Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઝેલેન્સ્કીને પ્રથમ વખત મળ્યા PM મોદી: G-7માં ભારત અને...

  રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઝેલેન્સ્કીને પ્રથમ વખત મળ્યા PM મોદી: G-7માં ભારત અને યુક્રેનની દ્વિપક્ષીય બેઠક કેમ મહત્વની? જાણીએ

  પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણકે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે હિરોશિમા પહોંચ્યા છે ત્યારે આજે શનિવારે (20 મે 2023) તેમની અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો હતો. પીએમ મોદીએ આ પહેલાં શનિવારે તેમના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હ સહિત અન્યો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ભારત અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ ચર્ચા થયા બાદ પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠક નક્કી કરવામાં આવી હતી.

  અહીં એ નોંધનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પીએમ મોદી અને વોલોદિમીર ઝેલેન્સ્કીની આ પહેલી મુલાકાત છે. છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ પત્ર, વિડીયો કોલ અને ફોનના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણકે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

  રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવામાં ભારત બની શકે છે મધ્યસ્થ

  યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી પીએમ મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ઘણી વખત વાત કરી છે. ગયા વર્ષે 4 ઓક્ટોબરે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આનો કોઈ લશ્કરી ઉકેલ ન હોઈ શકે’ અને ભારત શાંતિ સ્થાપવાના બનતા પ્રયાસો કરશે. તો પીએમ મોદી જયારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે યુદ્ધથી કંઈ પ્રાપ્ત નહીં થાય.

  - Advertisement -

  રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક મંચ પર જયારે વોટિંગની વાત થઈ છે ત્યારે ભારત હંમેશા તટસ્થ રહ્યું છે. તો અમેરિકાએ પણ વારંવાર એવું કહ્યું છે કે ભારતના રશિયા અને યુક્રેન બંને સાથે સારા સંબંધો છે એટલે પીએમ મોદી યુદ્ધને રોકવામાં મધ્યસ્થની ભૂમિકા ભજવી શકે છે.

  આ પહેલાં યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમીન ઝાપરોવા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ ભારતે બનતી મદદની ખાતરી આપી હતી. ઝાપરોવા યુક્રેન યુદ્ધ બાદ ભારતની મુલાકાત લેનારા પ્રથમ ઉચ્ચ કક્ષાના યુક્રેનિયન અધિકારી હતા.

  ત્રણ દેશોના પ્રવાસે છે વડાપ્રધાન મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસીય મુલાકાતે છે. તેઓ અહીં G7ના ત્રણ સત્રમાં ભાગ લેશે. G7માં યુએસ, યુકે, ફ્રાન્સ, ઇટલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. G7 ગ્રુપના વર્તમાન અધ્યક્ષ જાપાને ભારત, યુક્રેન સહિત અન્ય છ દેશોને પણ સમિટમાં આમંત્રણ આપ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, તમામ G7 દેશો G20 ગ્રુપના પણ સભ્યો છે અને ભારત G20નું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. ભારત સપ્ટેમ્બરમાં G20 સમિટમાં સંયુક્ત વાતચીત માટે સર્વસંમતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. G20માં રશિયા અને ચીન પણ સામેલ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં