તાજેતરમાં જ મધ્ય પ્રદેશ ATS દ્વારા એમપી અને તેલંગાણામાંથી આતંકી સંગઠન હિજ્બ ઉત્ તહરીરના (HuT) 16 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમને લઈને હવે નવા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે કુલ 16માંથી 8 વ્યક્તિઓ એવા હતા જેઓ હિંદુમાંથી મુસ્લિમ બન્યા હતા. ઉપરાંત, આ મોડ્યુલનો સ્થાપક સભ્ય મોહમ્મદ સલીમ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.
રિપોર્ટ્સમાં ATSના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ભોપાલથી પકડાયેલો જિમ ટ્રેનર યાસિન ખાન અને હૈદરાબાદથી પકડાયેલો મોહમ્મદ સલીમ આ સંગઠનના પ્રમુખ છે. સલીમની ધરપકડ હૈદરાબાદથી કરવામાં આવી હતી. તે અસદુદ્દીન ઓવૈસીની ડેક્કન મેડિકલ કોલેજના બાયોટેકનિકલ વિભાગમાં પ્રોફેસર હતો.
મોહમ્મદ સલીમ હિંદુમાંથી મુસ્લિમ બન્યો હતો. તે મૂળ ભોપાલનો રહેવાસી છે અને મૂળ નામ સૌરભ રાજવૈદ્ય છે. તેણે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં અને 2010માં ધર્મપરિવર્તન કરી લીધું હતું. ત્યારબાદ 2012માં પત્નીને પણ ઇસ્લામ કબૂલ કરાવી લીધો હતો. જ્યારે ભોપાલમાં ધર્મપરિવર્તનનું સર્ટી ન બન્યું તો તે મહારાષ્ટ્ર ગયો હતો. જ્યાંથી હૈદરાબાદ આવી ગયો, જ્યાં ઓવૈસીની કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો. જ્યાં તે ભડકાઉ ભાષણો અને લેક્ચર આપતો હતો.
આ જ રીતે શાહજહાંનાબાદના જિમ ટ્રેનર યાસિન ખાને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યારબાદ તેનું ધર્મપરિવર્તન કરાવીને ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. આ સિવાય સંગઠનના અન્ય બે સભ્યોએ પણ આ જ મોડ્સ ઓપરેન્ડીથી તેમની પત્નીઓને મુસ્લિમ બનાવી હતી.
ગત 9 મેના રોજ મધ્ય પ્રદેશ ATS, IB અને તેલંગાણા પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં હિજ્બ ઉત્ તહરીરના 16 સંદિગ્ધોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાંથી 11 એમપીમાંથી અને પાંચ હૈદરાબાદમાંથી પકડાયા હતા. આ તમામ પાસેથી દેશવિરોધી દસ્તાવેજો, કટ્ટરપંથી સાહિત્ય અને તકનીકી ઉપકરણ સહિતની સામગ્રીઓ મળી આવી હતી.
જાણવા મળ્યું હતું કે, આ તમામ જંગલોમાં જઈને ક્લોઝ કોમ્બેટ ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરીને નિશાનબાજીનો આભાસ કરતા હતા અને લોકોને ટ્રેનિંગ પણ આપતા હતા. ઉપરાંત લોકોમાં કટ્ટરપંથી અને જેહાદી સાહિત્ય પણ વહેંચવામાં આવતું હતું. આ સંદિગ્ધોમાં શિક્ષક, જિમ ટ્રેનર, કોમ્પ્યુટર ટેક્નિશિયન, દરજી, ડ્રાઈવર વગેરે કામ-ધંધો કરનારા લોકો સામેલ હતા.
હિજ્બ ઉત્ તહરીર એક ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન છે, જેના તાર 50થી વધુ દેશોમાં ફેલાયા છે. તેની હિંસક ગતિવિધિઓ અને વિચારધારાને જોતાં 16 દેશ તેની ઉપર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.