે.

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તેઓ સાંસદ હતા તે સમયનો ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કર્યા બાદ રવિવારે (28 મે, 2023) તેમને સામાન્ય પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. શુક્રવારે દિલ્હીની એક અદાલતે (26 મે, 2023) રાહુલને 10ને બદલે ત્રણ વર્ષ માટે ‘સામાન્ય પાસપોર્ટ’ જારી કરવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મંજૂર કર્યું હતું.

    રાહુલ ગાંધીનું સાંસદપદ થયું છે રદ

    રાહુલ ગાંધીએ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણી બદલ સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. એ પછી તેમને સાંસદપદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં