Wednesday, May 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેમ લાગે છે’: અદાણી જૂથ પરના હિંડનબર્ગના રિપોર્ટને...

    ‘ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેમ લાગે છે’: અદાણી જૂથ પરના હિંડનબર્ગના રિપોર્ટને લઈને શરદ પવારનું નિવેદન, વિપક્ષની JPC તપાસની માંગ પર પણ સવાલ ઉઠાવ્યા

    સુપ્રીમ કોર્ટે તપાસ માટે આદેશ કર્યા બાદ હવે JPCનું કોઈ મહત્વ રહ્યું નથી કે તેની કોઈ જરૂર લાગતી નથી: પવાર

    - Advertisement -

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે અદાણી-હિંડનબર્ગ વિવાદને લઈને અગત્યની વાત કહી છે. તેમણે કહ્યું કે, અદાણી જૂથને નિશાન બનાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત, તેમણે વિપક્ષ દ્વારા સતત ઉઠતી JPC તપાસની માંગને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. 

    શરદ પવારે આ વાતો NDTVને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને અદાણી જૂથને લઈને અમેરિકી ફર્મ હિંડનબર્ગ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અને આરોપોને લઈને પૂછવામાં આવ્યું હતું. જેની ઉપર તેમણે જે વાત કરી તે હાલ ચર્ચામાં છે. 

    પવારે કહ્યું, “કોઈ એક વિદેશી ફર્મે કશુંક નિવેદન આપી દીધું અને તેનાથી દેશમાં હોબાળો મચી ગયો. આવાં નિવેદનો અગાઉ પણ કેટલાક લોકોએ આપ્યાં હતાં, થોડા દિવસો સંસદમાં હોબાળો પણ મચ્યો હતો, પણ આ વખતે આ મુદ્દાને થોડું વધારે મહત્વ આપવામાં આવ્યું. જે મુદ્દો રાખવામાં આવ્યો તે રાખનારા લોકો કોણ હતા? એ પણ વિચારવાની જરૂર છે. આપણે તો જેમણે નિવેદન આપ્યું તેમનું નામ પણ સાંભળ્યું ન હતું. આ પ્રકારના મુદ્દાઓ ઉછાળવાથી દેશની સ્થિતિ અને અર્થવ્યવસ્થાને કેટલી અસર થાય છે..આ બધી બાબતો અવગણી શકાય નહીં. અહીં ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “તપાસ માટેની માંગ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે જાતે જ સંજ્ઞાન લીધું. તેમણે એક સમિતિ બનાવી, જેમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ, નિષ્ણાત અર્થશાસ્ત્રી વગેરેની નિમણૂંક કરી, તેમને ગાઈડલાઈન આપી, સમયમર્યાદા આપી અને કહેવામાં આવ્યું કે આની તપાસ કરીને અમારી સામે તથ્યો રજૂ કરો.” 

    JPC કરતાં સુપ્રીમ કોર્ટની તપાસ વધુ યોગ્ય: પવાર

    કોંગ્રેસ દ્વારા સતત આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવીને તપાસ કરવાની માંગ કરવામાં આવતી રહી છે. જેને લઈને તેમણે કહ્યું કે, “વિપક્ષની માંગ હતી કે સંસદની સમિતિ નીમવામાં આવે. સમજી લો કે સંસદની સમિતિ બનાવવામાં આવી. તો આજે સંસદમાં બહુમતી કોની છે? સત્તાપક્ષની. આ માંગ કોની સામે કરવામાં આવી હતી? સત્તાપક્ષ સામે. સત્તા પક્ષ સામે જે આરોપો છે તેની તપાસ માટે સમિતિ નીમવામાં આવશે તો સત્ય કેવી રીતે સામે આવશે? જેથી આશંકા પેદા થઇ શકે.” 

    તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ, જેમાં કોઈનો હસ્તક્ષેપ નથી તેઓ તપાસ કરે તો દેશ સામે સત્ય આવી શકે. જેથી સુપ્રીમ કોર્ટે તપાસ માટે આદેશ કર્યા બાદ હવે JPCનું કોઈ મહત્વ રહ્યું નથી કે તેની કોઈ જરૂર લાગતી નથી. 

    એક તરફ શરદ પવાર આવું કહી રહ્યા છે ત્યાં બીજી તરફ તેમનું જે પાર્ટી સાથે ગઠબંધન છે તે કોંગ્રેસ સતત અદાણી મુદ્દે મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરતી રહે છે. પૂર્વ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અવારનવાર આ મુદ્દાને લઈને પીએમ મોદી પર આરોપો લગાવતા રહે છે તો સંસદના સત્ર દરમિયાન પણ પાર્ટીએ સતત આ મુદ્દાને લઈને હોબાળો મચાવ્યે રાખ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં