અગામી તારીખ અને 30 મેના રોજ અમદાવાદમાં બાગેશ્વર ધામનો દરબાર યોજવા જઈ રહ્યો છે. જેના માટે શહેરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. શહેરના મહત્વના વિસ્તારોમાંના એક ચાણક્યપૂરી ખાતે આ દિવ્ય દરબાર યોજવાનો છે. જ્યાં બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 2 દિવસીય રોકાણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર ચાણક્યપૂરી ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી બાગેશ્વર ધામના અનુયાયી દ્વારા જ અમદાવાદમાં બાગેશ્વર ધામનો દરબાર યોજવાનું આયોજન કર્યું છે. આટલું જ નહીં, આયોજક દ્વારા તેમના નવા નક્કોર બંગલામાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રહેવાની તમામ સગવડો કરવામાં આવી છે. આ બંગલામાં બાગેશ્વર ધામના મહંત તેમના 50 જેટલાં સેવકો સાથે રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં બાગેશ્વર ધામનો દરબાર, શું છે ખાસ વ્યવસ્થા
આ આખું આયોજન કરનાર પુરષોત્તમ શર્માના જે બંગલામાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ રહેવાના છે, તે એટલો વિશાળ છે કે તેમના 50 જેટલાં સેવકો પણ તેમની સાથે આ બંગલામાં ઉતરી શકશે. હાલ આ બંગલામાં ટાઈલ્સથી માંડીને પડદાઓ સુધીની તમામ વસ્તુઓ નવી નાંખવામાં આવી રહી છે. બંગલાના માલિક અને આયોજક શર્માએ જણાવ્યું હતું કે બાબા બાગેશ્વરની સુરક્ષા અને આગતા-સ્વાગતમાં કોઈ કચાશ ન રહે તે માટે પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે.
આયોજકે પોતે 1 હજાર સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરી છે, જયારે અન્ય 1500થી 1600 પોલીસકર્મીઓ આપવા પોલીસ વિભાગની મદદ માગવામાં આવી છે. જ્યાં લોક દરબાર ભરાવાનો છે તે ખુલ્લા પ્લોટમાં એકથી દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. ઉપરાંત જરૂર પડ્યે આજુબાજુના પ્લોટ પણ ઉપયોગમાં લેવાશે.
ગુજરાતમાં દિવ્ય દરબાર લાગે તે પહેલા જ વિવાદોના વંટોળ
ઉલ્લેખનીય છે કે 26મી મે થી 2 જૂન સુધી બાગેશ્વરધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજીને કાર્યક્રમો કરવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. જયંત પંડ્યાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યાં છે.સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો રાજકોટમાં બાગેશ્વર ધામનો દરબાર યોજાશે તો તેની સામે વિજ્ઞાન જાથા ભારે વિરોધ નોંધાવશે. એટલું જ નહીં કલેક્ટરને આવેદન આપી આવો દરબાર ન યોજાય તે માટે માગ કરાશે.
તો બીજી તરફ, રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ પણ બાગેશ્વર ધામના વિરોધમાં મોરચો માંડ્યો છે. પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે. જેમાં પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!
ઉલ્લેખનીય છે કે, અગામી સમયમાં અમદાવાદ સિવાય સુરતના લિંબાયતના નીલગીરી મેદાનમાં અને રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા શરુ કરી દેવામાં આવી છે.