કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર આજે (17 મે 2023) દિલ્હીમાં 10 જનપથ ખાતે આવેલા સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો હતો જેમાં સોનિયા ગાંધીના ઘરમાં મઝાર જોવા મળે છે. હવે સોનિયા ગાંધીના સરકારી નિવાસસ્થાનમાં આવેલી આ રહસ્યમયી મઝાર ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે કારણકે પહેલાં પણ આ મઝાર ચર્ચામાં આવી હતી.
Interesting! There's a Mazar inside Sonia Gandhi's residence 10 Janpath… pic.twitter.com/YciazPABIg
— Mr Sinha (@MrSinha_) May 17, 2023
થોડા મહિનાઓ પહેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ જયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને બેઠક માટે ગયા તો ગાડી બદલતી વખતે તેમનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં એક રહસ્યમયી આકાર દેખાતો હતો. કેટલાક લોકોએ આ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સોનિયા ગાંધીના ઘરમાં મઝાર છે કે શું?
Congress leader Ghulam Nabi Azad reaches 10, Janpath to meet party president Sonia Gandhi. pic.twitter.com/rtW7EyTekN
— ANI (@ANI) March 18, 2022
કેટલીક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે વાસ્તવમાં આ મઝાર જ છે, જે 10, જનપથ પર સ્થિત છે. જોકે, આ અંગે ક્યાંય ચોક્કસ જાણકારી આપવામાં નથી આવી. એવામાં ઓપઇન્ડિયાએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ મઝાર આખરે કોની છે. સામાન્ય રીતે દરેક મઝાર, દરગાહ, મસ્જિદ અને મદરેસાની જાણકારી વક્ફ બોર્ડ પર હોય છે એટલે અમને વક્ફ પાસેથી જ માહિતી મેળવવાનું યોગ્ય લાગ્યું. આ સંશોધનમાં અમે કેટલા આગળ વધ્યા, ચાલો જાણીએ.
સોનિયા ગાંધીના ઘરમાં મઝાર કોની છે?
અમે સોનિયા ગાંધીના ઘરમાં રહેલી મઝાર વિશે જાણવા માટે દિલ્હી વક્ફ બોર્ડનો સંપર્ક કર્યો હતો. અમે બોર્ડને મેઈલ મોકલ્યો, કોલ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. એટલે જ અમને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર નિર્ભર રહેવું પડ્યું. અમે ઇન્ટરનેટથી વક્ફની સાઈટ પર ગયા અને એ સેક્શન પર સર્ચ કર્યું જ્યાં વક્ફ સંબંધિત દરેક સંપત્તિની જાણકારી આપવામાં આવે છે. તમે રાજ્ય અનુસાર વક્ફની દરેક સંપત્તિની જાણકારી મેળવી શકો છો. અમે આમાં દિલ્હી વિકલ્પ પસંદ કર્યો.
જોકે, સાઈટ અનુસાર, દિલ્હી વક્ફ બોર્ડ હેઠળ 1045 સંપત્તિઓ પંજીકૃત છે પરંતુ, અમે એ ચોક્કસપણે ન કહી શકીએ કે આ સંખ્યા એટલી જ છે કે પછી વધારે. અમને એ પણ ખ્યાલ નથી કે આ સાઈટ નિયમિત અપડેટ થાય છે કે નહીં.
જનપથ ક્ષેત્ર નવી દિલ્હી જિલ્લામાં આવે છે. સાઈટ અનુસાર, નવી દિલ્હી ત્રણ ભાગોમાં વિભાજિત છે- કનોટ પ્લેટ, ચાણક્યપુરી અને સંસદ માર્ગ. આ ત્રણેય ક્ષેત્રોમાં ચેક કરવા છતાં અમને જનપથ પર કે 10 જનપથ નજીક કોઈ મઝાર ન મળી. લિસ્ટમાં ફક્ત દરગાહ શેખ કરીમુલ્લાહ મઝાર જોવા મળી. જો આ અંગે અમને વધુ જાણકારી મળી તો આ રિપોર્ટને અપડેટ કરવામાં આવશે.
