ગીર સોમનાથના ઉનામાં રામનવમી બાદથી જ સાંપ્રદાયિક તણાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે (31 માર્ચ, 2023) મુસ્લિમ યુવાનોએ ચક્કાજામ કર્યો હતો તો ‘સર તન સે જુદા’ના નારા પણ લાગ્યા હતા. ત્યારબાદ શનિવારે સાંજે પથ્થરમારો થયો હતો. હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.
પોલીસે ઉનામાં પથ્થરમારો કરનારા તોફાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 70 લોકોની ધરપકડ કરી લીધી છે. આ માટે પોલીસે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું અને આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તેમજ SRPની ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.
જુમ્માના દિવસે ચક્કાજામ કરાયો
ઉનામાં રામનવમીના દિવસે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું અને ત્યારબાદ એક ધર્મસભા યોજવામાં આવી હતી. આ સભામાં વક્તા કાજલ હિંદુસ્તાનીએ સંબોધન કરતાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે અવાજ ઉઠાવવા માટે આહવાન કર્યું હતું. તેમના આ સંબોધનને ‘મુસ્લિમવિરોધી’ અને ‘ભડકાઉ’ ગણાવીને મુસ્લિમોએ બીજા દિવસે ચક્કાજામ કર્યો હતો.
આ પ્રદર્શન દરમિયાન પોલીસ સ્ટેશનની સામે જ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે.
શાંતિ સમિતિની બેઠક યોજાઈ, સમાધાન બાદ પણ પથ્થરમારો થયો
સાંપ્રદયિક તણાવને લઈને ઉના પોલીસે બીજા દિવસે બંને સમુદાયના અગ્રણીઓને બોલાવીને સમાધાન માટે એક બેઠકનું આયોજન કર્યું હતું પરંતુ આ બેઠકમાં પણ વિખવાદ થયો હતો. બેઠકમાં બંને સમુદાયો વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ માહોલ તંગ બનતાં મુસ્લિમ આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જેની જાણ શહેરમાં પણ થતાં વેપારીઓએ પણ ટપોટપ દુકાનો બંધ કરવા માંડી હતી અને સમગ્ર બજાર બંધ રહ્યું હતું.
પછીથી ગીર સોમનાથ એસપીએ બંને સમુદાયના માત્ર પાંચ-પાંચ આગેવાનોને સર્કિટ હાઉસ ખાતે બોલાવીને સમાધાન કરાવ્યું હતું તો બીજી તરફ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
જોકે, આ બેઠક બાદ ફરી સાંજે વાતાવરણ બગડ્યું હતું અને શહેરમાં પથ્થરમારાની ઘટના બની હતી. મોડી સાંજે ઉનામાં કુંભારવાડા, કોળીવાડ અને ચંદ્રકિરણ સોસાયટી વિસ્તારોમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી. પથ્થરમારો થયા બાદ પોલીસે રાત્રે ઓપરેશન ચલાવીને 70 તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી.