આવું લખતાં તો શું વિચારતી વખતે પણ દુઃખની લાગણી થાય પરંતુ તેમ છતાં એક મુદ્દાને સ્પષ્ટ કરવા માટે આવું લખવું પડે છે. આ વિષય હાથમાં લેવાનું એક માત્ર કારણ એ છે કે આપણે તમામ ગુજરાતીઓ છીએ અને આપણને એ બાબતે ગર્વ પણ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં આપણે જોયું છે કે દેશના અમુક રાજકારણીઓમાં ગુજરાતીઓ વિરુદ્ધ નફરત વધી રહી છે. આપણે બધે એ વિચારીને ગૂંચવાઈએ પણ છીએ કે આપણે તો કોઈ અન્ય જાતિ કે રાજ્યના લોકો વિરુદ્ધ કશું બોલતાં કે એમનું અપમાન કરતાં નથી તો પણ શા માટે એ લોકોને ગુજરાતીઓ માટે આટલી બધી નફરત છે? આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતીઓ માટેની આ રાજકીય નફરત દાયકાઓ અગાઉ જ શરુ થઇ ગઈ હતી.
આપણા વડીલો આપણને કહેતાં કે વર્ષો પહેલાં મરાઠી માણુસનું ખોવાયેલું ગૌરવ પરત અપનાવવા માટે સ્વ. બાળાસાહેબ ઠાકરેએ ગુજરાતીઓ વિરુદ્ધ નફરત ફેલાવી હતી. આપણને એ પણ ખ્યાલ છે કે તેમની આ નફરત મુંબઈ અને મહારાષ્ટ્રમાં રાજકીય સ્થાન મેળવવા માટે ફેલાવવામાં આવી હતી. હાલમાં જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ ફરીથી આ નફરતનું કાર્ડ ઉગામ્યું છે અને એ પણ પાછું ગુજરાતીઓ વિરુદ્ધ.
ગુજરાતીઓનું આ પ્રકારે તાજું રાજકીય અપમાન એક રીતે જોઈએ તો સિદ્દારમૈયાએ કન્નાડીગાઓનું અભિમાન ઉભું કરવા માટે કરી રહ્યાં હોય એવું લાગે છે, એવી જ રીતે જેવી રીતે બાળાસાહેબે ગઈ સદીમાં કર્યું હતું. પરંતુ જો આ બાબતને નજીકથી જોવામાં આવે તો કર્ણાટકમાં આવનારી વિધાનસભામાં કોંગ્રેસને વધુને વધુ મત મળે તેનો આ પ્રયાસ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ જે રીતે કન્નાડીગાઓમાં સિદ્દારમૈયા આ ઝેર ફેલાવી રહ્યાં છે તેના અત્યંત ખરાબ દુરોગામી પરિણામો આવી શકે છે.
અમુલ જે એક વિશ્વસ્તરીય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે તે કર્ણાટકની સ્થાનિક દુગ્ધ મંડળી KMF અને તેની બ્રાંડ નંદીની સાથે મળીને કાર્ય કરવાનું શરુ કરી રહ્યું છે. હવે આ મુદ્દાને સિદ્દારમૈયા અને કર્ણાટક કોંગ્રેસે ગુજરાતીઓ વિરુદ્ધ કન્નાડીગાઓનું યુદ્ધ જાહેર કરી દીધો છે. આપણને કર્ણાટકના રાજકારણ વિષે તો વધુ માહિતી નથી પરંતુ આપણે ગુજરાતનું રાજકારણ જાણીએ છીએ અને તેની હાલની પરિસ્થિતિ વિષે પણ સારી એવી સમજણ ધરાવીએ છીએ. જો આ ગુજરાતીઓ વિરુદ્ધ નફરત કરાવતો પ્રોપેગેન્ડા કર્ણાટકની કોઈ સ્થાનિક અથવાતો પ્રાદેશિક પાર્ટીએ શરુ કર્યો હોત તો સમજી શકાય એમ હતું પરંતુ આ તો એક રાષ્ટ્રકક્ષાની પાર્ટી અને તેના મોટા નેતા જેઓ રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં છે તેમણે શરુ કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં સારી પેઠે હારી ગઈ હોવા છતાં ગુજરાતમાં કોંગ્રેસ હજી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અમુલ ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે સ્થપાઈ હતી પરંતુ કર્ણાટક કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતીઓનું અપમાન શરુ કરે એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં ગુજરાતનો એક પણ કોંગ્રેસી નેતા ખુલીને તેની ટીકા કરતો નજરે પડ્યો નથી. કદાચ હાઈકમાન્ડ તરફથી આવું કશું કરવાનો હુકમ નહીં આવ્યો હોય એટલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ મૂંગા હોય એવું બની શકે પરંતુ છેવટે આવનારી ચૂંટણીઓ અને ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં તેમણે જ સહન કરવાનું આવશે.
