આફ્રિકન દેશ કેન્યાના પાદરીએ ‘ભૂખ્યા રહેશો તો સ્વર્ગમાં ઈસુ મળશે’ એવો અંધવિશ્વાસ ફેલાવ્યો હતો. પૉલ મેકેન્ઝી નથેંગે નામના આ પાદરીની વાત માનનારા અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. મંગળવાર (25 એપ્રિલ 2023)ના રોજ મૃતકોનો આંકડો 90 સુધી પહોંચ્યો છે જેમાં કેટલાય બાળકો પણ સામેલ છે. કેન્યા પોલીસ શાકાહોલાના જંગલમાંથી હજુ પણ લોકોના મૃતદેહ બહાર કાઢી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ કરી રહેલા અધિકારીઓએ આ સર્ચ ઓપરેશન થોડા સમય માટે અટકાવી દીધું છે કારણકે, વધુ મૃતદેહો રાખવા માટે મડદાઘરમાં જગ્યા નથી.
The death toll from a suspected Kenyan starvation cult climbed to 90 on Tuesday, including many children, as police said investigators were pausing the search for bodies because the morgues were full. https://t.co/WmfEBpJf0U
— 48 Hours (@48hours) April 26, 2023
માલિંદી શહેર પાસે આવેલા શાકાહોલા જંગલમાં સામૂહિક કબરો મળી આવતા કેન્યા સહિતના દેશોમાં ખળભળાટ મચી ગયો છે. હજુ પણ લાશોની સંખ્યા વધવાની આશંકા છે. મંગળવારે (25 એપ્રિલ 2023) 17 મૃતદેહો મળી આવ્યા છે. કેન્યાના અધિકારીઓએ આ ઘટનાને ‘શાકાહોલા જંગલ હત્યાકાંડ’ કહ્યો છે. આ કમકમાટીભરી ઘટના બાદ કેન્યા સરકારે ખ્રિસ્તી દેશમાં કટ્ટરપંથી ધાર્મિક સંગઠનો પર સકંજો કસવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ઈસુને મળવાની લાલચ આપીને કેન્યાના પાદરીએ લોકોનું બ્રેઈનવોશ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 50-60 ટકા બાળકો છે.
પાદરીએ ફેલાવેલી અંધશ્રદ્ધાનો ભોગ બન્યા નિર્દોષ બાળકો
કેન્યાના ગૃહમંત્રી કિથુરે કિંડિકીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમે નથી જાણતા કે હજુ કેટલી કબરો અને મૃતદેહો મળશે. જેણે લોકોને ભૂખ્યા રહેવા કહ્યું હતું, તે પોતે આરામથી ખાતા-પીતા હતા અને કહેતા હતા કે તેઓ ઈસુને મળાવવા માટે લોકોને તૈયાર કરી રહ્યા છે.” આ પહેલાં કિથુરે કિંડિકીએ શાકાહોલા જંગલની લગભગ 800 એકર જમીનને સીલ કરી હતી અને તેને ક્રાઇમ સીન જાહેર કર્યો હતો. આ કેસની તપાસ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે, મૃતકોમાં મોટાભાગના બાળકો છે. તેમના માતા-પિતાએ તેમને ભૂખ્યા રહેવાનું કહ્યું હતું, જેથી તેઓ પણ પાદરીના કહ્યા મુજબ ઈસુને મળી શકે.
પાદરી નથેંગે કસ્ટડીમાં ઉપવાસ પર બેઠો, બીજી વખત ધરપકડ થઈ
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો કેન્યાના કિલીફી કાઉન્ટી વિસ્તારના શાકાહોલા ગામનો છે. અહીં પાદરી પૉલ મેકેન્ઝી નથેંગે ગુડ ન્યુઝ ઇન્ટરનેશનલ ચર્ચ ચલાવતો હતો. પાદરીએ પ્રાર્થના માટે એકઠા થતા લોકોને કહ્યું હતું કે જો તેઓ ભૂખ્યા રહેશે તો સ્વર્ગમાં ઈસુને મળવાનો મોકો મળશે. પાદરીની વાતમાં આવીને 15 લોકોએ એક જ ઘરમાં રહીને ઉપવાસ શરુ કરી નાખ્યા હતા. આ મામલાનો ખુલાસો 15 એપ્રિલ 2023ના થયો હતો.
પાદરીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે અને હવે તે પોતે પોલીસ કસ્ટડીમાં ઉપવાસ પર બેઠો છે. અગાઉ માર્ચમાં પણ તેની 2 બાળકોના મોત મામલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તેને જામીન મળી ગયા હતા.