આસામની સરકાર એકથી વધુ નિકાહ પર એક્શન લેવાની તૈયારીમાં છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે (9 મે 2023) જણાવ્યું હતું કે, આસામમાં એકથી વધુ નિકાહ કે લગ્નોની પ્રથા પર પ્રતિબંધ લગાવવો જોઈએ કે નહિ તેના માટે વિશેષજ્ઞોની કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સરમા સરકાર બાલવિવાહને લઈને પણ મોટી કાર્યવાહી કરી ચુકી છે.
વાસ્તવમાં આસામમાં એકથી વધુ નિકાહ કે બહુવીવાહ રોકવા માટે આસામના મુખ્યમંત્રીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, “આસામ સરકારે એક વિશેષજ્ઞોની એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી તે બાબતની તપાસ કરશે કે શું વિધાનસભાને રાજ્યમાં બહુવીવાહ પર રોક લગાવવાનો અધિકાર છે? આ કમિટી તપાસ કરશે કે ભારતીય સંવિધાનના નીતિ નિર્દેશક તત્વ અનુચ્છેદ 25 તથા મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એક્ટ 1937ની જોગવાઈઓની તપાસ કરશે. આ કમિટી તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા વિચારણા પણ કરશે, જેથી ઉચિત નિર્ણય લઈ શકાય.”
The Assam Government has decided to form an expert committee to examine whether the state Legislature is empowered to prohibit polygamy in the state. The committee will examine the provisions of The Muslim Personal Law (Shariat) Act, 1937 read with Article 25 of the Constitution…
— Himanta Biswa Sarma (@himantabiswa) May 9, 2023
ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે (6 મે 2023) કર્ણાટકના કોડાગુ જિલ્લામાં એક રેલીને સંબોધતા સીએમ સરમાએ સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) લાગુ કરવાના તરફેણમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે સમાન નાગરિક સંહિતા પણ લાગું કરવી પડશે. મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓના ચારથી વધુ નિકાહ કરાવવામાં આવે છે, આ કેવું ચલણ છે? દુનિયામાં આ પ્રકારના નિયમો ન હોવા જોઈએ.”
સીએમ હિમંતાએ એમ પણ કહ્યું હતું કે, “અહીં પણ આપણે એક સમાન નાગરિક સંહિતા લાવવાની છે અને આ પ્રથાનો અંત લાવવો પડશે. મુસ્લિમ દીકરીઓને ડૉક્ટર અને એન્જિનિયર બનાવવી જોઈએ, બાળકો પેદા કરવાવાળું મશીન નહીં. ભાજપે વચન આપ્યું છે કે, જો સત્તામાં આવશે તો સમાન નાગરિક સંહિતા પર કામ કરશે. આ માટે હું ભાજપનો આભાર માનું છું.”
નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં મુસ્લિમોને બહુપત્નીત્વ એટલે કે એકથી વધુ નિકાહ કરવાની છૂટ છે. મુસ્લિમો સિવાયની કોઈપણ વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિઓ સાથે લગ્ન કરે છે તે આઈપીસીની કલમ 494 અને 495 હેઠળ શિક્ષાત્મક ગુનો માનવામાં આવે છે. સાથે જ આઈપીસીની કલમ 494 હેઠળ મુસ્લિમ પહેલી પત્નીની સંમતિથી 4 નિકાહ કરી શકે છે.
વાસ્તવમાં આ છૂટ મુસ્લિમોને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) 1937 હેઠળ આપવામાં આવી છે. જોકે મુસ્લિમ મહિલાઓને ચાર લગ્ન કરવાનો અધિકાર નથી. જો કોઈ મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરવા માંગે છે, તો તેણે પહેલા શૌહરને છૂટાછેડા આપવા પડે છે.
બાળવિવાહ વિરુદ્ધ પણ આસામ સરકાર એકશનમાં
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ બાળલગ્ન સામે કડક પગલાં લીધાં હતાં. આ પછી પોલીસે રેડ પાડીને બાળલગ્ન કરનારા અને કરાવનાર લોકોની ધરપકડ કરી હતી.
એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં, આસામમાં બાળલગ્નના 4,670 કેસ નોંધાયા હતા. જેમાંથી 3483 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે આમાંથી 3098 લોકોની આ વર્ષના પહેલા બે મહિના (જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023)માં ધરપકડ કરવામાં આવી હતી.