રવિવારે (28 મે, 2023) રાજધાની દિલ્હીમાં પ્રદર્શન કરતી વખતે બેરિકેડ તોડીને નવા સંસદ ભવન તરફ કૂચ કરવાના પ્રયાસને લઈને પહેલવાનો અને તેમના સમર્થકોની અટકાયત બાદ હવે તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે દાખલ કરેલી આ FIRમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને અન્યો સામે IPCની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર, આ તમામ સામે IPCની કલમ 147, 149, 186, 188, 332, 353 અને PDPP (પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી) એક્ટની કલમ 3 હેઠળ કેસ દાખલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
A case has been registered against wrestlers Bajrang Punia, Sakshi Malik, Vinesh Phogat and other organisers of the protest. A few wrestlers had come to Jantar Mantar at night to protest, they were denied permission and were sent back: Delhi Police https://t.co/GT3PDZQnQq
— ANI (@ANI) May 28, 2023
ઉલ્લેખનીય છે કે એક તરફ રવિવારે જ્યાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઇ રહ્યું હતું તો બીજી તરફ પ્રદર્શન કરતા પહેલવાનોએ ‘મહિલા મહાપંચાયત’નું એલાન કર્યું હતું. ત્યારબાદ તેઓ નવા સંસદ ભવન તરફ આગળ વધવા માંડ્યા હતા. જેથી સુરક્ષા કારણોસર પોલીસે તેમને અટકાવ્યા હતા અને હિરાસતમાં લઇ લીધા હતા. હવે આ પહેલવાનો સામે FIR દાખલ કરાઈ છે.
સુરક્ષા કારણોસર દિલ્હી પોલીસે પહેલવાનોને નવી સંસદ સામે ‘મહિલા મહાપંચાયત’ યોજવાની પરવાનગી આપી ન હતી. બીજી તરફ, પહેલવાનોએ એલાન કર્યું હતું કે તેઓ આ કાર્યક્રમ યોજીને જ રહેશે. પોલીસે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બેરિકેડ લગાવી દીધાં હતાં તેમજ વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. ઉપરાંત, રાજધાનીની સરહદો પર પણ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ડીસીપીએ મીડિયાને જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસ કોઈ પણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. અમારી પાસે પૂરતો બંદોબસ્ત છે. પાછલી વેળા આંદોલનો (ખેડૂત આંદોલન) વખતે દિલ્હીની સરહદો મહિનાઓ સુધી બંધ રહી હતી. આવી પરિસ્થિતિ ફરી ન ઉભી થાય તે માટે અમે તૈયાર છીએ. આંદોલનકારીઓને પાછા વળવા માટે સમજાવવાના પ્રયાસ કરીશું.”
આંદોલનકારીઓને હિરાસતમાં લઇ લીધા બાદ દિલ્હી પોલીસે જંતર-મંતર પણ ખાલી કરવા માંડ્યું હતું અને પહેલવાનોનો સરસામાન અને તંબૂઓ હટાવવા માંડ્યા હતા. મીડિયાના સૂત્રો અનુસાર હવે ફરીથી અહીં આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ મૂકીને આ પહેલવાનો છેલ્લા ઘણા સમયથી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા હતા. બીજી તરફ, બ્રિજભૂષણ સિંહે આ તમામ આરોપો નકારી દીધા છે અને એમ પણ કહ્યું છે કે તેઓ નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે.