વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. તાજેતરમાં તેમણે ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગમાં 22 દેશોના નેતાઓને પછાડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. અન્ય દેશોના દિગ્ગજ નેતાઓ પણ પીએમ મોદીથી પ્રભાવિત છે તે ઘણી વખત સાબિત થયું છે. તાજેતરમાં અમેરિકન પ્રમુખ જો બાયડને પીએમ મોદીનો ઓટોગ્રાફ માગી લીધો હતો.
જાપાનમાં ક્વાડ દેશોની બેઠક યોજાઈ હતી જેમાં પીએમ મોદી, જાપાનના પીએમ ફુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝ અને અમેરિકાના પ્રમુખ જો બાયડન હાજર રહ્યા હતા. આ દરમિયાન બાયડને પીએમ મોદીને કહ્યું કે તેઓ ખૂબ લોકપ્રિય નેતા છે અને અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તેમને મળવા માગે છે. તો મોટી હસ્તીઓ પણ તેમના કાર્યક્રમમાં સામેલ થવા માટે વિનંતી કરી રહી છે. એ પછી જો બાયડને પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવાની વાત કરી હતી.
‘તમે અત્યંત લોકપ્રિય નેતા છો, તમારા કાર્યક્રમ માટેની ટિકિટ ખતમ થઈ ગઈ છે’
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને આવતા મહિને પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “તમે એ દર્શાવો છો કે લોકતંત્ર કેટલું મહત્વ ધરાવે છે. તમે મારા માટે મોટી સમસ્યા પેદા કરી રહ્યા છો. આખા દેશમાંથી લોકો તમારા કાર્યક્રમમાં હાજરી આપવા માગે છે. મારી પાસે ટિકિટ ખતમ થઈ ગઈ છે. મને ફિલ્મ અભિનેતાઓથી લઈને સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે. તમે અત્યંત લોકપ્રિય નેતા છો.”
ઓસ્ટ્રેલિયામાં પણ પીએમ મોદીનો કાર્યક્રમ રહેશે હાઉસફુલ
ક્વાડ બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝે પણ પીએમ મોદીની લોકપ્રિયતા અને તેમના ક્રાઉડ મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સિડનીમાં કમ્યુનિટી રિસેપ્શનની ક્ષમતા 20 હજાર લોકોની છે, પરંતુ તેમની પાસે એટલી બધી અરજીઓ આવી રહી છે કે તેઓ આ કાયક્રમમાં બધાને સામેલ નહીં કરી શકે.
એ પછી અલ્બાનીઝે એ સમય યાદ કર્યો હતો જયારે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મૅચ વખતે હાજર હતા અને 90 હજાર લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આના પર જો બાયડને કહ્યું કે, “મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, સોમવારે (22 મે 2023) પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે અને જૂનમાં તેઓ અમેરિકાની મુલાકાત લેવાના છે.
PM @narendramodi, PM @AlboMP of Australia, PM @kishida230 of Japan and US President @JoeBiden met during the Quad Leaders’ Summit in Hiroshima, Japan. pic.twitter.com/wEgEF4mSov
— PMO India (@PMOIndia) May 20, 2023
2024માં ક્વાડ બેઠકની યજમાની કરશે ભારત
પીએમ મોદી હાલ G7 સંમેલન માટે જાપાનના પ્રવાસે છે. ગઈ કાલે શનિવારે (20 મે 2023) પીએમ મોદીએ અન્ય દેશોના પ્રમુખ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. તો રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી પ્રથમ વખત મળ્યા હતા.
જાપાનમાં ક્વાડ દેશોની બેઠક પણ થઈ હતી, જે પહેલાં ઓસ્ટ્રેલિયામાં થવાની હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, 2024માં ભારત ક્વાડની યજમાની કરશે.