રવિવારે (28 મે, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત, અત્યાધુનિક સંસદ ભવનનું લોકાર્પણ કરશે. ભવનના ઉદ્ઘાટન પહેલાં વૈદિક રીતે વિભિન્ન અનુષ્ઠાનો પણ કરવામાં આવશે. રિપોર્ટો અનુસાર આ અનુષ્ઠાનો સવારે 7 વાગ્યે નવનિર્મિત સાંસદ ભવનના બહારના પટાંગણમાં આયોજિત કરવામાં આવશે. જ્યાં શૈવ સંપ્રદાયના વરિષ્ઠ પૂજારીઓ દ્વારા પૂજા વિધિ બાદ સેંગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવામાં આવશે. અત્યાર સુધી સામે આવેલા અહેવાલો મુજબ સંસદ ભવનનો લોકાર્પણ સમારોહ અને તેની રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ બપોરે 12 વાગ્યે શરૂ થશે.
આ ભવ્ય પૂજા સવારે 9 વાગ્યા સુધી ચાલશે. ANIના જણાવ્યા અનુસાર આ પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભા ઉપસભાપતિ હરિવંશ અને અન્ય કેટલાક મહત્વપૂર્ણ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જે બાદ બપોરે લગભગ 1 વાગ્યા આસપાસ નવા સંસદ ભવનનો લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે અને સંભવિત રૂપરેખા મુજબ આ સમારોહ 2 તબક્કામાં યોજાશે.
શું ખાસ હશે નવનિર્મિત સંસદ ભવનનો લોકાર્પણ સમારોહ, અને શું હશે રૂપરેખા?
2 તબક્કામાં થનારા નવનિર્મિત સાંસદ ભવનના ઉદ્ઘાટનની રૂપરેખા મુજબ વહેલી સવારે 7 વાગીને 15 મિનિટે નવનિર્મિત સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. ત્યારબાદ 7:30 વાગ્યે હવન અને વૈદિક પુજવીધિઓ શરૂ થશે જે લગભગ એક કલાક સુધી ચાલશે. લગભગ 8:30 વાગ્યે વડાપ્રધાન મોદી લોકસભા કક્ષ પહોંચશે.
સવારે 9 વાગ્યે તિરૂવાવદુથુરઈના મહંતો વૈદિક વિધિથી અધ્યક્ષની ખુરશી પાસે રાજદંડ ‘સેંગોલ‘ની સ્થાપના કરાવશે. જે પછી 9 વાગીને 30 મિનિટે ભવનની લોબીમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. આ આયોજનની પૂર્ણાહુતિ બાદ લગભગ 11:30થી અતિથીઓનું આગમન શરૂ થશે. ત્યારપછી 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે.
સમારોહના બીજા તબક્કાની શરૂઆતમાં લગભગ બપોરે 12 વાગ્યે રાષ્ટ્રગાન સાથે ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:10 વાગ્યે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો સંદેશ વાંચી સંભળાવશે.
લગભગ 12 વાગીને 17 મિનિટે 2 અલગ-અલગ શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે. લગભગ 12:38 વાગ્યે રાજ્યસભાના વિપક્ષ નેતાના ભાષણ માટે પણ સ્લોટ ખાલી રાખવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કરેલા બહિષ્કારને જોતાં આ ભાષણ થશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલ રાજ્યસભામાં નેતા વિપક્ષ છે. જે પછી અધ્યક્ષ ઓમ બિરલાનું ભાષણ થશે. અંદાજે 1 વાગીને 5 મિનિટે વડાપ્રધાન મોદી 75 રૂપિયાના સિક્કા અને સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરશે. જે બાદ બપોરે 1 વાગીને 10 મિનિટે વડાપ્રધાન મોદી કાર્યક્રમને અનુલક્ષી પોતાનું સંબોધન આપશે અને અંતમાં બપોરે 2 વાગ્યે આ સમારોહનું સમાપન થશે.
19 વિપક્ષી પાર્ટીઓએ કર્યો છે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર
ઉલ્લેખનીય છે કે, 19 વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ઉદ્ઘાટન પીએમ મોદીને બદલે રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે થવું જોઈએ. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી અને જેમાં ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરાવવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ તેમનો વિષય નથી તેમ કહીને ફટકાર લગાવીને અરજી ફગાવી દીધી હતી.
બહિષ્કાર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK, જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી (AAP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), નેશનલ કોન્ફરન્સ, કેરાલા કોંગ્રેસ (M), રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને રાષ્ટ્રીય લોક દળ (RLD) સામેલ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી, બીજુ જનતા દળ વગેરે વિપક્ષી પાર્ટીઓ અને NDAની સહયોગી પાર્ટીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત, રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.