10 જનપથની રહસ્યમયી મઝાર
10 જનપથ ખાતે આવેલી મઝાર અંગે અમને ઇન્ટરનેટ પર ડેઈલીઓનો રિપોર્ટ મળ્યો જે ખૂબ રસપ્રદ છે. વાસ્તવમાં, 10 જનપથને આ રિપોર્ટમાં ‘અપશુકનિયાળ’ કહેવામાં આવ્યું હતું અને આ રિપોર્ટમાં એ જ મઝારનો ઉલ્લેખ હતો જે ઝાડ નીચે બનેલી છે. રિપોર્ટમાં આ મઝાર અને ભૂતકાળમાં થયેલી તમામ ઘટનાઓને જોડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ આ જ મકાનમાં રહેતા હતા જે પીએમ બન્યા બાદ અહીં આવ્યા અને બે વર્ષ બાદ રશિયામાં મૃત મળી આવ્યા. આજ સુધી કોઈને એ ખ્યાલ નથી આવ્યો કે તેમની સાથે શું થયું, તેમનું અવસાન કઈ રીતે થયું કે પછી કથિત હત્યા પાછળ કોનો હાથ હતો. કહેવાય છે કે તેમને હાર્ટ અટેક આવ્યો હતો પરંતુ રિપોર્ટ્સમાં કેટલું સત્ય છે એ વિશે કોઈ નથી જાણતું.
તેમના પછી સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી અહીં રહેવા આવ્યા. 1991માં રાજીવ ગાંધીની LTTE આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. હવે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ સાથે ત્યાં રહે છે. પરંતુ ત્યાં રહેતા રાહુલ ગાંધીને પોતાને સાબિત કરવા માટે કેટલા પ્રયત્નો કરવા પડી રહ્યા છે એ સૌકોઈ જાણે છે. આ જ સ્થિતિ પ્રિયંકા ગાંધીની છે.
રસપ્રદ વાત એ છે કે વર્ષ 2004માં સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી જીતી અને પીએમ બનવા માટે સંમત થયા હતા, પરંતુ તેમની ઇટાલિયન પૃષ્ઠભૂમિને કારણે આ શક્ય બન્યું ન હતું. કેટલાક આ બાબતને અંધશ્રદ્ધા કહી શકે છે. પરંતુ શું આ ખરેખર માત્ર એક અંધશ્રદ્ધા છે કે સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ કથિત રીતે ‘અપશુકનિયાળ’ બિલ્ડિંગમાં રહીને પાર્ટીને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે?
2014ના સન્ડે ગાર્ડિયનના અહેવાલ મુજબ, જ્યારે આ ઇમારત કોંગ્રેસનું કાર્યાલય હતી, ત્યારે ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસના કેટલાક સભ્યોએ અહીં કેટલીક જગ્યાએ લોહીના ડાઘા જોયા હતા. 10 જનપથ વિશે આવી અન્ય અફવાઓ પણ છે. જો કે અમને એ ખ્યાલ નથી કે આ અફવાઓને મઝાર સાથે કોઈ લેવાદેવા છે કે નહીં. પરંતુ એ ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધી આ બિલ્ડિંગમાં આવ્યા તે પહેલા કોંગ્રેસ નેતા કેકે તિવારી અહીં રહેતા હતા, જેમની રાજકીય કારકિર્દીનું સમયની સાથે પતન થયું હતું.
આ જગ્યાઓ વિશે પણ અંધશ્રદ્ધા પ્રવર્તે છે
રિસર્ચ દરમિયાન અમને દિલ્હીના પ્રખ્યાત સ્થળો જેવા કે લુટિયન દિલ્હી અને દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા અંગે પણ જાણકારી મળી. આવી એક અંધશ્રદ્ધા 22, શામનાથ માર્ગથી જોડાયેલી છે. સન્ડે ગાર્ડિયન અનુસાર, અહીં ભાજપ નેતા મદન લાલ ખુરાના 3 વર્ષ રહ્યા જયારે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી હતા. 1993માં તેઓ અહીં આવ્યા અને 1996માં ત્યારસુધી રહ્યા જયારે હવાલા કૌભાંડમાં તેમનું નામ પણ આવ્યું.
