Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સ્વર્ગમાં ઈસુને મળવું હોય તો ભૂખ્યા રહો’: કેન્યામાં પાદરીએ ખ્રિસ્તી અનુયાયીઓનું બ્રેઇનવોશ...

    ‘સ્વર્ગમાં ઈસુને મળવું હોય તો ભૂખ્યા રહો’: કેન્યામાં પાદરીએ ખ્રિસ્તી અનુયાયીઓનું બ્રેઇનવોશ કર્યું, ચારનાં મોત; 15 લોકો એક ઘરમાં રહીને ઉપવાસ કરતા હતા

    પાદરીની વાતોમાં આવીને 15 જેટલા લોકો ઈસુને મળવા કંઈપણ કરવા તૈયાર થઈ ગયા. મેકેન્ઝી નથેંગેએ બાદમાં તેમને કહ્યું કે તમારે સતત ભૂખ્યા રહેવાનું છે.

    - Advertisement -

    આફ્રિકાના દેશ કેન્યામાં કેટલાક ખ્રિસ્તી અનુયાયીઓ અંધશ્રદ્ધાને કારણે મૃત્યુ પામ્યા છે. અહીં એક ચર્ચના પાદરીએ તેના અનુયાયીઓને કહ્યું હતું કે જો તમે ઉપવાસ રાખીને ભૂખ્યા રહેશો તો સ્વર્ગમાં જલ્દી પ્રવેશ મળશે અને ઈસુને મળવાનો માર્ગ ખુલી જશે. આ મામલે ત્રણ પુરુષ અને એક મહિલા એમ કુલ ચાર લોકોએ ભૂખથી કણસીને દમ તોડ્યો છે. પોલીસે એક ઘરમાં દરોડો પાડીને આવા અન્ય 11 પીડિતોને બચાવ્યા હતા. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના 13 એપ્રિલે સામે આવી હતી.

    કેન્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ ભારે અંધશ્રદ્ધાનો ભોગ બન્યા હતા. અહીં કિલિફી કાઉન્ટી ક્ષેત્રમાં ગુડ ન્યુઝ ઇન્ટરનેશનલ ચર્ચ આવેલું છે, જેનું સંચાલન મેકેન્ઝી નથેંગે નામનો પાદરી કરે છે. થોડા સમય પહેલાં આ પાદરીએ સંખ્યાબંધ લોકોને એકઠા કરીને તેમને ઈસુને મળાવવાનો દાવો કર્યો. પાદરીની વાતોમાં આવીને 15 જેટલા લોકો ઈસુને મળવા કંઈપણ કરવા તૈયાર થઈ ગયા. મેકેન્ઝી નથેંગેએ બાદમાં તેમને કહ્યું કે તમારે સતત ભૂખ્યા રહેવાનું છે.

    એક ઘરમાં સાથે રહીને ઉપવાસ કરવા લાગ્યા અજ્ઞાન અનુયાયીઓ

    પાદરીની વાત માનીને 15 જણાએ જમવાનું છોડી દીધું અને ઈસુને મળવાના સપનાં જોવા લાગ્યા. આ તમામે એક ઘરમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું. અતિશય ભૂખના કારણે તેમની તબિયત બગડવા લાગી. પોલીસને આ અંગે માહિતી મળતાં જ તેમણે ઘરમાં દરોડા પાડ્યા હતા અને તમામ 15 લોકો અધમૂઆ હાલતમાં મળી આવ્યા. ચાર લોકો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોતને ભેટ્યા હતા. બાકીના 11 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    - Advertisement -

    મૃતકોમાં 17 વર્ષીય સગીર પણ સામેલ

    મૃતકો પાસે ઓળખ પત્ર ન હોવાથી તમામની ઓળખ થઈ શકી નથી એટલે તેમના ફિંગરપ્રિન્ટ મેળવવામાં આવ્યા છે. જોકે, કેટલાક જીવિત પીડિતોની ઓળખ હોસ્પિટલમાં કરવામાં આવી છે. તેમાં એક 17 વર્ષીય સગીર પણ છે. પોલીસને તપાસ દરમિયાન આસપાસના જંગલોમાં સામૂહિક કબરો મળી આવી છે એટલે શંકાની સોય પાદરી મેકેન્ઝી નથેંગે તરફ છે. આ કબરો પાદરીના અનુયાયીઓની હોય શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પાદરીએ પીડિતોનું બ્રેઇનવોશ કરી નાખ્યું હતું અને ઈસુને મળવા માટે ઉપવાસ કરવાનું કહ્યું હતું.

    બે બાળકોના મૃત્યુના કેસમાં પાદરીની ધરપકડ થઈ ચૂકી છે

    પાદરી મેકેન્ઝી નથેંગે ગુનાહિત રેકોર્ડ પણ ધરાવે છે. ગયા મહિને જ તેની બે બાળકોના મૃત્યુ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો. હાલ ચાર લોકોના મૃત્યુના કેસમાં તેની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી.

    પાદરી મેકેન્ઝીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેને ‘ઈસુ’ના દર્શન થાય છે અને તે ભવિષ્યવાણી કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, 2019માં તેણે પ્રચાર કરવાનું બંધ કરી નાખ્યું હતું એમ તેનું કહેવું છે. પાદરીએ પોતાની સફાઈમાં એવું જણાવ્યું હતું કે, તેણે ઘટનાસ્થળવાળા ચર્ચને હંમેશા માટે બંધ કરી દીધું છે અને છેલ્લા ઘણાં સમયથી તેનો એ ચર્ચ સાથે કોઈ સંબંધ નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં ખ્રિસ્તીઓ દ્વારા ‘લેન્ટ સીઝન’ની ઉજવણી દરમિયાન એલિયડ સિમિયુ નામનો વ્યક્તિ ચર્ચામાં આવ્યો હતો જે પોતાને ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવતો હતો. લોકો કહેતા કે તે પાણીમાંથી ચા બનાવી નાખે છે. તેણે ‘ન્યુ જેરૂસલેમ’ નામનો નવો પંથ રચ્યો હતો.

    કેન્યામાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે

    ઉલ્લેખનીય છે કે, મજબૂત ધાર્મિક માન્યતા ધરાવતા દેશ કેન્યામાં લોકોને ચર્ચો કે સંપ્રદાયોમાં જોડવા માટે જોખમમાં નાખવા એ નવી વાત નથી. કિલિફીના જ શાકાહોલા અને મસિમ્બા ગામોના દસથી વધુ રહેવાસીઓ પર તેમના પાડોશીઓએ એટલે હુમલો કર્યો કારણકે તેઓ તેમને વિવાદાસ્પદ ચર્ચના સભ્યો માનતા હતા. તો માલિન્દીમાં માતા-પિતાએ બે બાળકોને ભૂખે માર્યા બાદ તેમના અવશેષો હજુ સુધી નથી શોધી શકાયા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં