જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલા દરમિયાન જવાનો ઇફ્તાર પાર્ટી માટે સામાન લઈને પરત આવી રહ્યા હતા. 20 એપ્રિલ, ગુરુવારે બપોરે ભારતીય સેનાના વાહન પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન માટે તૈનાત પાંચ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. હુમલામાં ઘાયલ અન્ય એક જવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઇફ્તાર પાર્ટી માટે સામાન લઈને પાછા આવી રહેલા જવાનો પર હુમલો થયો
જાગરણના રિપોર્ટ મુજબ, પૂંછમાં આતંકી હુમલા દરમિયાન ભારતીય સેનાના જવાનો ઇફ્તાર પાર્ટી માટે સામાન લઈને પોતાની કંપનીમાં પાછા આવી રહ્યા હતા. આરઆર બટાલિયનની સંગયોટમાં તહેનાત કંપની દ્વારા 20 એપ્રિલ, ગુરુવારે સાંજે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સામેલ થવા માટે આસપાસના ગામના લોકો તેમજ પંચ સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા. સેનાનું વાહન ઇફ્તારનો સામાન લઈને કેમ્પ પરત ફરવાનું હતું, પણ રસ્તામાં જ આતંકીઓએ હુમલો કરી નાખ્યો.
સેના દર વર્ષે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરે છે
આતંકીઓને હંમેશા એવી શંકા રહે છે કે ગામના લોકો સેનાના જવાનો અને અધિકારીઓને મળીને અમારા વિશે જાણકારી આપે છે. એટલે આતંકીઓએ સેનાના એ વાહનને નિશાન બનાવ્યું જેમાં ઇફ્તાર માટેનો સામાન લદાયેલો હતો અને જવાનો બેઠા હતા. દર વર્ષે રમઝાન માસમાં સેના દ્વારા પોતપોતાના ક્ષેત્રોમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. હવે બે દિવસમાં રમઝાન સમાપ્ત થાય છે ત્યારે સેનાની આરઆર બટાલિયન દ્વારા સંગયોટ ક્ષેત્રમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ઘણાં વ્યંજનો બનાવવાની તૈયારી કરવામાં આવી હતી.
ગુરુવારે સાંજે સેનાના કેમ્પમાં જવાનો, ગામના રહેવાસીઓ સહિતના લોકો ઇફ્તાર પાર્ટીમાં સામેલ થવાના હતા. સૂત્રોનું કહેવું છે કે, આ ક્ષેત્રમાં આતંકીઓની હાજરી પહેલાંથી છે. ગુરુવારે આતંકવાદીઓને જેવી જાણકારી મળી કે ઇફ્તાર પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે એટલે તેમણે કાવતરું ઘડ્યું અને સેનાના વાહન પર હુમલો કર્યો.
J&K | Bomb Disposal Squad and Special Operations Group (SOG) of police at the spot at Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday.
— ANI (@ANI) April 21, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/8GRcspjYQN
સેનાના વાહન પર ફાયરિંગ થતાં ફ્યુઅલ ટેંકમાં આગ લાગી
આ ઘટના જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં બની હતી. અહીં બપોરે ત્રણ વાગ્યા આસપાસ પૂંછ અને ભિંબેર ગલી વચ્ચેથી પસાર થતા ભારતીય સેનાના વાહન પર PAFF ના આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ચાર આતંકવાદીઓ સામેલ હતા. તેમણે સેનાના વાહન પર ત્રણ બાજુથી ફાયરીંગ કર્યું હતું અને આ દરમિયાન ફ્યુઅલ ટેંકમાં આગ લાગી હતી.
PAFF એ હુમલાની જવાબદારી લીધી
પૂંછમાં થયેલા હુમલાની જવાબદારી PAFF એ લીધી છે. PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સમર્થિત સંગઠન છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પીએએફએફ સામે આવવા લાગ્યું હતું. PAFF 2019 માં જૈશના પ્રોક્સી આઉટફિત તરીકે ઉભર્યું હતું. ત્યારથી તે દેશભરમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને અંજામ આપી રહ્યું છે.