રાજસ્થાનમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. જે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી મળેલા ભંડાર કરતાં પણ અનેકગણો મોટો છે. જિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ કરી હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, લિથિયમનો આ ભંડાર રાજસ્થાનમાં દેગાનામાંથી મળી આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ ભંડારથી દેશની 80 ટકા જેટલી લિથિયમની માંગ સંતોષી શકાશે. ઉપરાંત અત્યાર સુધી લિથિયમ માટે ભારતે ચીન પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે બીજો ભંડાર મળી આવતાં આ નિર્ભરતા મહદ અંશે ઘટશે તેવું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો હતો. કાશ્મીરના રિયાસી જિલ્લામાં 5.9 મિલિયન ટન લિથિયમ હોવાનું કહેવાય છે. જ્યારે તાજેતરમાં રાજસ્થાનમાંથી જે જથ્થો મળ્યો છે તે કાશ્મીરમાંથી મળેલા ભંડાર કરતાં પણ મોટો છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં પણ લિથિયમના ભંડાર હોય શકે છે.
બેટરી બનાવવામાં વપરાય છે
લિથિયમ નરમ અને ચળકતી સફેદ ધાતુ હોય છે. સામાન્ય દબાણ અને તાપમાને તે વિશ્વનો સૌથી હલકો અને સૌથી ઓછું ઘનત્વ ધરાવતો ઘન પદાર્થ છે. તે રાસાયણિક ઉર્જાનો સંગ્રહ કરીને તેને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. જેથી તેનો ઉપયોગ મોબાઈલ, લેપટોપ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ચાર્જેબલ બેટરીઓ બનાવવા માટે થાય છે. આ જ કારણ છે કે દુનિયામાં તેની ખૂબ માંગ રહે છે. એક ટન લિથિયમની ગ્લોબલ વેલ્યુ 57.36 લાખ રૂપિયા જેટલી હોય છે.
2050 સુધીમાં 500 ટકા જેટલી માંગ વધશે
હાલ દુનિયામાં સૌથી વધુ લિથિયમ રિઝર્વ (21 મિલિયન ટન) બોલિવિયા પાસે છે. ત્યારબાદ આર્જેન્ટિના, ચીલી અને અમેરિકાનો ક્રમ આવે છે. ચીન પાસે 5.1 મિલિયન ટન લિથિયમ રિઝર્વ છે પરંતુ તેમ છતાં ગ્લોબલ માર્કેટમાં તે મોટું સ્થાન ધરાવે છે. ભારત પણ તેની જરૂરિયાતનું 53.76 ટકા લિથિયમ ચીનથી આયાત કરે છે. વર્ષ 2020-21માં ભારતે કુલ 6 હજાર કરોડ રૂપિયાનું લિથિયમ આયાત કર્યું હતું, જેમાંથી 3,500 કરોડની ધાતુ માટે ચીન પાસેથી જ ખરીદવામાં આવી હતી.
વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગ 500 ટકા જેટલી વધી જશે. આ સંજોગોમાં ભારતમાં બે સ્થળોએથી લિથિયમના મોટા ભંડારો મળવા એ સુખદ સંકેત છે. બીજી તરફ, ભારતે હાલ જે ચીન અને અન્ય દેશો પાસેથી લિથિયમની ખરીદી કરવી પડે છે તેમાં પણ ઘટાડો જોવા મળશે.