Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આ મોદી મેજિક નહીં તો બીજું શું છે?’: NCP નેતા અજિત પવારે...

    ‘આ મોદી મેજિક નહીં તો બીજું શું છે?’: NCP નેતા અજિત પવારે કર્યાં પીએમ મોદીનાં વખાણ, EVMનું પણ સમર્થન કર્યું, કહ્યું- તેમાં ગડબડ ન થઇ શકે

    અજિત પવારે કહ્યું કે તેમને EVM ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને કેટલાક લોકો ચૂંટણીમાં હારી ગયા બાદ EVM પર આરોપ લગાવવાનું શરૂ કરી દે છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં અગાઉ મહાવિકાસ આઘાડી સરકારમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કોંગ્રેસથી તદ્દન વિપરીત નિવેદનો આપી રહ્યા છે. પહેલાં NCP ચીફ શરદ પવારે અદાણી જૂથ પર લાગેલા આરોપો મુદ્દે ઉદ્યોગપતિનું સમર્થન કર્યું હતું તો હવે મહારાષ્ટ્રના વિપક્ષ નેતા અજિત પવારે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરીને ‘મોદી મેજિક’ વિશે નિવેદન આપ્યું છે. આ ઉપરાંત, તેમણે EVMને લઈને પણ એક નિવેદન આપ્યું હતું.

    અજિત પવારે કહ્યું કે તેમને EVM ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને કેટલાક લોકો ચૂંટણીમાં હારી ગયા બાદ EVM પર આરોપ લગાવવાનું શરૂ કરી દે છે. તેમના આ નિવેદને ચર્ચાઓ જગાવી દીધી છે. 

    ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પવારે કહ્યું, “મને વ્યક્તિગત રીતે EVM ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. જો ઈવીએમમાં ખામી હોત તો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓની સરકારો બની ન હોત. આપણા દેશમાં EVM સાથે છેડછાડ કરવી શક્ય નથી. આ એક મોટી સિસ્ટમ કામ કરે છે અને ઘણી બધી બાબતો તેની સાથે જોડાયેલી હોય છે.”

    - Advertisement -

    કોંગ્રેસના નેતાઓ ઘણી વખત ચૂંટણીમાં હાર બાદ પરિણામ સ્વીકારવાને બદલે EVMને દોષ આપી દેતા હોય છે. અજિત પવારે કોઈનું નામ લીધું ન હતું પરંતુ ઉમેર્યું કે, જો કોઈ પણ રીતે એવું સાબિત કરી દેવામાં આવે કે EVMમાં છેડછાડ કરી શકાય તો દેશમાં મોટો હોબાળો થશે. મને નથી લાગતું કે કોઈ આવું કરવાની હિંમત કરે. કેટલીક વખત લોકો ચૂંટણીઓમાં હારી જાય છે પરંતુ તેઓ માને છે કે તેઓ હારી ન શકે અને પછી ઈવીએમ પર આરોપો લગાવવાના શરૂ કરી દે છે. પરંતુ વાસ્તવમાં તે જનતાનો જનાદેશ હોય છે.”

    ‘આ મોદી મેજિક નથી તો બીજું શું છે?’

    આટલું જ નહીં, અજિત પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “PM મોદીના નામે (ભારતીય જનતા) પાર્ટી 2014માં સત્તામાં આવી અને વિસ્તરી. જીત બાદ તેમની વિરુદ્ધ અનેક નિવેદનો અપાયાં પણ તેમની લોકપ્રિયતા યથાવત રહી અને ભાજપે તેમના નેતૃત્વમાં અનેક રાજ્યો પણ જીત્યાં અને 2019માં ફરી જીત મેળવી. જો આ પીએમ મોદીનું મેજિક ન હોય તો બીજું શું છે?”

    હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વડાપ્રધાન મોદીના શિક્ષણ પાછળ પડી છે અને ખાસ કરીને દિલ્હી સીએમ કેજરીવાલ આ મુદ્દો ઉછાળતા રહે છે. જેને લઈને તેમણે કહ્યું કે, જ્યાં સુધી રાજકારણમાં શિક્ષણનો સવાલ છે તો તેનું એટલું કંઈ મહત્વ રહેતું નથી. 

    શરદ પવારે અદાણી જૂથનું કર્યું હતું સમર્થન 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં શુક્રવારે (7 એપ્રિલ, 2023) NDTV સાથે વાતચીત કરતાં NCP ચીફ શરદ પવારે કોંગ્રેસના સ્ટેન્ડથી વિપરીત નિવેદન આપ્યું હતું કે, હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સાથે તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી JPCની માંગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની સમિતિ તપાસ કરતી હોય તો JPCનું કોઈ ઔચિત્ય રહેતું નથી. 

    શરદ પવારના આ નિવેદનનું અજિત પવારે સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, “તેમણે (શરદ પવારે) આ મુદ્દા વિશે વાત કરી તો તેનો અર્થ એ થાય કે તેમણે પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. અમે તેમની સાથે છીએ.” ઉલ્લેખનીય છે કે આજે સવારે જ મીડિયામાં અજિત પવાર સંપર્કવિહોણા હોવાના સમાચાર આવ્યા હતા. પરંતુ તેમણે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ હોવાના કારણે ઘરે જ હતા, આ રિપોર્ટ્સમાં કોઈ સત્ય નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં