પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરી ફસાવી દેવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ પાર્ટી સતત તેમના બચાવમાં લાગેલી છે. નેતાઓથી માંડીને સમર્થકો આ ધરપકડ સામે સવાલ ઉઠાવીને આરોપો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જ લગાવી રહ્યા છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ તેમાંથી બાકાત નથી.
ગોપાલ ઇટાલિયાએ એક ટ્વિટ કરીને યુવરાજસિંહ સામે થયેલી કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે તેમની સામે નોંધાયેલા ગુનામાં પોલીસ અધિકારી જ કેમ ફરિયાદી છે અને જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે તેઓ ફરિયાદી કેમ બન્યા નથી?
ઇટાલિયાએ લખ્યું, ‘ડમીકાંડ મુદ્દે મહત્વનો પ્રશ્ન એ છે કે યુવરાજસિંહ પર ખંડણી માંગવાનો અને પૈસા લેવાનો આક્ષેપ છે. ખંડણીના ગુનામાં ફરિયાદી ખુદ SOG પોલીસ અધિકારી છે. તો સવાલ એ છે કે, જે વ્યક્તિ પાસે ખંડણી માંગવામાં આવી કે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવામાં આવ્યા એ વ્યક્તિ કેમ ફરિયાદી નથી??’
ડમીકાંડ મુદ્દે એક મહત્વનો પ્રશ્ન એ છે કે,
— Gopal Italia (@Gopal_Italia) April 23, 2023
યુવરાજસિંહ ઉપર ખંડણી માંગવાનો અને પૈસા લેવાનો આક્ષેપ છે. ખંડણીના ગુનામાં ફરિયાદી ખુદ SOG પોલીસ અધિકારી છે.
તો સવાલ એ છે કે, જે વ્યક્તિ પાસે ખંડણી માંગવામાં આવી કે જે વ્યક્તિ પાસેથી પૈસા લેવામાં આવ્યા એ વ્યક્તિ કેમ ફરિયાદી નથી??
તેમના આ ટ્વિટને ક્વોટ કરીને આમ આદમી પાર્ટીના નેતા અને જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ આ આખું ષડ્યંત્ર હોવાનો દાવો કર્યો હતો.
કેમ કે આ આખુ ષડયંત્ર છે. https://t.co/eSJDoLn9rU
— Manoj Sorathiya (@manoj_sorathiya) April 23, 2023
આ ઉપરાંત, ગોપાલ ઇટાલિયાની વાતમાં આવીને ઘણા યુઝરોએ પણ શંકા કરી હતી.
આતો મોટો સવાલ છે
— Mansung Rajput (@mansung_rajput) April 23, 2023
તરૂણ રાઠોડે આ યુવરાજસિંહ સામેની કાર્યવાહી સ્ક્રિપ્ટેડ હોય તેવી શંકા કરીને કટાક્ષ કર્યો હતો.
૯ ફેલની પ્રજાને કાંડ સ્ક્રિપ કરતા પણ નથ આવડતા ભાઈ😅
— Tarun rathod (@TarunRathod24) April 23, 2023
નઈ ભેગુ થઈ,,,#standwithYuvi
વળી એક વ્યક્તિએ સીધો ભાવનગરના રેન્જ આઇજી પર જ ભાજપના કાર્યકર્તા હોવાનો આરોપ લગાવી દીધો હતો.
Kmk Bhavnagar Range IG ae BJP na karyakrta chhe
— जादव जितेंद्र 24 (@Mrjadav_2409) April 23, 2023
આવો પ્રશ્ન કરીને લોકોના મનમાં શંકા નાંખનારા આમ આદમી પાર્ટીના નેતાઓએ સંભવતઃ FIR વિશે વધુ જાણકારી મેળવી નહીં હોય. એ વાત સાચી છે કે આ કેસમાં ફરિયાદી પોલીસ અધિકારી છે, પરંતુ પોલીસ ઘરમાંથી આ માહિતી કાઢીને લાવી નથી. તેમણે જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા છે તેમનાં નિવેદનોને આધારે જ આ ગુનો દાખલ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીઓ સામે શુક્રવારે (21 એપ્રિલ, 2023) ભાવનગરના નિલમબાગ પોલીસ મથકે FIR નોંધાઈ હતી. જેમાં તમામ સામે આઇપીસીની કલમ 386 (બળજબરીથી વસૂલી કરવી), 388 (સજાપાત્ર ગુનાનો આરોપ લગાવવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવવી) અને 120B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
અહીં ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ અને અન્યો સામે ફરિયાદ નોંધાઈ તે પહેલાં 14 એપ્રિલે ભાવનગરના ભરતનગર પોલીસ મથકે ડમીકાંડ મામલે એક FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને કૌભાંડ આચરવા મામલે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીઓ તરીકે શરદ પનોત, પ્રકાશ દવે ઉર્ફે પીકે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયા એમ કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાંથી પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા જ એ બે માણસો છે જેમની પાસેથી 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો યુવરાજ અને તેમના સાથીઓ પર આરોપ છે.
અહીં યુવરાજસિંહ જાડેજા અને તેમના માણસોએ જે વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવ્યા હતા તેઓ પોતે પણ ડમીકાંડના અન્ય એક કેસમાં આરોપી છે. તેમણે પોલીસની પૂછપરછમાં યુવરાજસિંહના સમગ્ર તોડકાંડ વિશે વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે કઈ રીતે તેમણે અને તેમના માણસોએ બંને પાસેથી અનુક્રમે 55 લાખ અને 45 લાખ રૂપિયા પડાવ્યા હતા.
યુવરાજ અને અન્યો સામે જે FIR દાખલ કરવામાં આવી તે આ બંને વ્યક્તિઓનાં નિવેદનોને આધારે જ નોંધવામાં આવી છે, જેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. SOG અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ અન્ય એક કેસમાં આ આરોપીઓની પૂછપરછ કરી રહ્યા હતા અને તેમાં તેમનાં નિવેદનોના આધારે આ બાબતો જાણવા મળી હતી.
જેથી, જેમની પાસેથી પૈસા મેળવાયા છે તેઓ ફરિયાદી કેમ નથી? તે સવાલ અહીં અસ્થાને છે. પોલીસને અન્ય એક કેસની પૂછપરછમાં બંને પાસેથી પૈસા લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી અને તેમણે ગુનો દાખલ કર્યો.
આ ઉપરાંત, ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને જે સમન્સ પાઠવ્યા હતા તેમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમન્સમાં પોલીસે જણાવ્યું હતું કે તેઓ ભરતનગર પોલીસ મથકે નોંધાયેલા એક ગુનાની તપાસ કરી રહ્યા છે અને તેમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે યુવરાજ પર પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા માટે નાણાકીય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો, જેથી તેમને સમન્સ પાઠવવામાં આવે છે.
આ સમન્સ પાઠવવામાં આવ્યા બાદ અચાનક યુવરાજસિંહની ‘તબિયત બગડી ગઈ હતી’ અને તેમણે પોલીસ સામે હાજર રહેવા માટે વધુ 10 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે ફરી સમન્સ પાઠવીને 21મીએ હાજર રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ યુવરાજસિંહ હાજર તો થયા પરંતુ પૂછપરછમાં ગોળગોળ જવાબો આપ્યા હતા. જે પછી પોલીસે યુવરાજ અને અન્યો સામે ગુનો દાખલ કર્યો હતો.