બાદમાં આ જ આવાસમાં શીલા દીક્ષિત સરકારના મંત્રી દીપ ચંદ બંધૂ આવ્યા અને અહીં રહેતાં તેમનું અવસાન થયું. એ પછીથી આ સ્થળને અશુભ માનવામાં આવે છે.
બીજી એક અંધશ્રદ્ધા કુતુબ કર્નલનેડ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળને એ છોકરીઓ અને મહિલાઓનો શ્રાપ મળ્યો છે જેમનું નવાબો અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અપહરણ થયું હતું. આ છોકરીઓને અહીં બંદી બનાવીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આ ઇમારતની આસપાસ રહેતા લોકોનો દાવો છે કે અહીંથી છોકરીઓની ચીસોનો અવાજ આવે છે.
રનવે વાળી દરગાહ
અહીં એ જણાવવું પણ રસપ્રદ છે કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં પણ એક મઝાર છે. માનવામાં આવે છે કે, આ મઝાર બે સૂફી સંતો- હઝરત કાલે ખાન અને હઝરત રોશન ખાનની છે. એરપોર્ટના ઘણા કર્મચારીઓ અને એરલાઈન્સ સાથે જોડાયેલા લોકો આ મઝાર પર જાય છે અને માને છે કે પીર બાબા તેમની રક્ષા કરશે. આ બંને સંતો 14મી અને 15મી સદીના હોવાનું માનવામાં આવે છે.
આ દરગાહને રનવે દરગાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દર ગુરુવારે માત્ર થોડા કલાકો માટે જાહેર જનતા માટે ખુલે છે. એરપોર્ટ પ્રશાસન ખાસ બસની વ્યવસ્થા કરે છે જેથી લોકો મઝાર સુધી જઈ શકે.
વક્ફની મિલકત હંમેશા વક્ફની જ હોય છે
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ સંપત્તિ વક્ફમાં નોંધાયેલ હોય તે હંમેશા વક્ફ સાથે જ જોડાયેલી રહે છે. પરંતુ 10 જનપથના કિસ્સામાં એ જાણી શકાયું નથી કે આ મઝાર અને તેની આસપાસના વિસ્તાર વક્ફમાં નોંધાયેલ છે કે નહીં. તેથી એવું ન કહી શકાય કે સોનિયા ગાંધીનું નિવાસસ્થાન વક્ફની સંપત્તિ છે કે નહીં. અથવા વક્ફ તેના પર દાવો કરી શકે છે કે નહીં.
તાજેતરમાં, ગુજરાત વક્ફ બોર્ડે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મુઘલ કાળમાં સુરત મહાનગરપાલિકાની ઇમારતનો ઉપયોગ હજ યાત્રા દરમિયાન થતો હતો. આ પછી આ સંપત્તિને બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે આ મિલકત ભારત સરકારને આપવામાં આવી હતી, પરંતુ તેના દસ્તાવેજો અપડેટ કરવામાં આવ્યા ન હતા. ત્યારપછી આ ઇમારત વક્ફની બની ગઈ અને વક્ફ હંમેશા કહે છે કે જે એકવાર વક્ફનું થાય એ હંમેશા વક્ફનું રહે છે.
જો તમને એક વાચક તરીકે 10 જનપથ પર સ્થિત મઝાર અથવા તે માળખા વિશે કોઈ માહિતી હોય અથવા તે કમ્પાઉન્ડ વક્ફની સંપત્તિ હેઠળ આવે છે કે નહીં તે જાણતા હો, તો તમે તેના વિશે [email protected] પર જાણકારી આપી શકો છો.