તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રની ભાજપ સરકારે સત્તામાં 9 વર્ષ પૂર્ણ કર્યાં. 26 મે, 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડાપ્રધાન પદે શપથ લીધા હતા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જંગી બહુમતીએ જીત મેળવીને સત્તા ટકાવી રાખી અને 30 મે, 2019ના દિવસે ફરી એક વખત શપથ લીધા. મંગળવારે જ તેમની સરકારના બીજા કાર્યકાળનાં 4 વર્ષ પૂર્ણ થયાં.
આમ તો પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે બધાં જ રાજ્યોમાં વિકાસ પહોંચતો કર્યો અને એ જ કારણ છે કે આજે દેશ સામૂહિક રીતે પ્રગતિ કરી રહ્યો છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો અહીં પણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખાસ્સી અસર પડી અને જે કામો ભૂતકાળની કોંગ્રેસ સરકાર દરમિયાન અટક્યાં હતાં એ તો થયાં જ પરંતુ મોદી સરકાર તરફથી અન્ય પણ અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતને મળતા રહ્યા.
સરદાર સરોવર ડેમના કામમાં પ્રગતિ
પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ માટે સતત લડતા રહ્યા પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકારે પૂરતો સહયોગ આપ્યો ન હતો. 2014માં વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં જ પીએમ મોદીએ સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ 2016માં આ તમામ દરવાજા લગાવી દેવાયા અને 15 સપ્ટેમ્બર, 2019ના દિવસે સરદાર સરોવર તેની સંપૂર્ણ સપાટીએ (138.68 મીટર) છલકાયો અને તેની સાથે મોદી સરકારે ગુજરાતને આપેલું એક વચન પણ પૂર્ણ થયું અને ગુજરાતનું અને ગુજરાતીઓનું એક મોટું સપનું સાકાર થયું.
દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાં
મોદી સરકાર તરફથી ગુજરાતને મળેલી બીજી મોટી ભેટ બુલેટ ટ્રેનની છે. ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રના મુંબઈથી ગુજરાતના અમદાવાદ સુધી દોડશે. 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન મોદી અને જાપાનના તત્કાલીન પીએમ શિંજો આબેએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
હાલ આ પ્રોજેક્ટનું કામ તેજગતિથી ચાલી રહ્યું છે અને ગુજરાતમાં મોટાભાગનું જમીન સંપાદન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં પણ શિંદે-ફડણવીસ સરકાર આવ્યા બાદ જમીન સંપાદનમાં ઝડપ આવી છે. કોરોનાની મહામારી દરમિયાન પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ મોટાભાગે ચાલુ જ રહ્યું હતું.
વંદે ભારત ટ્રેન, અમદાવાદમાં મેટ્રોનો પ્રથમ તબક્કો
વંદે ભારત એ ભારતની સૌપ્રથમ સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન છે. ગુજરાતમાં આ ટ્રેન પાટનગર ગાંધીનગરથી મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ સુધી દોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બરમાં તેનું લોકાર્પણ કર્યું હતું. મુંબઈથી ગાંધીનગરનું અંતર આ ટ્રેન માત્ર 6 કલાકમાં કાપે છે અને યાત્રીઓને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત, સપ્ટેમ્બરમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. સુરત શહેરમાં પણ મેટ્રોનું કામ હાલ ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં બીજા તબક્કાનું કામ ગતિમાં છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ત્યાં સુધીની રેલ કનેક્ટિવિટી
કેવડિયામાં આધુનિક ભારતના શિલ્પી ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સ્થાપવામાં આવી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં પોતાનું સ્થાન મેળવી રહ્યું છે અને દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાતે આવે છે. જેના કારણે સ્થાનિકોને મળતા રોજગારમાં પણ વધારો થયો છે.
ઉપરાંત,અહીં સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે કેવડિયા ખાતે એક રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું, જેનું વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી, 2021માં લોકાર્પણ કર્યું હતું. આ સિવાય SoU ખાતે 12 નવાં પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યાં છે.
કચ્છમાં સ્થપાયો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક
કચ્છના ખાવડા ખાતે ગુજરાતનો સૌથી મોટો હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, 2020માં કર્યો હતો. તાજેતરના બજેટમાં ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 108 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ પાર્ક દ્વારા વર્ષ 2024 સુધીમાં 30 હજાર મેગાવોટ ઉર્જા (પવન+સૌર)નું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે.
