જમ્મુ-કાશ્મીરમાં PMOના મોટા અધિકારી હોવાનો દાવો કરીને ઝેડ પ્લસ સિક્યોરીટી સહિતની સુવિધાઓ ભોગવનાર કૉનમેન કિરણ પટેલ (Kiran Patel) આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કાશ્મીર પોલીસે તેની ધરપકડ કર્યા બાદ અમદાવાદમાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત પોલીસે કિરણ પટેલને કાશ્મીરથી અમદાવાદ લાવવાની તાજવીજ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીર કોર્ટે ટ્રાન્સફર વોરન્ટ ઇસ્યુ કર્યા બાદ તેને લઈને પોલીસની એક ટીમ અમદાવાદ માટે રવાના થશે. તેને રોડમાર્ગે લાવવામાં આવી રહ્યો છે.
આ સિવાય કિરણ પટેલ સામેની કાર્યવાહી મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કિરણ પટેલને લેવા માટે અમારી એક ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ છે. પોતાના નિવેદનમાં તેમણે ઉમેર્યું હતું કે, કિરણને સામાન્ય આરોપીની જેમ જ સડકમાર્ગે અમદાવાદ લાવવામાં આવશે અને તેની પૂછપરછ હાથ ધરાશે.
જમ્મુ અને કાશ્મીર પોલીસને PMOમાં ‘એડિશનલ સેક્રેટરી’ તરીકે ઓળખાણ આપીને કૌભાંડી કિરણ પટેલે કાશ્મીર ડીસીની વિનંતી પર Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ એસયુવી, ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ જેવી વીવીઆઈપી સુવિધાઓ મેળવી હતી. બાદમાં તેને 3 માર્ચે એલર્ટ સુરક્ષા અધિકારીઓ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશની એક ફાઇવ સ્ટાર હોટલમાંથી પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક તેનાં કારસ્તાનો સામે આવી રહ્યાં છે.
કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં તેની ઉપર PMO અધિકારીની ખોટી ઓળખ આપીને બંગલો રિનોવેટ કરવાના નામે પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. પોતાનું ઘર વેચવા માંગતા જગદીશ ચાવડા નામના વ્યક્તિને કિરણે ઘરમાં રિનોવેશનની જરૂર હોવાનું કહ્યા બાદ તેમણે પણ તેની વાતમાં આવીને કામ કરવા માટે મંજૂરી આપી હતી અને પૈસા પણ આપ્યા હતા. પરંતુ પછી કિરણે બહાર પોતાના નામની પ્લેટ લગાવી દઈને વાસ્તુ પણ કરી નાંખ્યું હતું. પછીથી બંગલાના માલિકને નોટિસ પણ મોકલાવી હતી. આ મામલે જગદીશ પટેલે તાજેતરમાં કેસ નોંધાવ્યો હતો.
આ સિવાય VTVએ આપેલા એક અહેવાલ મુજબ મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટ (ED)એ પણ તપાસ શરૂ કરી છે. આ તપાસ વર્ષ 2019ની એક ફરિયાદના આધારે કરવામાં આવી રહી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે અમદાવાદના જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સના માલિક સાથે 1 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. જે બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે આ મહાઠગની ધરપકડ પણ કરી હતી. ત્યારે તાજેતરમાં કિરણ પટેલના કારસ્તાન બહાર આવતા તે EDના રડારમાં આવી ગયો હતો, જેને લઈને એજન્સીની એક ટીમ વડોદરા ખાતે આવીને કિરણ પટેલના કેસની વિગતો મેળવી તપાસ કરી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
મહાઠગની પત્ની પણ ‘પાર્ટનર ઈન ક્રાઈમ’
ઉલ્લેખનીય છે કે કિરણ પટેલની પત્ની માલિની પટેલ પણ પતિના કૌભાંડોમાં સરખી ભાગીદાર હોવાનું બહાર આવ્યા બાદ તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી હતી. આ દંપતી સામે કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ હતી. કિરણ પટેલના કર્મોનો પર્દાફાશ થતાં પત્ની ઘરને તાળાં મારીને ગાયબ થઈ ગઈ હતી. તેની ધરપકડ થયા બાદ આગોતરા જામીન મેળવે એ પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધી હતી.