Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્યઆમ બોલીને લોકસભા ચૂંટણી જીતાશે?: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સીઆર પાટીલ...

    આમ બોલીને લોકસભા ચૂંટણી જીતાશે?: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સીઆર પાટીલ અને હર્ષ સંઘવી વિષે અપમાનજનક ટીપ્પણી કરી

    એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસવાને આરે છે એવામાં ખુદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ આ રીતે પોતાની ભાષા પરનો કાબુ ગુમાવે તો પક્ષની હાલત આવનારી લોકસભા ચૂંટણીમાં કેવી થશે તે સમજી શકાય છે.

    - Advertisement -

    ગઈકાલે ગુજરાત કોંગ્રેસે અરવલ્લીના મોડાસામાં ‘જય ભારત સત્યાગ્રહ સંમેલન’ આયોજીત કર્યું હતું. આ સંમેલન સુરતની કોર્ટ દ્વારા મોદી સમાજનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાના વિરોધમાં આયોજીત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ કરેલા અપમાનને યોગ્ય ઠરાવતી વખતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સીઆર પાટીલ અને હર્ષ સંઘવી વિષે અપમાનજનક શબ્દો કહ્યા હતાં.

    જગદીશ ઠાકોરે પોતાના ભાષણ દરમ્યાન કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણકે હર્ષ સંઘવી સીઆર પાટીલના પહેલા ખોળાના છે. જગદીશ ઠાકોરે બાદમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી વિરુદ્ધનો કેસ મોદી સમાજના કોઈ સંગઠન કે મંડળ દ્વારા નહોતો કરવામાં આવ્યો પરંતુ તે ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

    એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસવાને આરે છે એવામાં ખુદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ આ રીતે પોતાની ભાષા પરનો કાબુ ગુમાવે તો પક્ષની હાલત આવનારી લોકસભા ચૂંટણીમાં કેવી થશે તે સમજી શકાય છે. ગુજરાત કોંગ્રેસ અને તમામ રાજકીય વિશ્લેષકો એ બાબત સ્પષ્ટપણે સમજે છે કે ભાજપ, નરેન્દ્ર મોદી કે પછી ભાજપના નેતાઓનું જેટલું અપમાન થાય છે એટલા બમણા જોરથી ગુજરાતની પ્રજા ભાજપને મત આપે છે.  

    - Advertisement -

    ગત વર્ષનાં અંતમાં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન પણ આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ વિષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓએ ખરાબ શબ્દો ઉચ્ચાર્યા હતાં અને ભાજપ વિધાનસભાની 182 માંથી 156 બેઠકો લઇ ગયું હતું. તેમ છતાં જગદીશ ઠાકોરે સીઆર પાટીલ અને હર્ષ સંઘવી જેવા ગુજરાત ભાજપના કદ્દાવર નેતાઓનું અપમાન કર્યું છે એ આવતા વર્ષની લોકસભાની ચૂંટણી વિષે ગુજરાત કોંગ્રેસની કેટલી ‘તૈયારીઓ’ છે એ સમજાવે છે.

    જ્યાં સુધી સુરતમાં કેમ કેસ થયો અને મોદી સમાજ દ્વારા ન થતાં ફક્ત પુર્ણેશ મોદી દ્વારા જ થયો એ દલીલની વાત છે તો માનહાનીનો કેસ કરવા માટે આવી કોઈજ મર્યાદા કાયદા દ્વારા રાખવામાં આવી નથી. બીજું જગદીશ ઠાકોર એ વાત ભૂલે છે કે ફક્ત પુર્ણેશ મોદી જ નહીં પરંતુ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ આ જ મુદ્દે બિહારની કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

    આથી એમ કહી શકાય કે તમામ મોદી ચોર કેમ હોય છે એવા રાહુલ ગાંધીના પ્રશ્નથી ફક્ત સુરતના પુર્ણેશ મોદી જ નહીં પરંતુ છેક બિહારના સુશીલ કુમાર મોદીને પણ પોતાનું અપમાન થયું હોવાનું જણાય છે. જગદીશ ઠાકોર કદાચ એ હકીકત પણ ભૂલી રહ્યાં છે કે આ જ મુદ્દે એક અન્ય મોદી નામે લલિત મોદી યુકેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરવાની તૈયારીઓ ઓલરેડી કરી રહ્યા છે.

    આમ જગદીશ ઠાકોરે સીઆર પાટીલ અને હર્ષ સંઘવીનું અપમાન કરવા માટે જે તર્ક આપ્યો છે એ અહીં ખોટો પડતો જણાઈ રહ્યો છે. હજી તો લોકસભાની ચૂંટણી એક વર્ષ દૂર છે અને એવામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અત્યારથી જ પોતાની હારની જમીન તૈયાર કરી રહ્યા હોય એવું જગદીશ ઠાકોરના તાજા નિવેદનથી લાગી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં