થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરીને તેમને ‘ઝેરીલા સાપ’ કહી દીધા હતા. જેને લઈને હવે પીએમ મોદીએ ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો મુદ્દો સાપ છે અને તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે. પરંતુ સાપ ભગવાન શિવના ગળાની શોભા હોય છે. બીજી તરફ, સીએમ યોગીએ પણ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધ્યું હતું.
#WATCH | Congress hate me because I am fighting against corruption. They are threating me and abusing me. For this election, Congress has the topic 'poisonous snake', they are comparing me to a snake. The people of Karnataka will give them a befitting answer on May 10: Prime… pic.twitter.com/C6VeVyuLn7
— ANI (@ANI) April 30, 2023
વડાપ્રધાને કહ્યું, “કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો મુદ્દો સાપ છે. મારી સરખામણી તેઓ સાપ સાથે કરી રહ્યા છે અને જનતા પાસે મત માંગી રહ્યા છે. પરંતુ સાપ તો ભગવાન શંકરના ગળાની શોભા છે અને મારા માટે દેશની જનતા શિવનું જ સ્વરૂપ છે. જેથી ઈશ્વરરૂપી જનતાના ગળાના સાપ થવું પણ મને સ્વીકાર્ય છે. પરંતુ હું જાણું છું કે સંતો અને સંસ્કારોની ધરતી કર્ણાટકના લોકો કોંગ્રેસની આ ગાળોનો ચોટદાર જવાબ મતના માધ્યમથી આપીને તેમના આ મનસૂબાને તોડી નાંખશે.’
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, “આજે જ્યારે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છું તો સૌથી વધુ તકલીફ કોંગ્રેસને થઇ રહી છે. તેથી દિવસે-દિવસે કોંગ્રેસની મારા પ્રત્યેની નફરત પણ વધતી જાય છે. તેમણે મારી ઉપરનો હુમલો હજુ વધારી દીધો છે. આ લોકો આજકાલ ધમકી આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે- મોદી તેરી કબ્ર ખુદેગી.” ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કોંગ્રેસી નેતાઓએ દિલ્હીમાં પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારના આપત્તિજનક નારા લગાવ્યા હતા.
વડાપ્રધાનનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે: સીએમ યોગી
બીજી તરફ, મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ખડગેજીને આ ઉંમરે આ બધું શું શોભા આપે છે? તેમણે એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાનનું અપમાન રાષ્ટ્રનું અપમાન છે.
प्रधानमंत्री का अपमान, राष्ट्र का अपमान होता है… pic.twitter.com/uhRE37Zgm9
— Yogi Adityanath (@myogiadityanath) April 30, 2023
સીએમ યોગીએ કહ્યું, “તમે જોયું હશે, હમણાં ત્રણ દિવસ પહેલાં વડાપ્રધાન મોદીજી વિરુદ્ધ કઈ રીતે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી. શું આ ઉંમરે ખડગેજીને આ બધું શોભા આપે છે? આ દર્શાવે છે કે કોંગ્રેસ હારી રહી છે અને તેમના પુત્રની ડિપોઝીટ જપ્ત થઇ રહી છે. આ દર્શાવે છે કે ખડગેજીને લોકસભા ચૂંટણીમાં 1 લાખ 25 હજાર મતોથી હરાવ્યા હતા તે જ રીતે અહીંથી ભાજપના ઉમેદવાર ભારે મરોથી તેમના પુત્રને પણ હરાવશે.
તેમણે આગળ કહ્યું, “વડાપ્રધાનનું અપમાન રાષ્ટ્રનું અપમાન છે. ખડગેજી કોંગ્રેસના અધ્યક્ષ હોવા છતાં વડાપ્રધાન પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરીને ભારતનું અને ભારતના 140 કરોડ લોકોનું અપમાન કરી રહ્યા છે. ભારતનું અપમાન કરનાર કોઈ પણ વ્યક્તિને આપણે સ્વીકારવા ન જોઈએ.”
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં જ કર્ણાટકના કલબુર્ગીમાં એક જનસભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટિપ્પણી કરીને તેમની સરખામણી ઝેરીલા સાપ સાથે કરી દીધી હતી. જોકે, પછીથી તેમણે ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈના અપમાનનો ન હતો.