ભાજપ આ ચૂંટણીઓના પ્રચારમાં ગુજરાત કોંગ્રેસના આ મૌનનો મુદ્દો જરૂર ઉપાડશે અને કહેશે કે જ્યારે કર્ણાટકના સિદ્દારમૈયા અને અન્યો દ્વારા ગુજરાત અને ગુજરાતીઓનું ખુલ્લેઆમ અપમાન થઇ રહ્યું હતું ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ મૌન હતાં. એક રીતે જોવા જઈએ તો આ કોંગ્રેસના શિર્ષ નેતૃત્ત્વની બુદ્ધિક્ષમતાનું દેવાળું થઈ ગયું હોવાનું પણ દર્શાવે છે. કારણકે કર્ણાટકની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ હજી પણ સલામત છે ત્યાં જીતવાની લાલસાએ રાજ્યમાં જ્યાં કોંગ્રેસ નામશેષ થવા જઈ રહી છે અને તેના પુનરોદ્ધારની ખાસ જરૂર છે તેના મતદારોનો ગુસ્સો તે વહોરી લેવા માટે તૈયાર થઇ ગઈ છે.
જો કે જેમ અગાઉ કહ્યું કે સિદ્દારમૈયાએ જે કહ્યું એ નવું નથી કારણકે ગુજરાતીઓ વિરુદ્ધ નફરત તો થોડા વર્ષ અગાઉ સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ફેલાવી ચુક્યા છે. અખિલેશે એવું પૂછ્યું હતું કે કેમ ગુજરાતીઓ મોટી સંખ્યામાં ભારતીય સેનામાં નથી જોડાતા? આ ચર્ચાનો એક અલગ વિષય હોઈ શકે પરંતુ કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતીઓ માટે નફરત દેશના જુદાજુદા નેતાઓમાં સારી રીતે વ્યાપ્ત છે.
કારણ સરળ છે અને એ એવું છે કે દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન જેવા બે અતિશય મહત્વના પદ પર બે ગુજરાતીઓ બિરાજી રહ્યાં છે. આ તમામને એવું લાગે છે કે અમારી આ બંને પ્રત્યેની નફરત એટલે સમગ્ર ગુજરાતી સમાજ પ્રત્યેની નફરત છે અને આમ નફરત ફેલાવીશું તો અમારા રાજ્યના લોકો અમને ખભા પર ઉપાડી લેશે અને અમને સત્તા આપશે. સિદ્દારમૈયા કે પછી અખિલેશ યાદવ જેવા નેતાઓ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે પોતપોતાનાં રાજ્યોનાં લોકોમાં ગુજરાતીઓ જે એમની જેમ જ દેશના નાગરિકો છે, તેમનાં વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યાં છે. આમ કરીને તેઓ કદાચ ચૂંટણીઓ જીતી જશે પણ દેશ જાતિવાદી હુતાશનમાં ફેંકાઈ જશે તેનું શું?
આ પ્રકારના નેતાઓ પાસેથી જો કે વધુ કોઈ અપેક્ષા પણ ન હોઈ શકે. આ તો સારું છે કે આપણે ગુજરાતીઓ આપણે શું કરી રહ્યાં છીએ કે શું કરવાના છીએ એના પ્રત્યે વધુ ધ્યાન આપતાં હોઈ છીએ. નહીં તો ગુજરાતીઓ વિરુદ્ધ નફરત જે સ્તરે ફેલાવવામાં આવી રહી છે તેના દુષ્પરિણામ આ આઠ વર્ષમાં તો દેખાવા લાગ્યાં હોત.