ગુજરાતના વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીની જમીન અરજી આસામની કોકરાઝાર કોર્ટે ફગાવી દીધી છે. જીગ્નેશ મેવાણીને બુધવારે રાત્રે આસામ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
જીગ્નેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુર સર્કીટ હાઉસમાંથી પકડી લીધા હતા અને ત્યારબાદ વિમાનમાર્ગે અમદાવાદથી ગુવાહાટી લઇ જવામાં આવ્યા હતા. ગઈકાલે વડગામના ધારાસભ્યને કોકરાઝાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.
આસામના પાટનગર ગુવાહાટીથી કોકરાઝાર 225 કિલોમીટર દુર આવેલું છે. અહીંની કોર્ટમાં જીગ્નેશ મેવાણીને જ્યારે રજુ કરવામાં આવ્યા ત્યારે તેમણે બુમો પાડીને કહ્યું હતું કે આ બદલાનું રાજકારણ છે અને PMO આ પ્રમાણેનું રાજકારણ કરી રહ્યું છે. જીગ્નેશ મેવાણીની જમીન અરજી રદ્દ થતાં તેમના વકીલોએ જણાવ્યું હતું કે હવે તેઓ સોમવારે આસામ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરશે.
Gujarat MLA Jignesh Mevani brought to Kokrajhar police station in Assam
— ANI (@ANI) April 21, 2022
An FIR was registered against him for his tweet. We are moving his bail petition and we are hopeful that he will be out today: Kankan Das, Advocate and General Secretary of Assam Pradesh Congress Committee pic.twitter.com/j96QyQsjZ8
જીગ્નેશ મેવાણીને તેમની કેટલીક ટ્વિટ બદલ કોકરાઝારમાં થયેલી ફરિયાદ બાદ પાલનપુરથી આસામ પોલીસે પકડી લીધા હતા. મેવાણી પર IT એક્ટની કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવી, 295(A), 504 (જાણીજોઈને કરવામાં આવેલું અપમાન અને શાંતિનો ભંગ કરવો) જેવી વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ પુષ્ટિ આપી છે કે આસામ પોલીસે સ્થાનિક પોલીસને જીગ્નેશ મેવાણીની ધરપકડ વિષે પહેલાં માહિતી આપી દીધી હતી.
બીજી તરફ આસામના મુખ્યમંત્રી હેમંતા સરમા બિસ્વાને જ્યારે પત્રકારોએ જીગ્નેશ મેવાણી વિષે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, “મને ખબર નથી. કોણ છે એ?” બાદમાં બિસ્વાએ ઉમેર્યું હતું કે મને આ બાબતની જાણકારી નથી. જ્યારે હું એમના વિષે જાણતો જ નથી ત્યારે બદલાના રાજકારણનો પ્રશ્ન જ ઉભો નથી થતો.”
જીગ્નેશ મેવાણીની ટ્વિટ પરથી તેમની ધરપકડ કરી હોવાનું જ્યારે પત્રકારોએ હેમંતા બિસ્વા સરમાને જણાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આ રીતે કોઈની ધરપકડ કરવામાં આવી હોય તેવા અસંખ્ય કિસ્સાઓ જોવા મળી જશે. આસામ કોંગ્રેસે જણાવ્યું છે કે શુક્રવારે ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે. ત્યારબાદ પણ જો જીગ્નેશ મેવાણીને મુક્ત નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યભરમાં પ્રદર્શન શરુ કરશે. જીગ્નેશ મેવાણી જો કે અપક્ષ ધારાસભ્ય છે પરંતુ તેમણે ‘ટેક્નિકલ કારણોસર’ કોંગ્રેસમાં નહીં જોડાઈને તેને બહારથી સમર્થન આપ્યું છે.