કેન્યામાં એક પાદરીએ ‘ભૂખ્યા રહેશો તો સ્વર્ગમાં ઈસુ સાથે મુલાકાત થશે’ તેમ કહીને તેના ખ્રિસ્તી અનુયાયીઓને ઉપવાસ કરાવ્યા હતા, જેમાંથી ચાર લોકોનાં મોતની પુષ્ટિ અગાઉ થઇ હતી. હવે વધુ લાશો મળી છે. બીજી તરફ, પોલીસ અત્યાર સુધી 58 કબરોની ઓળખ કરી ચૂકી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસે પાદરીની પણ ધરપકડ કરી લીધી છે.
આ પાદરીનું નામ મેકેન્ઝી નથેંગે છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી, જોકે હજુ સુધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી. તે કિલીફી કાઉન્ટી વિસ્તારમાં એક ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચ ચલાવતો હતો. અહીં પ્રાર્થના માટે એકઠા થતા લોકોને તેણે કહ્યું હતું કે જો તેઓ ભૂખ્યા રહેશે તો સ્વર્ગમાં ઈસુને મળવાની તક પ્રાપ્ત થશે. તેની વાતમાં આવીને ઘણા લોકોએ ઉપવાસ ચાલુ કરી દીધા હતા.
પાદરીની વાતમાં આવીને ઘણા લોકોએ જમવાનું માંડી વાળ્યું હતું અને 15 લોકો એક જ ઘરમાં રહેવા માંડ્યા હતા. થોડા દિવસ રહ્યા બાદ કંઈ ન ખાવાના કારણે અમુકની તબિયત લથડવા માંડી હતી અને આ દરમ્યાન પોલીસને જાણ થતાં તેમણે દરોડા પાડીને લોકોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યા હતા, પરંતુ તેમ છતાં 4નાં મોત થયાં હતાં. બાકીના 11ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મામલાની તપાસ કરતી કેન્યન પોલીસે માલિંદી શહેરમાંથી 21 લાશ બહાર કાઢી હતી, જેમાં બાળકોના મૃતદેહોનો પણ સમાવેશ થાય છે. પોલીસને વધુ લાશ મળવાની આશંકા છે. આ લાશો શાકહોલાના એ જ જંગલમાંથી મળી આવી હતી, જ્યાંથી ગયા અઠવાડિયે ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચના 15 સભ્યોને ઉપવાસ કરતા બચાવી લેવામાં આવ્યા હતા.
21 લાશો, 58 કબરની ઓળખ કરી લેવાઈ
21 લાશ કાઢવા ઉપરાંત પોલીસે અન્ય 58 જેટલો કબરોની ઓળખ કરી લીધી છે અને અનુમાન છે કે તેમાંથી એકમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ દફનાવવામાં આવી છે. જેમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતા હોવાની આશંકા છે. પોલીસના અનુમાન મુજબ હજુ વધુ લાશો મળી શકે તેમ છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે.
પાદરીએ કહ્યું- મેં કંઈ ખોટું નથી કર્યું, કસ્ટડીમાં ઉપવાસ પર બેઠો
પાદરી નથેંગેએ પોતે કંઈ પણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે તેણે 2019માં જ ચર્ચ બંધ કરી દીધું હતું. આ પહેલાં માર્ચ, 2023માં પણ 2 બાળકોનાં મોત મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તેને જામીન મળી ગયા હતા. પરંતુ 15 એપ્રિલે આ નવો કાંડ બહાર આવ્યા બાદ પોલીસે ફરી તેની ધરપકડ કરી લીધી હતી.
કેન્યામાં લોકોને ઉપવાસ કરવાનું કહેનાર પાદરીની ધરપકડ બાદ તે પોતે પણ હવે પોલીસ કસ્ટડીમાં ઉપવાસ પર બેઠો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, તે ભૂખ હડતાળ પર ઉતર્યો છે અને કહે છે કે તે કસ્ટડીમાં પ્રાર્થના અને ઉપવાસ કરી રહ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેમ છતાં તેણે તમામ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો જ પડશે.