આસામનાં મહિલા નેતા અંગકિતા દત્તાએ પ્રતાડનાની ફરિયાદ નોંધાવ્યા બાદ આસામ પોલીસે યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીને નોટિસ પાઠવીને હાજર થવા માટે જણાવ્યું છે. કેસની તપાસ માટે આસામ પોલીસની એક ટીમ રવિવારે કર્ણાટક પહોંચી હતી અને કોંગ્રેસ નેતાના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.
Karnataka | A team of Assam Police reaches the residence of the uncle of IYC president Srinivas BV at Basaveshwara Nagar in Bengaluru in connection with the case against him by Angkita Dutta, former President of Assam Youth Congress.
— ANI (@ANI) April 23, 2023
"We are here to investigate the case. We… pic.twitter.com/04tto4hgjW
શ્રીનિવાસના ઘરે પહોંચેલા આસામ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ પૂર્વ આસામ યુથ કોંગ્રેસ પ્રમુખ અંગકિતા દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ મામલે શ્રીનિવાસના ઘરે પહોંચ્યા હતા પરંતુ ત્યાં કોઈ ન હોવાના કારણે ઘરની બહાર એક નોટિસ ચોંટાડવામાં આવી હતી. ઉપરાંત, તેમણે શ્રીનિવાસના કાકાના ઘરે પણ પહોંચીને ત્યાં પણ નોટિસની એક નકલ આપી હતી.
પોલીસે શ્રીનિવાસને CrPCની કલમ 41(A) હેઠળ આ નોટિસ પાઠવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું કે તેમની સામે નોંધાયેલા ગુનાની તપાસ કરતાં તથ્યોની વધુ વિગતો મેળવવા માટે પૂછપરછ કરવી જરૂરી છે જેથી તેઓ આગામી 2 મેના રોજ આસામના દિસપુર પોલીસ મથકે હાજર રહે. પોલીસે નોટિસમાં એમ પણ જણાવ્યું છે કે જો કોંગ્રેસ નેતા નોટિસનું ઉલ્લંઘન કરે તો તેમની ધરપકડ પણ થઇ શકે છે.
પોલીસે જણાવ્યું કે, અમે નોટિસ આપીને તપાસ અધિકારી સામે હાજર રહેવા માટે અને તપાસની પ્રક્રિયામાં સહયોગ આપવા માટે સમય આપ્યો છે. અમે પહેલાં શ્રીનિવાસન ઘરે ગયા હતા પરંતુ ત્યાં કોઈ ન હોવાથી નોટિસ ચોંટાડવામાં આવી હતી. અમે એક નોટિસ તેમના વતન પણ મોકલાવી છે.
ઉલ્લેખનીય છે કે આસામ યુથ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અંગકિતા દત્તાએ થોડા દિવસ પહેલાં યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બીવી સામે પ્રતાડના અને લૈંગિક ભેદભાવના આરોપ લગાવ્યા હતા અને તેમણે અપશબ્દો પણ કહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસ નેતૃત્વને રજૂઆતો કરી હોવા છતાં ધ્યાને લેવામાં આવી રહી નથી.
આ આરોપો બાદ કોંગ્રેસે તેમને કારણદર્શક પાઠવી હતી અને શા માટે બરતરફ ન કરવાં તેનાં કારણો માંગ્યાં હતાં. ત્યારબાદ ગઈકાલે તેમને ‘પાર્ટીવિરોધી ગતિવિધિઓ’ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.
અંગકિતાએ ગત 18 એપ્રિલે આસામના એક પોલીસ મથકે શ્રીનિવાસ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ગુનો દાખલ કરીને આસામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.