ભાવનગરમાં ડમી ઉમેદવાર કાંડમાં આપ નેતા યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદીને ડિટેઈન કરાયો છે. તપાસ માટે રચાયેલી એસઆઈટીની ટીમે બિપીન ત્રિવેદનો સિહોરથી કબજો લીધો છે. બિપિન ત્રિવેદીએ ડમીકાંડમાં નામ ન જાહેર કરવા માટે યુવરાજસિંહે પૈસા લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. બિપીનની પુછપરછ બાદ ડમીકાંડને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
અહેવાલો મુજબ બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂપિયા 55 લાખ લીધા હતા. આ આરોપ લગાવનારા કોઈ વિરોધીઓ ન હતા. આ આરોપ લગાવ્યો હતો યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપિન ત્રિવેદીએ. બિપિન ત્રિવેદી કે જે 2018થી યુવરાજસિંહના સંપર્કમાં છે. બંને મિત્રો જેવા છે અને વિધાર્થી હિતના કાર્યો કરતાં રહે છે. આ જ બિપિન ત્રિવેદીનો એવો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ડમીકાંડમાં નામ ન લેવા માટે કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિ મારફતે ત્રણ તબક્કામાં 55 લાખ ચુકવાયા હતા.
યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ બિપિન ત્રિવેદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પૈસાની ચુકવણી કરવા ઘનશ્યામ નામના વ્યક્તિ સાથે તેઓ પણ ગયા હતા અને યુવરાજસિંહના વતી તેમના સાળા શિવુભાને પૈસા પણ આપ્યા હતા. આ કેસમાં કેટલીક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. જેમાં મળવાને લઈને ચર્ચાઓ થઈ હતી. તેમજ છાપામાં આવેલા સમાચારમાં છપાયેલા પીકે અને આરકે નામની માહિતી કોણે આપી તે પ્રકારે પણ ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત એક સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં તે વ્યક્તિ ઘનશ્યામનું વારંવાર નામ આવી રહ્યું હતું, તે કારમાં બેઠેલો કેદ થયો હતો. આ ઉપરાંત પ્રદીપ અને જિગ્નેશ નામના બે વ્યક્તિઓ પણ દેખાયા હતા. સીસીટીવીમાં બંને જતાં દેખાયા, જેમાં જિગ્નેશ નામનો વ્યક્તિ છે, જે ડમીકાંડમાં પણ સામેલ છે અને રૂપિયા આપવામાં તેની મોટી ભૂમિકા છે. આ બંને ઘનશ્યામની કારમાં પૈસા ભરેલી બેગ લઈને જતાં અને બેસતાં નજરે પડ્યા હતા.
ચાર આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં ડમીકાંડમાં ઝડપાયેલા ચાર વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ડમીકાંડમાં LCBના ઇન્ચાર્જ PI દ્વારા 36 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર LCBએ ડમી કાંડમાં હમણાં સુધી 4 આરોપીની ધરપકડ કરી હતી. તળાજાના 4 ઈસમોની LCB દ્વારા ધરપકડ કરાઈ હતી. ડમીકાંડ મામલે ભાવનગર LCB દ્વારા 36 લોકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ કુલ 36 આરોપીઓ પૈકી 33 આરોપીઓ ભાવનગર જિલ્લાના છે.
ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમીકાંડ મામલે હવે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે પગલાં ભર્યાં છે. ધરપકડ થયેલા ચાર આરોપીમાંથી બે આરોપી શરદ પનોત અને પ્રકાશ દવે સામે શિક્ષાત્મક કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરી છે. શરદ પનોત સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીફે ફરજ બજાવે છે જ્યારે પ્રકાશ દવે તળાજા તાલુકામાં બીઆરસી કોર્ડિનેટર છે. શિક્ષણ વિભાગે બંનેને સસ્પેન્ડ કરવાની તૈયારી કરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને સામે પગલાં ભરવા માટે પોલીસ પાસેથી માહિતી પણ મંગાવી છે.