ભાવનગરમાં વિશ્વનો સૌપ્રથમ સીએનજી ટર્નિમલ પોર્ટ
ઓક્ટોબર, 2022માં પીએમ મોદીએ ગુજરાતના ભાવનગરમાં વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પોર્ટ 4 હજાર કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
મોઢેરા સૂર્યગ્રામ
ઓક્ટોબર, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરાને દેશનું પહેલું સંપૂર્ણ સૌરઉર્જાથી સંચાલિત સૂર્યગ્રામ જાહેર કર્યું હતું. આ લોકાર્પણ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, પીએમ મોદીએ સૂર્યગ્રામનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે મોઢેરામાં ઘરની ઉપર જ વીજળી પેદા થશે અને સરકારમાંથી પૈસા પણ મળશે. વીજળી મફત જ નહીં, ઉપરાંત પૈસા પણ મળે. હવે વીજળી પેદા કરનાર પણ એ જ વ્યક્તિ અને વાપરનાર પણ એ જ. જરૂરી પૂરતી વીજળી વાપરો અને બાકીની સરકારને વેચી દો. આ રીતે બિલમાંથી પણ છૂટકારો મળશે અને વીજળી વેચીને કમાણી કરીશું.
રાજકોટને અનેક વિકાસકામોની ભેટ
રાજકોટ શહેરમાં 2,500 હજાર કરોડના ખર્ચે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. ફેબ્રુઆરી, 2019માં મોદી સરકાર દ્વારા આ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષના અંત સુધીમાં તેનું કામ પૂર્ણ થઇ જશે તેવું અનુમાન છે. આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર બની રહ્યું છે. જેનાથી ગુજરાતને અને કરોડો ગુજરાતીઓને સીધો ફાયદો પહોંચશે.
રાજકોટમાં જ AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ નિર્માણ પામી રહી છે. તેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે ગત 31 ડિસેમ્બર, 2020ના રોજ થયો હતો. તેનું નિર્માણકાર્ય પણ હાલ ચાલી રહ્યું છે અને જલ્દીથી જ પૂર્ણ થઇ જવાનું અનુમાન છે.
રાજકોટમાં જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેતલ અનેક મકાન બનાવવામાં આવ્યાં છે. લાઈટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની યોજના છે. જે માટે ગુજરાતમાં રાજકોટને પસંદ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અહીં 1144 આવાસો બનાવવામાં આવ્યાં છે. ખાસ ટેક્નોલોજીના ઉપયોગ થકી બનેલા આ આવાસો સસ્તાં, મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક છે.
યાત્રાધામોનો વિકાસ
અંબાજી યાત્રાધામ ખાતે આવતા શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લૉન્ચ કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે થયેલા વિકાસકાર્યોમાં, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે. આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રને કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ ખાતે પ્રવાસીઓને રહેવા માટે સુવિધાયુક્ત સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રિઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યાં છે.
એસ્ટોલ પ્રોજેક્ટ
એસ્ટોલ એ પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક છે. જૂન, 2022માં પીએમ મોદીએ વલસાડ જિલ્લામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ એસ્ટોલ પ્રોજેક્ટ લોકાર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટથી વલસાડના પર્વતીય વિસ્તારોના અંતરિયાળ ગામડાંઓમાં રહેતા સાડા ચાર લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી દરરોજ મધુબન ડેમના લગભગ સાડા સાત કરોડ લિટર પાણીને 200 માળ જેટલી ઊંચાઈએ પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ વિશે વિગતે અહીંથી વાંચી શકશો.
આ સિવાય પણ છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્રની મોદી સરકાર તરફથી ગુજરાતને નાની-મોટી ભેટ મળતી રહી અને રાજ્યમાં નાના-મોટા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ-લોકાર્પણ અવિરત ચાલુ જ રહ્યાં અને હાલ પણ એ જ ગતિએ ચાલી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. મુખ્યમંત્રી રહેતાં તેમણે જે ‘ગુજરાત મોડેલ’ સ્થાપિત કર્યું હતું એ આજે પણ એ જ ગતિથી આગળ વધી રહ્યું છે.