કેરળના કોઝીકોડ જિલ્લામાં ચાલતી ટ્રેનમાં ત્રણ લોકોને ટ્રેનમાં જીવતા સળગાવનાર શાહરૂખ સૈફીનું શાહીનબાગ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. કેરળ પોલીસની એક ટીમ તપાસના સંદર્ભમાં બુધવારે (5 એપ્રિલ, 2023) શાહીનબાગ ખાતે આવેલા તેના ઘરે પહોંચી હતી. મહારાષ્ટ્ર એટીએસની મદદથી કેરળ પોલીસે રત્નાગિરીથી શાહરુખની ધરપકડ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને ઘટના સ્થળેથી એક બેગ, ડાયરી અને ફોન મળી આવ્યો હતો. ફોનની તપાસમાં તેમાં વપરાયેલું સિમકાર્ડ બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે સિમકાર્ડ દિલ્હીના જામિયા નગરમાં શાહીનબાગના સરનામે લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્રણ લોકોને ટ્રેનમાં જીવતા સળગાવનાર શાહરૂખ સૈફીનું શાહીનબાગ કનેક્શન હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આરોપીએ 31 માર્ચ 2023ના રોજ હરિયાણામાં સિમનો ઉપયોગ બંધ કરી દીધો હતો.
Delhi | A team of Kerala Police arrives at Shaheen Bagh to visit the residence of the Kozhikode train fire incident suspect, Shahrukh Saifi pic.twitter.com/luw2qmxm8i
— ANI (@ANI) April 5, 2023
બુધવારે કેરળ પોલીસ શાહીનબાગ સ્થિત શાહરૂખના ઘરે પહોંચી હતી. ત્યાર બાદ ઘરની તપાસ લીધી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આ દરમિયાન શાહરૂખના માતા-પિતાએ કહ્યું હતું કે તેમને આ કેસ વિશે કોઈ જાણકારી નથી. શાહરૂખના પિતાએ કહ્યું હતું કે, જો તેણે કોઇ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો તેને સજા મળવી જોઇએ.
આરોપીના પિતાના જણાવ્યા અનુસાર શાહરૂખ 31 માર્ચ, 2023 ના રોજ નોઇડાના નિઠારી જવા માટે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યાંથી પાછો ફર્યો ન હતો. આ પછી પરિવારે તેના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે તેના કેરળ પહોંચવા વિશે તેમની પાસે કોઈ માહિતી નથી. અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ સૈફીના પિતાને પોલીસ પૂછપરછ માટે સાથે લઈ ગઈ છે.
રત્નાગિરિથી ઝડપાયો શાહરૂખ
શાહરૂખ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે તેના પરિવારના અનેક નંબરોને સર્વેલન્સ પર રાખ્યા હતા. લગભગ 1:30 વાગ્યે એક ફોન ચાલુ કરવામાં આવ્યો હતો જેનું લોકેશન મહારાષ્ટ્રના રત્નાગિરીમાં દેખાઈ રહ્યું હતું. આ પછી મહારાષ્ટ્ર એટીએસને તેની જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને રત્નાગિરી સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા કોચીના બ્રહ્મપુરમ ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગી હતી. જે પછી આખું શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હતું. જાણવા મળ્યું છે કે આ આગ કોઈએ જાણી જોઈને લગાવી હતી. આ કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. હવે શાહરુખ સૈફી પણ બે સપ્તાહ પહેલાં ત્રિપુનિથુરાના ઇરુમ્પનમ પાસે જોવા મળ્યો હોવાનું કહેવાય છે.
પેટ્રોલ છાંટીને લગાવી દીધી હતી આગ
ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલની રાત્રે કેરળમાં ટ્રેનમાં સવાર મુસાફરો પર અચાનક પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં એક મહિલા, 2 વર્ષનું બાળક અને એક પુરુષનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ આગચંપીમાં 8-9 લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ચાલતી ટ્રેનમાંથી ભાગતી વખતે શાહરૂખને ઘણી ઇજાઓ પણ પહોંચી હતી. તે સારવાર માટે રત્નાગિરીની એક હોસ્પિટલમાં પણ ગયો હતો.