Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આ અંગત નહીં, દેશનો કાર્યક્રમ છે’- JDS સુપ્રીમો: 19 પક્ષોના બહિષ્કાર સામે...

    ‘આ અંગત નહીં, દેશનો કાર્યક્રમ છે’- JDS સુપ્રીમો: 19 પક્ષોના બહિષ્કાર સામે 25 પક્ષો નવા સંસદ ભવન ઉદ્ઘાટનમાં થશે સામેલ, 7 વિપક્ષી દળોએ સ્વીકાર્યું આમંત્રણ

    કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે પણ એવું કહ્યું હતું કે, “સંસદ આખા દેશની છે અને ભારતના નહીં તો શું પાકિસ્તાનના પીએમ તેનું ઉદ્ઘાટન કરશે? વિપક્ષે બહિષ્કાર મામલે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.”

    - Advertisement -

    ભારતને નવા સંસદ ભવનના રૂપમાં લોકશાહીનું નવું પ્રતિક મળવા જઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. એક બાજુ 19 વિપક્ષી દળોએ આ ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે તો બીજી બાજુ કુલ 25 પાર્ટીઓ આ સમારોહમાં હાજર રહેશે. જેમાં એનડીએની 18 પાર્ટીઓ ઉપરાંત 7 વિપક્ષી દળોનો સમાવેશ થાય છે.

    સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના 18 સભ્યો ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, જન-નાયક પાર્ટી, AIADMK, IMKMK, AJSU, RPI, મિઝો નેશનલ ફ્રન્ટ, તમિલ માનિલા કોંગ્રેસ, ITFT (ત્રિપુરા), બોડો પીપલ્સ પાર્ટી, પત્તાલી મક્કલ કાચી, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી, અપના દળ અને આસામ ગન પરિષદ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ થવાના છે.

    તો વિપક્ષી દળો YSRCP, બીજુ જનતા દળ (BJD), તેલુગુ દેશમ પાર્ટી (TDP), BSP, લોક જનશક્તિ પાર્ટી (પાસવાન), શિરોમણી અકાલી અને જનતા દળ (S) દ્વારા પણ સમારોહનું આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે. આ સાત પાર્ટીઓ લોકસભામાં કુલ 50 સાંસદો ધરાવે છે ત્યારે તેમની હાજરીથી NDA ને મોટી રાહત થશે. તેમની હાજરીથી વિપક્ષના એ આરોપો વ્યર્થ સાબિત થશે જેમાં તેમણે દાવો કર્યો છે કે આ એક સરકારી કાર્યક્રમ છે.

    - Advertisement -

    JDS સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ જણાવ્યું હતું કે, તેઓ ઉદ્ઘાટનમાં હાજરી આપશે કારણકે, નવી સંસદ દેશની મિલકત છે અને કરદાતાઓના પૈસાથી બનેલી છે. આ કોઈ અંગત કાર્યક્રમ નથી, દેશનો કાર્યક્રમ છે. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે, શું આ ભાજપ અને RSSનું કાર્યાલય છે કે તમે બહિષ્કાર કરી રહ્યા છો.

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે પણ એવું કહ્યું હતું કે, “સંસદ આખા દેશની છે અને ભારતના નહીં તો શું પાકિસ્તાનના પીએમ તેનું ઉદ્ઘાટન કરશે? વિપક્ષે બહિષ્કાર મામલે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.”

    તો BSP સુપ્રીમો માયાવતીએ પણ વિપક્ષના વલણની ટીકા કરતાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન થવા પર બહિષ્કાર કરવો એ તદ્દન અયોગ્ય છે. સરકારે તેને બનાવ્યું છે એટલે તેનું ઉદ્ઘાટન કરવાનો તેમને અધિકાર છે. તેને આદિવાસી મહિલાના સન્માન સાથે જોડવું પણ યોગ્ય નથી.”

    યોગી આદિત્યનાથ અને ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ‘આ દેશવાસીઓનું અપમાન’

    ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને ગુજરાતના CM મુખ્યમંત્રીએ પણ ઉદ્ઘાટનના બહિષ્કાર મામલે વિપક્ષનો ઉધડો લીધો હતો. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “ઐતિહાસિક અવસરને ગૌરવશાળી બનાવવાને બદલે વિપક્ષી દળો જે રીતે નિવેદનબાજી કરી રહ્યા છે તેને દેશ કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં.” તો ભૂપેન્દ્ર પટેલે પણ વિપક્ષના વલણ અંગે કહ્યું હતું કે આ બહિષ્કાર દેશના 140 કરોડ ભારતીયોના અપમાન બરાબર છે.

    19 વિપક્ષી દળોએ કર્યો છે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર

    ઉલ્લેખનીય છે કે, 19 વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન જારી કરીને નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ઉદ્ઘાટન પીએમ મોદીને બદલે રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે થવું જોઈએ.

    બહિષ્કાર કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK, જનતા દળ (યુનાઇટેડ), આમ આદમી પાર્ટી (AAP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), નેશનલ કોન્ફરન્સ, કેરાલા કોંગ્રેસ (M), રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને રાષ્ટ્રીય લોક દળ (RLD) સામેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં