પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં થયેલી હિંસાને લઈને ભારતીય જનતા પાર્ટીની સરખામણી વામપંથીઓ સાથે કરી નાખી છે. રામનવમીની શોભાયાત્રા દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી ઉઠી હતી અને મમતા બેનર્જીએ આ માટે બીજેપીને જવાબદાર ઠેરવી છે. મમતાએ કહ્યું કે, “પાર્ટી એક સમુદાયને બીજા સમુદાયની સામે ઉશ્કેરીને હિંદુ ધર્મને બદનામ કરી રહી છે”.
હિંસા એ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી
પશ્ચિમ બંગાળમાં હિંસા અને રમખાણો અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, “બીજેપી રાજ્યમાં ‘ગુંડાઓ’ લઈને આવી છે. હિંસા એ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી. બીજેપી દંગાઓને ઉશ્કેરે નહીં એ માટે મારે હંમેશા સતર્ક રહેવું પડશે. તેઓ સમજતા નથી કે બંગાળના લોકોને હિંસા પસંદ નથી. અમે રમખાણો નથી કરતા, સામાન્ય પ્રજા દંગાથી નથી ઉશ્કેરાતી. જ્યારે બીજેપી પોતે દંગા ન કરી શકે ત્યારે તે બહારથી લોકોને લાવે છે.”
‘વામ’ અને ‘રામ’એ અમારી સામે હાથ મિલાવ્યા
ખેજુરીમાં એક સભાને સંબોધિત કરતા CMએ બીજેપીને વામપંથીઓ સાથે સરખાવ્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે, “રામનવમી દરમિયાન જે યુવાનોના હાથમાં તમે હથિયારો જોયા હતા… CPI (M) પણ એવું જ કરતી હતી. તમે CPI(M) દ્વારા કરાયેલા અત્યાચારને ભૂલી ગયા? ‘વામ’ (વામપંથી) અને ‘રામ’ (બીજેપી)એ અમારી સામે હાથ મિલાવ્યા છે.”
અમિત શાહ પર કર્યો કટાક્ષ
બિહારમાં હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું કે ‘તોફાનીઓને ઉલટા લટકાવવામાં આવશે’. મમતા બેનર્જીએ તેનો ઉલ્લેખ કરીને બીજેપી પર પ્રહાર કર્યા કે, “અહીં તેમના ગુંડાઓ સાથે શા માટે આવું નથી કરતા?”
નોંધનીય છે કે, બંગાળમાં છેલ્લા અઠવાડિયામાં હાવડા અને હુગલી જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસાના બે બનાવ બન્યા હતા. ટીએમસી અને ભાજપ આને લઈને સામસામે આક્ષેપો કરી રહ્યા છે.
મસ્જિદની બહાર શોભાયાત્રા પર હુમલો થયો
ભાજપે એવો આક્ષેપ કર્યો હતો કે હુગલી જિલ્લામાં રિશરામાં એક મસ્જિદની બહાર રામનવમીની રેલી પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના સ્થાનિક ધારાસભ્ય પણ ઘાયલ થયા છે. તો શુક્રવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. રિપોર્ટ મુજબ, વાહનોને આગ ચાંપવામાં આવી હતી, દુકાનો અને ઓટો-રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી.