Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘વિપક્ષનું વલણ બેજવાબદારીભર્યું, દેશ કોઈ સંજોગોમાં નહીં સ્વીકારે’: સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે...

    ‘વિપક્ષનું વલણ બેજવાબદારીભર્યું, દેશ કોઈ સંજોગોમાં નહીં સ્વીકારે’: સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે ચાલતા વિવાદને લઈને CM યોગીએ કર્યા પ્રહાર, CM ભૂપેન્દ્ર પટેલે પણ નિશાન સાધ્યું

    19 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનના લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો તે નિંદનીય છે. વિપક્ષ દ્વારા વિરોધ એ દેશના મહાન લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય માન્યતાઓ ઉપર હુમલો છે: ભૂપેન્દ્ર પટેલ

    - Advertisement -

    ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આગામી 28 મે, 2023ના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે આખા દેશ માટે આ ગૌરવની વાત છે. જોકે, વિપક્ષની અમુક પાર્ટીઓએ આ ઉદ્ઘાટનનો સંયુક્ત બહિષ્કાર કર્યો છે. વિપક્ષના આ વલણને ઘણા નેતાઓએ અયોગ્ય જણાવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ બાદ હવે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સંસદ ભવન વિવાદ અંગે વિપક્ષ પર પ્રહાર કર્યા છે.

    સંસદ ભવન વિવાદ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં 28 મેની તારીખ ગૌરવશાળી દિવસ તરીકે નોંધાશે. દેશના વડાપ્રધાન ભારતવાસીઓને લોકશાહીના પ્રતિક સમા નવા સંસદ ભવનની ભેટ આપશે. આ ઐતિહાસિક અવસરને ગરિમાપૂર્ણ અને ગૌરવશાળી બનાવવાને બદલે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો જે રીતે નિવેદનબાજી કરી રહ્યા છે તે અત્યંત દુઃખદ અને બેજવાબદારીભર્યું છે. આનાથી લોકશાહી નબળી પડે છે. આવા વલણને દેશ કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં.”

    ‘સંસદ ભવન ઉદ્ઘાટનનો બહિષ્કાર એ 140 કરોડ ભારતીયોનું અપમાન છે’

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “19 વિપક્ષી દળો દ્વારા નવા સંસદ ભવનના લોકાર્પણનો બહિષ્કાર કરવામાં આવ્યો તે નિંદનીય છે. વિપક્ષ દ્વારા વિરોધ એ દેશના મહાન લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય માન્યતાઓ ઉપર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે, લોકોના હૃદયના ધબકારા સામાન છે. પાછલાં 9 વર્ષમાં જોઈએ તો વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલીનું ઉલ્લંઘન કર્યું છે. આઝાદીના અમૃતકાળમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ બહિષ્કાર દેશના 140 કરોડ ભારતીયોના અપમાન બરાબર છે. તે ક્યારેય નહીં ભૂલાય.”

    - Advertisement -

    બહિષ્કાર લોકશાહીની સાચી ભાવના નથી: સીએમ જગન રેડ્ડી

    ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસ પાર્ટી પણ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ થવા જઈ રહી છે. સીએમ જગન રેડ્ડીએ નવા સંસદ ભવન માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો એ લોકશાહીની સાચી ભાવના નથી. સંસદ લોકશાહીનું મંદિર છે અને તે આપણા દેશના લોકો અને તમામ રાજકીય દળોની છે. હું બધા રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે તેઓ આ કાર્યક્રમમાં સામેલ થાય.”

    અમે બધાને આમંત્રણ આપ્યું, આમાં રાજકારણ ન થવું જોઈએ

    ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદ ભવન વિવાદ મામલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા કે, આપણે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાજકારણ ન કરવું જોઈએ. લોકોને એમના પ્રમાણે વિચારવા દઈએ, અમે તો ઉદ્ઘાટન સમારોહમાં બધાને આમંત્રણ આપ્યું છે.

    ‘…તો શું પાકિસ્તાનના વડાપ્રધાન ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન કરશે?’

    કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના વલણની આકરી ટીકા કરી હતી અને બહિષ્કારના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “દેશની સંસદનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નહીં કરે તો શું પાકિસ્તાનના વડાપ્રધાન કરશે? સંસદ, રાષ્ટ્રપતિ ભવન આ એવી ઇમારતો છે જે કોઈ પાર્ટીની નહીં, દેશની હોય છે. મારી વિનંતી છે કે તમામ વિપક્ષ ઓવૈસીના માર્ગ પર ન ચાલે.”

    ઉલ્લેખનીય છે કે, 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે, નવા ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરવું જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં