વડોદરા પાસેના જરોદમાં ફેસબુક પર ભડકાઉ વિડીયો પોસ્ટ કરવા બદલ એક મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM નેતા અકબરૂદ્દીન ઓવૈસીનાં ભાષણોની ક્લિપ જોડીને વિડીયો બનાવ્યો હતો અને સાથે ‘15 મિનિટ પાવર’ કેપ્શન લખીને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
આરોપીની ઓળખ ગુલઝાર અનવર કુરેશી તરીકે થઇ છે. જરોદ પોલીસ મથકે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે તેની સામે FIR દાખલ કરી હતી અને શુક્રવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. શનિવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં ગુલઝાર કુરેશીએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને સાથે કેપ્શન લખ્યું હતું- ‘15 મિનિટ પાવર.’ આ વિડીયોમાં એક સાંપ્રદાયિક ઘટનાના ફૂટેજ સાથે અકબરૂદ્દીન ઓવૈસીના કુખ્યાત ભાષણની ક્લિપ જોડવામાં આવી હતી જેમાં મુસ્લિમોનો પાવર બતાવવા માટે 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવા માટે કહેવામાં આવ્યું હતું.
સાંપ્રદાયિક તણાવ સર્જતો અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક સ્થાનિકે ગુલઝાર કુરેશી સામે જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે IPCની કલમ 298 અને 153(a)(b) હેઠળ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.
જાણવા મળ્યા અનુસાર, આરોપી ગુલઝાર જરોદમાં એક મટન શૉપ ચલાવે છે. તેની ધરપકડ બાદ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેણે અન્ય કેટલા લોકો સાથે આ વીડિયો શૅર કર્યો હતો. આ ઉપરાંત, અગાઉ તેની સામે કોઈ ગુના પોલીસના ચોપડે નોંધાયા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
અકબરૂદ્દીન ઓવૈસીએ 2012માં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે કહ્યું હતું કે, “તસ્લીમા નસરીન અહીં આવ્યા હતા અને હવે તેઓ ક્યાં છે તે કોઈ નથી જાણતું. હિંદુસ્તાન, અમે 25 કરોડ છીએ અને તમે 100 કરોડ છો ને? તમે તો અમારા કરતા સંખ્યામાં અનેકગણા વધારે છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો આપણે જોઈ લઈશું કે કોણ વધુ શક્તિશાળી છે.”